<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

કાલે ''મતપર્વ'' ઉજવાશેઃ ૨૦૨૭ પૂર્વે સેમીફાઇનલ

રાજયમાં ૪.૯૦ કરોડ મતદારોમાંથી ૪.૧૯ કરોડ મતદારો,૧૫ મહાનગરપાલિકાઓ -૮૪ નગરપાલિકા, ૩૪ જીલ્લા પંચાયત માટે કરશે મતદાન ૨૬૦ તાલુકા પંચાયત માટે કરશે મતદાન ચૂંટણી રાજયની આવનારી રાજકીય દિશા અને સમીકરણો માટે મહત્વની હોવાથી રાજકીય પક્ષોએ જીતવા પૂરી તાકાત લગાડીઃ જાહેર પ્રચાર પૂર્ણ થયા બાદ હવે ડોર ટૂ ડોર પ્રચાર, વોટ મેનેજમેન્ટ અને માઇક્ર ો પ્લાનિંગની ધુમ

નવી દિલ્હી તા.૨૫: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે આવતીકાલે રવિવાર, ૨૬ એપ્રિલે રાજ્યભરમાં મતદાન યોજાવાનું છે. સવારે ૭:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ ચૂંટણીમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૯,૨૬૩ બેઠકો માટે ભારે રસાકસી જામી છે. રાજ્ય ચૂંટણી આયોગના આંકડા અનુસાર, કુલ ૨૫,૫૩૭ ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય વાત એ છે કે મતદાન પ્રક્રિયા શરૃ થાય તે પહેલા જ ૭૩૬ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આમ, લોકશાહીના આ મહાપર્વમાં હજારો ઉમેદવારો વિના જ કેટલાક પ્રતિનિધિઓ નક્કી થઈ ગયા છે.

રાજ્યભરમાં કુલ ૪૮,૪૫૦ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે વહીવટી તંત્રે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. આમાં ૧૪,૨૭૫ સંવેદનશીલ મથકો અને ૨,૧૯૬ અતિ-સંવેદનશીલ મથકોની ખાસ નોંધ લેવાઈ છે. સુરક્ષા વ્યવસ્થામાં ૯૨,૫૮૩ પોલીસ જવાનો તૈનાત રહેશે.

ચૂંટણી પ્રક્રિયાને સુલભ અને સરળ બનાવવા માટે ૨,૬૪,૭૧૫ પોલિગ સ્ટાફ રાત-દિવસ કાર્યરત છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મતદાન માટે ૧,૨૨,૯૫૧ બેલેટ યુનિટ (BU) અને ૧,૦૮,૧૮૮ કંટ્રોલ યુનિટ (CU) EVM મશીનો ફાળવવામાં આવ્યા છે. આ વખતે OBC માટે અનામત વધારીને ૨૭% કરવામાં આવી છે અને નવી મહાનગરપાલિકાઓમાં પણ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે.

આવતીકાલે રાજ્યના કુલ ૪,૦૮,૧૬,૭૧૩ મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. આમાં પુરુષ, મહિલા તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ૨૬મી, એપ્રિલે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. જેના જાહેર પ્રચારના પડઘમ ૨૪મીના શુક્રવારની સાંજે ૫ વાગ્યે શાંત થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય પક્ષોના ટોચના નેતાઓ, સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો દ્વારા જોરશોરથી ચલાવાયેલા મેરાથોન પ્રચાર ઉપરાંત છેલ્લા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત કોંગ્રેસ-આમ આદમા પાર્ટીના ટોચના નેતાઓના રોડ-શો, પ્રચાર રેલીઓ પર હવે સંપૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. હવે, આજનો દિવસ મતદારો માટે શાંતિ સમય તરીકે અંતિમ વિચારમંથનનો અવસર બનશે પરંતુ રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આ દિવસ ડોર-ટુ-ડોર પ્રચાર, સમાજના અગ્રણીઓ-મોભીઓને મનાવવા, રાજકીય સોગઠા-ચૂંટણીના દિવસનું વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં અને સંભવિત ડેમેજ કંટ્રોલ કરવામાં પસાર થશે. કાલે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે.

રાજ્યના કુલ ૪.૯૦ કરોડમાંથી ૪.૧૯ કરોડ એટલે કે કુલ ૯૫ ટકા મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હોવાથી આ વખતની ચૂંટણીને ઐતિહાસિક અને ''વિધાનસભાની સેમિફાઈનલ' તરીકે જોવામાં આવી રહી છે કારણ કે તેના પરિણામો રાજ્યની આવનારી રાજકીય દિશા અને સમીકરણો માટે મહત્વપૂર્ણ સંકેત આપનારા સાબિત થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સંભવતઃ પ્રથમવાર સત્તાધારી ભાજપ તરફથી આટલો દમદાર ચૂંટણી પ્રચાર કરાયો હશે. અસહ્ય ગરમીને કારણે રેલીઓ-સભાઓ યોજવામાં નેતાઓ-ઉમેદવારોને ખાસ્સો પરસેવો પાડવો પડયો છે. આમછતાં લોકોએ મન કળાવા દીધો નથી. પ્રચારના આખરી દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો દ્વારા રોડ-શો, જાહેર સભાઓ અને ટાર્ગેટેડ કેમ્પેઇન દ્વારા મતદારોને પ્રભાવિત કરવાનો આખરી પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ વખતની સૌથી આકર્ષક બાબત એ હતી કે, પ્રચારના અન્ય માધ્યમોની સરખામણીમાં ઉમેદવારો-રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરીને પોતાના એજન્ડા અને વચનોને વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. શુક્રવારના ૫ વાગ્યા બાદ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ શુક્રવારની રાતનો ભરપૂર લાભ લઈને વોટ મેનેજમેન્ટ અને 'માઈક્રો પ્લાનિંગ'ને અમલમાં મૂકયા હતા. હવે આજે શાંતિ સમય તરીકે પસાર થશે. જેમાં કોઈ જાહેર પ્રચાર નહીં થાય. આ દિવસ દરમિયાન ચૂંટણી આયોગ દ્વારા આચારસંહિતાનો કડક અમલ કરાશે. જ્યારે ઉમેદવારો ડોર-ટુ-ડોર સંપર્ક અને આંતરિક સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

(1:16 PM IST)