તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Sunday, 21st June 2026
અમેરિકાના લોસ એન્જલસમાં બોયલ હાઇટ્સના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગના ઝેરી ધુમાડા લોસ એન્જલસમાં ફેલાતા ગવર્નર ગેવિન ન્યૂઝમ અને મેયર કારેન બાસ દ્વારા ઇમરજન્સી જાહેર કરાઈ
લિથિયમ-આયન બેટરી અને કરોડો પાઉન્ડના બગડેલા ખોરાકથી સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ : ૫૫ લાખ રેસ્પિરેટર માસ્કનું કરાશે વિતરણ : મધ્યરાત્રિએ રોબોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ ઓલવવા ભારે મથામણ : દિવસોથી સળગી રહેલી આગને કારણે સમગ્ર ક્ષેત્રમાં હવાની ગુણવત્તા અને જાહેર આરોગ્યની ચિંતા વધતા સત્તાવાળાઓ દ્વારા સરકારી સંસાધનોની મદદ માંગવામાં આવી

લોસ એન્જલસ:અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા લોસ એન્જલસના બોયલ હાઇટ્સ વિસ્તારમાં એક વિશાળ કોલ્ડ સ્ટોરેજ ગોડાઉનમાં લાગેલી ભીષણ અને હઠીલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ આગના કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયાનક ઝેરી ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવાની ગુણવત્તા અત્યંત જોખમી સ્તરે પહોંચી જતાં અને જાહેર આરોગ્યની ગંભીર ચિંતાઓ વકરતાં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમ અને લોસ એન્જલસના મેયર કારેન બાસ દ્વારા સત્તાવાર રીતે કટોકટીની સ્થિતિ (સ્ટેટ ઓફ ઇમરજન્સી) જાહેર કરવામાં આવી છે. મેયર કારેન બાસે જણાવ્યું હતું કે, આ એક અત્યંત જટિલ અને બહુ-ક્ષેત્રીય ઘટના હોવાથી શહેરને જરૂરી તમામ સરકારી સંસાધનો મળી રહે અને સમુદાય સુરક્ષિત રહે તે માટે આ ઇમરજન્સી જાહેર કરવી અનિવાર્ય બની હતી.
આ ભયાનક દુર્ઘટનાની વિગત એવી છે કે, ૧૪૦૦ એસ. લોસ પાલોસ સ્ટ્રીટ પર આવેલા 'લાઈનેજ લોજિસ્ટિક્સ' કંપનીના ૫,૦૦૦,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ કોમર્શિયલ બિલ્ડિંગમાં ગત બુધવારે આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનમાં એક વિશાળ કૂલરની જેમ આશરે ૮.૫ કરોડ પાઉન્ડ જેટલો સ્થિર ફ્રોઝન ફૂડ (ચિકન, પોર્ક, બીફ અને બ્રેડ) નો જથ્થો સંગ્રહિત છે. બિલ્ડિંગની સ્ટીલની દીવાલોની અંદર ભરેલો ગાઢ ફીણ (ડેન્સ ફોમ) ધીમે-ધીમે સળગી રહ્યો છે અને તેમાંથી સતત જોખમી વાયુઓ ઉત્સર્જિત થઈ રહ્યા છે. તદુપરાંત, બિલ્ડિંગની છત પર લગાવવામાં આવેલા સોલાર પેનલો પણ આગની લપેટમાં આવી ગયા છે. કંપનીના અધિકારીઓ અનુસાર, ત્રીજી પક્ષના કોન્ટ્રાક્ટરો જ્યારે છત પર સોલાર એરેનું પરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે સંભવતઃ આ આગ ફાટી નીકળી હતી.
લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ જેમી મૂરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ આગ તેમના વિભાગ અને શહેર માટે એક અનોખો અને મોટો પડકાર છે. બિલ્ડિંગમાં પાવર અને રેફ્રિજરેશન બંધ થઈ જતાં કરોડો પાઉન્ડનો ખોરાક હવે સડવા લાગ્યો છે, જે આગ ઓલવ્યા બાદ જૈવિક કચરા (બાયોહેઝાર્ડ) નું મોટું જોખમ ઊભું કરશે. ફાયર વિભાગે અગાઉ એમોનિયા લાઇન સુધી આગ પહોંચતા થયેલા નાના વિસ્ફોટો બાદ સેલ્ટર-ઇન-પ્લેસ (ઘરમાં જ સુરક્ષિત રહેવા) નો ઓર્ડર આપ્યો હતો, જેને શુક્રવારે સવારે હટાવી લેવાયો હતો. જો કે, સાન ગેબ્રિયલ વેલી, નોર્થઇસ્ટ લોસ એન્જલસ, ગ્લેન્ડેલ, બરબેંક અને ડાઉનટાઉન લોસ એન્જલસ સહિતના અનેક વિસ્તારોમાં ઝેરી ધુમાડો અને ભારે હવાનું પ્રદૂષણ ફેલાઈ ગયું છે. સ્થાનિક નાગરિકો આ ધુમાડાની સરખામણી જાન્યુઆરી ૨૦૨૫ માં અલ્ટાડેના ખાતે લાગેલી ભયાનક 'ઇટન ફાયર' સાથે કરી રહ્યા છે.
