તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
કાલે કૃત્તિકા નક્ષત્ર, પરિધ યોગમાં દેવદિવાળીની ઉજવણી
દેવાલયો દીપમાળાથી ઝળહળશે, ગુરુનાનક જયંતીને લઇને શીખ સમુદાયમાં સંખ્યાબંધ આયોજનો : મંગળવારે રાત્રીએ ૮.૨૪ વાગ્યા સુધી પૂર્ણિમા, સવારે ૧૦:૫ વાગ્યા સુધી વિરિષ્્ટ બાદ શુભ મુહૂર્ત

મુંબઈ,તા.૨૩: દિવાળીના પર્વોની હારમાળાનું મંગળવારે દેવદિવાળીના ધાર્મિક માહોલ સાથે સમાપન થશે. કારતક સુદ પૂનમના દિવસે કૃત્તિકા નક્ષત્ર અને પરિધ યોગના સંયોગમાં દેવદિવાળીની ઉજવણી કરવામાં આવશે. આ પર્વ નિમિત્તે શહેરનાં વિવિધ મંદિરોમાં દીપ પ્રાગટ્ય, પૂજા-અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ શીખ સમુદાય દ્વારા પણ પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીની જન્મજયંતી એટલે કે પ્રકાશ પર્વની શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરાશે.
જ્યોતિષીય ગણતરી મુજબ સોમવારે રાત્રીએ ૧૧.૪૩ વાગ્યા સુધી ચતુર્દશી તિથિ બાદ પૂર્ણિમાનો પ્રારંભ થશે. મંગળવારે સૂર્યોદય સમયે પૂર્ણિમા હોવાથી આ દિવસે દેવદિવાળી ઉજવાશે. મંગળવારે રાત્રીએ ૮.૨૪ વાગ્યા સુધી પૂર્ણિમા તિથિ રહેશે. મંગળળારે આખો દિવસ એટલે કે રાત્રીએ ૧૧.૨૬ વાગ્યા સુધી કૃત્તિકા નક્ષત્ર અને સાંજે ૪.૦૯ વાગ્યા સુધી પરિધ યોગ રહેશે.
સવારે ૧૦.૦૫ વાગ્યા સુધી વિષ્ટિ કરણને પગલે ત્યારબાદ શુભ કાર્યો માટે વિવિધ મુહૂર્ત રહેશે. વધુમાં, દેવદિવાળી ઉપરાંત આ દિવસે ત્રિપુરારિ પૂર્ણિમા, ત્રિપુરોત્સવ, દીપદાન, કાર્તિક સ્નાનની પૂર્ણાહુતિ, તુલસી વિવાહની સમાપ્તિ, પુષ્કર અને સિદ્ધપુરના મેળા સહિતના ધાર્મિક પ્રસંગોનું પણ મહત્ત્વ છે. આ ઉપરાંત આચાર્ય હેમચંદ્રાચાર્ય જયંતી, શ્રીમદ્ રાજચંદ્ર જયંતી અને રાણી લક્ષ્મીબાઈ જયંતી જેવા પ્રસંગો પણ ઉજવાશે.
ઉપરાંત, શીખ સમુદાય માટે પણ કારતક સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવજીનો જન્મ થયો હતો. ગુરુદ્વારાઓમાં શબદ-કીર્તન, ધાર્મિક અનુષ્ઠાન અને પ્રકાશ પર્વના કાર્યક્રમો યોજાશે. દેવદિવાળીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દીપદાન અને પિતૃઓના નિમિત્તે દીવા પ્રવાહિત કરવાની પરંપરા છે. અંધકાર પર પ્રકાશ અને નિરાશા પર આશાના વિજયના પ્રતીક સમાન આ પર્વની ઉજવણી માટે શ્રદ્ધાળુઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો અને દેવદિવાળીનું પર્વ ઉજવાયું
દેવદિવાળી સાથે ભગવાન શિવ અને ત્રિપુરાસુરની પૌરાણિક કથા જોડાયેલી છે. માન્યતા મુજબ ત્રિપુરાસુર નામના રાક્ષસના અત્યાચારથી દેવતાઓ, ઋષિઓ અને માનવીઓ ત્રસ્ત થયા હતા. ત્યારે ભગવાન શિવે કારતક સુદ પુર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો સંહાર કર્યો હતો. આ વિજયની સ્મૃતિમાં આ દિવસ ત્રિપુરારિ પર્ણિમા અને ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખાય છે. બીજી માન્યતા પ્રમાણે કારતક પૂર્ણિમાએ દેવતાઓ કાશીમાં પધારે છે અને ગંગા સહિત પવિત્ર નદીઓના કિનારે દીપ પ્રગટાવી ઉત્સવ મનાવે છે. દેવતાઓની આ દિવાળીના કારણે જ આ પર્વ દેવદિવાળી તરીકે ઓળખાયું છે. આ દિવસે નદી સ્નાન અને દીપદાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
