<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગુલમર્ગમાં અમદાવાદ, રાજકોટના પ્રવાસી ફસાયાઃ તમામ સુરક્ષિત

ગુલમર્ગ ગોંડોલા કેબલ કારમાં ટેકનિકલ ખામીને કારણે ફસાયેલા પ્રવાસીઓમાં રાજકોટ, અમદાવાદ સહિતના પર્યટકો સામેલ હતા : ૬૫ જેટલી કેબિન હવામાં લટકી રહી હતીઃ જેમાં કેટલાક પ્રવાસીઓ જમીનથી લગભગ ૫૦૦ ફૂટની ઊંચાઈએ ફસાયા હતા

ગુલમર્ગ,તા.૨૬: જમ્‍મુ-કાશ્‍મીરના જાણીતા હિલ સ્‍ટેશન ગુલમર્ગમાં સોમવારે ગોંડોલા કેબલ કાર સિસ્‍ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા પ્રવાસીઓ અધવચ્‍ચે ફસાયા હતા. ફસાયેલા પ્રવાસીઓમાં રાજકોટ, અમદાવાદ સહિતના પર્યટકો પણ તેમાં ફસાયા હતા. સોમવારે બપોરે સર્જાયેલી આ ઘટનામાં ૬૫ જેટલી કેબિન હવામાં લટકી રહી હતી. જેમાં કેટલાક પ્રવાસીઓ જમીનથી લગભગ ૫૦૦ ફૂટની ઊંચાઈએ ફસાયા હતા. આ ઘટનાની જાણ થતા જ વહીવટીતંત્ર દોડતું થયું હતું.

સ્‍ટેટ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (એસડીઆરએફ), નેશનલ ડિઝાસ્‍ટર રિસ્‍પોન્‍સ ફોર્સ (એનડીઆરએફ), પોલીસ અને ભારતીય સેના દ્વારા સંયુક્‍ત રીતે મોટા પાયે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન ભારે વરસાદ પડતા પ્રતિકૂળ હવામાનની વચ્‍ચે પણ રેસ્‍ક્‍યુ ટીમે સતત કામ કરીને તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા.

ગુજરાતના રાજકોટ, અમદાવાદ સહિત એક હજાર જેટલા પ્રવાસી ત્‍યાં ફસાયા હોવાની વિગતો સામે આવી હતી. આ પરિસ્‍થિતિનો ગુજરાતી વ્‍યક્‍તિનો એક વીડિયો સામે આવ્‍યો હતો. જેમાં તેઓ પ્રવાસીઓની વ્‍યથા જણાવી રહ્યા હતા. તેમણે જણાવ્‍યું કે, ગોંડોલા કેબલ કાર સિસ્‍ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. પરંતુ અહીં તેમનો કોઈપણ સ્‍ટાફ હાજર નથી. પ્રવાસીઓ પોતાના પ્રશ્નો કોઈને કહી શકે તેવું જવાબદાર વ્‍યક્‍તિ હાજર નથી. નોંધનીય છે કે, ફસાયેલા તમામ પ્રવાસીઓને હેમખેમ નીચે ઉતારી દેવામાં આવ્‍યા હતા.

ગોંડોલા કેબલ કાર સિસ્‍ટમમાં જ્‍યારે ખામી સર્જાઈ તે દરમિયાન વરસાદ પણ શરૂ થયો હતો અને વાતાવરણમાં પણ પલટો આવ્‍યો હતો. જેના કારણે રેસ્‍ક્‍યૂ ઓપરેશન કરવામાં પણ મુશ્‍કેલીઓ પડતા ધારણા કરતાં વધારે લાંબું ચાલ્‍યું હતું. સાત કલાકના રેસ્‍ક્‍યૂ ઓપરેશન બાદ તમામ પ્રવાસીઓને હેમખેમ નીચે ઉતારી લેવાયા હોવાનું સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. તાત્‍કાલિક અસરથી ગુલમર્ગ કેબલ-કારની સર્વિસ બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે જમ્‍મુ-કાશ્‍મીરના મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્‍લાએ સોશિયલ મીડિયા પર જણાવ્‍યું હતું કે, સ્‍થિતિ નિયંત્રણમાં છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી. તમામ કેબિન સુરક્ષિત છે. લેફટનન્‍ટ ગવર્નર મનોજ સિહાએ પણ પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જણાવી ડીજીપી નલિન પ્રભાતને ઘટનાસ્‍થળે પહોંચવા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા નિર્દેશ આપ્‍યા છે.

(10:29 AM IST)