<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

યુપીમાં પર્યટનનો અંદાજ બદલાશે: યોગી સરકાર લાવશે કેપ્સ્યુલ પોડ્સ અને હોબિટ હાઉસ, પ્રવાસીઓને મળશે 'સ્ટાર બેડ'નો અદભૂત અનુભવ

ઉત્તર પ્રદેશમાં પર્યટન ક્ષેત્રે ઇનોવેશનનો નવો અધ્યાય; સ્ટાર્ટઅપ્સ માટે સબસિડીનો ધોધ અને અનોખા સ્ટે-ઓપ્શન્સ સાથે યુવાનોને આકર્ષવાની તૈયારી

લખનૌ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના પર્યટન ક્ષેત્રને આધુનિક ઓપ આપવા માટે એક ક્રાંતિકારી યોજના અમલમાં મૂકી છે. હવે યુપી માત્ર ધાર્મિક સ્થળો માટે જ નહીં, પરંતુ કેપ્સ્યુલ પોડ્સ, લક્ઝરી કારવાં અને થીમ-આધારિત રોકાણ માટે પણ વિશ્વભરમાં જાણીતું બનશે. રાજ્ય સરકારે "નવા પર્યટન સ્ટાર્ટઅપ યુનિટ" અંતર્ગત યુવા સાહસિકો પાસેથી નવીન પ્રસ્તાવો મંગાવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓને સસ્તું અને યાદગાર રોકાણ પૂરું પાડવાનો છે.
પરંપરાગત હોટલોના બદલે હવે જાપાનીઝ ટેકનોલોજીથી પ્રેરિત 'કેપ્સ્યુલ પોડ્સ' પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. વારાણસીમાં તેની શરૂઆત થઈ ચૂકી છે અને હવે તે અન્ય શહેરોમાં પણ વિસ્તરશે. આ ઉપરાંત, લખનૌ-અયોધ્યા રૂટ પર 'મોબાઇલ હોમ્સ' એટલે કે કારવાં ટુરિઝમનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બુંદેલખંડ જેવા વિસ્તારોમાં ખુલ્લા આકાશ નીચે 'સ્ટાર બેડ્સ' અને લખીમપુર ખેરીમાં પર્યાવરણને અનુકૂળ 'હોબિટ હાઉસ' જેવા કન્સેપ્ટ પ્રવાસીઓને કુદરતની નજીક લાવશે.
રોકાણકારો માટે સરકારી પ્રોત્સાહનોની લહાણી:
આ નવા મોડેલોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આર્થિક સહાયની પણ મોટી જાહેરાત કરી છે:
•    સબસિડી: ₹10 લાખથી ₹10 કરોડ સુધીના પ્રોજેક્ટ્સ માટે 25% સુધીની સબસિડી.
•    ખાસ છૂટછાટ: મહિલાઓ અને SC/ST ઉદ્યોગસાહસિકોને વધારાની 5% સબસિડી મળશે.
•    કર રાહત: સ્ટેમ્પ ડ્યુટીમાં 100% મુક્તિ અને જમીન રૂપાંતર શુલ્કમાં મોટી રાહત.
અધિકારીઓના મતે, આ પ્રોજેક્ટ્સ મોટા હોટેલ પ્રોજેક્ટ્સની સરખામણીએ ઓછા ખર્ચે અને ઝડપથી તૈયાર થઈ શકે છે. આનાથી નાના નગરોમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. રાજ્ય સ્તરની વિશેષ પ્રવાસન સમિતિ (SLSTC) દ્વારા તમામ પ્રસ્તાવોની સમીક્ષા કરીને આધુનિક પર્યટન માળખાને આખરી ઓપ આપવામાં આવશે.

(6:22 PM IST)