<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

બંગાળમાં પરિવર્તનનો સૂર: ‘ગુંડાઓ પર લગામ લાગશે’, શુભેન્દુ અધિકારીની ગર્જના અને વિજય સરઘસ પર પ્રતિબંધ

બજરંગબલીના આશીર્વાદ લઈને નંદીગ્રામ પહોંચેલા શુભેન્દુએ TMC શાસનના અંતની કરી જાહેરાત : ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવ્યા બાદ હવે મુખ્યમંત્રી પદની રેસ તેજ : અમિત શાહ લેશે અંતિમ નિર્ણય

કોલકાતા:  પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. નંદીગ્રામના ‘જાયન્ટ કિલર’ અને ભાજપના કદાવર નેતા શુભેન્દુ અધિકારીએ નવી સરકારના શપથ ગ્રહણ પહેલા જ આક્રમક તેવર બતાવ્યા છે. બજરંગબલીના શરણમાં પહોંચેલા અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનું શાસન ખતમ થઈ ગયું છે. તેમણે જાહેરાત કરી છે કે નવી સરકાર બન્યા પછી તરત જ એવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમણે ભાજપના કાર્યકરો પર ૫૦૦થી વધુ ખોટા કેસ કર્યા અને ૪૦૦ જેટલા નિર્દોષોને જેલમાં ધકેલ્યા. રાજ્યમાં શાંતિ જાળવવા માટે તેમણે આગામી ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારના વિજય સરઘસ પર રોક લગાવી દીધી છે.

બંગાળના રાજકીય ગલિયારાઓમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન ‘મુખ્યમંત્રી કોણ?’ એ છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે સાંજે બંગાળ પહોંચી રહ્યા છે. શુક્રવારે યોજાનારી ધારાસભ્ય પક્ષની બેઠકમાં નવા નેતાના નામ પર મહોર મારવામાં આવશે. શુભેન્દુ અધિકારી જેઓ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, તેમણે મમતા બેનર્જીને તેમની જ બેઠક ભવાનીપુર પર ૧૫,૦૦૦ મતોથી હરાવીને પોતાની તાકાત સાબિત કરી દીધી છે. અમિત શાહની હાજરીમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચેના સંકલન અને મંત્રીમંડળના ચહેરાઓ અંગે આખરી નિર્ણય લેવાશે.

બીજી તરફ, શુભેન્દુ અધિકારીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ આગામી ૧૦ દિવસમાં પોતાની બે બેઠકોમાંથી એક બેઠક ખાલી કરશે. ભવાનીપુર અને નંદીગ્રામ બંને વિસ્તારોની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે. પોલીસની મંજૂરી બાદ જ જનતાનો આભાર માનવા માટે કાર્યક્રમો યોજાશે તેવી ખાતરી આપતા અધિકારીએ જણાવ્યું કે ભાજપની સરકાર બંગાળને હિંસા મુક્ત બનાવવાની દિશામાં કામ કરશે. હવે આખી દુનિયાની નજર શુક્રવારે મળનારી બેઠક પર છે, જ્યાં બંગાળના નવા ‘કેપ્ટન’નું નામ જાહેર થશે.

(7:33 PM IST)