News of Saturday, 28th November 2026
ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ૪.૪૮ કરોડને પાર
ગુજરાતમાં મુસદ્દા મતદાર યાદી-૨૦૨૭ પ્રસિદ્ધઃ રાજ્યમાં ૨,૩૦,૯૦,૦૬૭ પુરુષ મતદારો, ૨,૧૭,૮૬,૧૫૦ સ્ત્રી મતદારો તથા ૧,૦૭૧ થર્ડ જેન્ડર મળી કુલ ૪,૪૮,૭૭,૨૮૮ મતદારો નોંધાયા : ભારતીય ચૂંટણી પંચની જાહેરાતઃ ૨૬ ડિસેમ્બર સુધી હક્ક-દાવા- વાંધા રજૂ કરી શકાશે, ૧૮ જાન્યુ.એ આખરી મતદાર યાદી

નવી દિલ્હી,તા.૨૮: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ૧ જાન્યુઆરી, ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટો મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR) અંતર્ગત તૈયાર થયેલી ગુજરાત રાજ્યની એકીકૃત મુસદ્દા મતદાર યાદી રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા મતવિભાગોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી મુજબ રાજ્યમાં ૨,૩૦,૯૦,૦૬૭ પુરુષ મતદારો, ૨,૧૭,૮૬,૧૫૦ ષી મતદારો તથા ૧,૦૭૧ થર્ડ જેન્ડર મળી કુલ ૪,૪૮,૭૭,૨૮૮ મતદારો નોંધાયા છે. અગાઉ ૧૭ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદીમાં નોંધાયેલા ૪,૪૦,૩૦,૭૨૫ મતદારો (૨,૨૭,૧૭,૩૬૬ પુરુષ, ૨,૧૩,૧૨,૩૨૯ સ્ત્રી અને ૧,૦૩૦ થર્ડ જેન્ડર) ની સામે આ વખતે કુલ ૮,૪૬,૫૬૩ મતદારો એટલે કે ૧.૯૨ ટકાનો ચોખ્ખો વધારો નોંધાયો છે.
આ સુધારણા દરમિયાન નામ ઉમેરવા માટે મળેલા અને મંજૂર થયેલા ફોર્મ-૬, ૬ક તથા સ્થળાંતરના ફોર્મ-૮ હેઠળ ૫,૨૪,૬૧૦ પુરુષ, ૬,૭૬,૫૨૪ ષી અને ૫૦ થર્ડ જેન્ડર મળી કુલ ૧૨,૦૧,૧૮૪ નવા નામો ઉમેરાયા છે. જ્યારે નામ કમી કરવા માટે મળેલા ફોર્મ-૭ તથા સ્થળાંતરના ફોર્મ-૮ અંતર્ગત ૧,૫૧,૭૧૬ પુરુષ, ૨,૦૨,૯૦૨ ષી અને ૩ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૫૪,૬૨૧ નામો કમી કરવામાં આવ્યા છે.
મુસદ્દા મતદાર યાદી અંગે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો તબક્કો ૨૭મી, નવેમ્બર, ૨૦૨૬ થી શરૂ થઈ ૨૬મી, ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. જે દરમિયાન લાયક નાગરિકો યાદીમાં પોતાની વિગતો ચકાસી જરૂર મુજબ અરજી કરી શકશે. જેમાં નવું નામ દાખલ કરવા ફોર્મ-૬, બિનનિવાસી ભારતીય માટે ફોર્મ-૬ક, સૂચિત નામ સામે વાંધો લેવા કે નામ કમી કરવા ફોર્મ-૭ તથા સરનામું બદલવા, વિગતો સુધારવા, ડુપ્લિકેટ EPIC મેળવવા અથવા દિવ્યાંગજન તરીકે નોંધણી માટે ફોર્મ-૮ ભરી શકાશે. ૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નવયુવાનો ઉપરાંત વર્ષ ૨૦૨૭ની આગામી ત્રણ લાયકાતની તારીખો એટલે કે ૧લી, એપ્રિલ, ૨૦૨૭, ૧લી, જુલાઈ, ૨૦૨૭ અને ૧લી, ઓક્ટોબર, ૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર સંભવિત યુવા મતદારો પણ એડવાન્સ અરજી કરી શકશે.
નાગરિકોની સુવિધા માટે ૨૯-૧૧-૨૦૨૬, ૬-૧૨-૨૦૨૬ અને ૧૩-૧૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦થી સાંજે ૫ વાગ્યા સુધી ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) મતદાન મથકો પર ઉપસ્થિત રહેશે.ચૂંટણી પંચની સૂચના મુજબ તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને મુસદ્દા મતદાર યાદીની એક હાર્ડ કોપી અને એક ફોટોગ્રાફ વગરની PDF સોફટ કોપી પૂરી પાડવામાં આવી છે, તેમજ આ યાદી મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://ceo.gujarat.gov.in પર પણ ઉપલબ્ધ છે.
મતદારો સંબંધિત ERO કચેરી કે મતદાન મથકોની મુલાકાત લઈને અથવા વોટર્સ સર્વિસ પોર્ટલ (https://voters.eci.gov.in) અને ECINET મોબાઈલ એપ મારફતે ઓનલાઈન પણ અરજી કરી શકે છે. જો કોઈ નાગરિક મતદાર નોંધણી અધિકારી (ERO) ના હુકમથી અસહમત હોય તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ની કલમ ૨૪(ક) હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી (કલેક્ટરશ્રી) સમક્ષ પ્રથમ અપીલ અને તેના નિર્ણય સામે કલમ ૨૪(ખ) તથા મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ ના નિયમ ૨૭ મુજબ CEO સમક્ષ બીજી અપીલ કરી શકશે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા યુવા અને પ્રથમ વખતના મતદારો, ત્રીજી જાતિના નાગરિકો, દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો તેમજ વંચિત વર્ગોને આ ઝુંબેશમાં સક્રિયપણે જોડાઈ યાદીમાં પોતાની વિગતોની ખાતરી કરવા અપીલ કરાઈ છે. આખરી મતદાર યાદી ૧૮-૧-૨૦૨૭ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