આરોગ્ય અધિકારી મુન્તુ ડેવિસે નાગરિકોને ચેતવણી આપી છે કે, ધુમાડાના બારીક કણો શ્વાસમાં જવાથી કાન, નાક, ગળું અને ફેફસામાં ગંભીર બળતરા થઈ શકે છે અને હૃદયના દર્દીઓની તકલીફ વધી શકે છે. અમેરિકન લંગ એસોસિએશનના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ વિલ બેરેટે જણાવ્યું કે, ઔદ્યોગિક આગના ધુમાડામાં અત્યંત ઝેરી કેમિકલ્સ હોઈ શકે છે જે ફેફસાના કેન્સર કે અસ્થમાના હુમલાનું જોખમ વધારે છે. આ સાથે જ ગોડાઉનમાં રહેલી આશરે ૬૦ જેટલી લિથિયમ-આયન બેટરી સંચાલિત ફોર્કલિફ્ટ ગાડીઓ અત્યાર સુધી ભલે સુરક્ષિત હોય, પરંતુ ગુરુવારે હવામાં હાઇડ્રોજન ફ્લોરાઇડ નામના ઝેરી કેમિકલના અંશો મળી આવ્યા હતા, જે સામાન્ય રીતે લિથિયમ બેટરીઓ સળગવાથી પેદા થાય છે.
ગવર્નર ગેવિન ન્યૂઝમે કેલિફોર્નિયા રાજ્ય તરફથી સંપૂર્ણ સહાયની ખાતરી આપતા જણાવ્યું છે કે, અસરગ્રસ્તોની સુરક્ષા માટે રાજ્ય સરકાર તકનીકી નિષ્ણાતો મોકલવાની સાથે જ ૫૫ લાખ જેટલા ઉચ્ચ ગુણવત્તાયુક્ત રેસ્પિરેટર માસ્ક (N95 અને P100), કોમર્શિયલ એર પ્યુરિફાયર અને પીવાના પાણીની બોટલોનું વિતરણ કરશે. પ્રદૂષણ પર નજર રાખવા માટે સાઉથ કોસ્ટ એક્યુએમડી (AQMD) અને યુ.એસ. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (EPA) દ્વારા સ્થાનિક શાળાઓ અને પ્રભાવિત વિસ્તારોમાં ખાસ સ્ટેશનરી અને વિશિષ્ટ એર મોનિટર્સ ગોઠવવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પીડિતો માટે પેકન રિક્રિએશન સેન્ટર અને સિટી ટેરેસ પાર્ક ખાતે ખાસ સ્મોક રેસ્પાઇટ શેલ્ટર્સ ખોલવામાં આવ્યા છે.
બોયલ હાઇટ્સ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલમેમ્બર ઇસાબેલ જુરાડો અને ઇસ્ટ એલ.એ. ના એસેમ્બલીમેમ્બર જેસિકા કાલોઝાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગયા મહિને ગાર્ડન ગ્રોવ ખાતે જીકેએન એરોસ્પેસ ફેસિલિટીમાં કેમિકલ ટેન્ક ઓવરહીટ થતાં ૫૦,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું અને ઇસ્ટ એલ.એ. માં કાચા તેલની પાઇપલાઇન લીક થવાની ઘટના બની હતી. આવા તમામ પર્યાવરણીય જોખમો અને પ્રદૂષણનો ભોગ હંમેશા મહેનતુ પ્રવાસી લેટિનો (મેક્સિકન) અને વર્કિંગ ક્લાસ સમુદાયોના વિસ્તારો જ કેમ બને છે તેવો સવાલ ઉઠાવી તેમણે આ ઘટનાની પૂર્ણ જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. ફાયર ચીફ ડેપ્યુટી જોન ઓ'બ્રાયને જણાવ્યું કે, સળગતી સોલાર પેનલો અને સ્ટ્રક્ચરલ કાટમાળ નીચે હજુ પણ આગ ધખધખી રહી છે. ફાયર વિભાગે રાત્રિના સમયે હેલિકોપ્ટર દ્વારા પાણીનો મારો બંધ કરીને જમીની સ્તરે અદભુત કામ કરતા ખાસ 'ફાયરફાઇટીંગ રોબોટ' અને કમાન્ડો સ્ટાફની મદદથી ઓપરેશન ચાલુ રાખ્યું છે. આ એક લાંબા ગાળાનું જટિલ ઓપરેશન સાબિત થવા જઈ રહ્યું છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
