તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડયું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારોઃ આકાશમાં ધૂળ અને વાદળોનો એક વિશાળ ઘુમાવદાર સ્તંભ : તીવ્ર પવનના કારણે વીજપોલ અને મકાનોના પતરાં ઉડયાઃ ૬ લોકો ઇજાગ્રસ્ત

તૂથુકુડી,તા.૨૨: તમિલનાડુના તૂથુકુડી જિલ્લામાં રવિવારે સાંજે એક અત્યંત ડરામણી અને દુર્લભ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આકાશમાં ધૂળ અને વાદળોનો એક વિશાળ ઘુમાવદાર સ્તંભ જોવા મળ્યો હતો. જે હૂબહૂ અમેરિકામાં આવતા વિનાશક ટોર્નેડો જેવો લાગતો હતો. આ તીવ્ર વાવાઝોડાના કારણે અનેક ઘરો, દુકાનો, ટોલ પ્લાઝા અને એક ખાનગી થીમ પાર્કને મોટું નુકસાન પહોંચ્યું છે. જ્યારે ૬ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર અહેવાલ મુજબ આ વાસ્તવિક ટોર્નેડો નહોતો, પરંતુ કમ્યુલોનિમ્બસ વાદળોની સિસ્ટમ સાથે જોડાયેલો એક શક્તિશાળી થંડરસ્ટોર્મ અપડ્રાફટ હતો.
આ ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, તૂથુકુડી જિલ્લામાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે આંધી સાથે તીવ્ર વરસાદ શરૂ થયો હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અચાનક પવનનું એક પ્રચંડ ઝાપટું આવ્યું અને જમીન પરથી ધૂળનો મોટો વંટોળ આકાશ તરફ જવા લાગ્યો હતો. આ વાવાઝોડાના માર્ગમાં આવતી તમામ વસ્તુઓ ઉડી ગઈ હતી. અનેક મકાનોના છાપરા અને પતરાં હવામાં ઉડી ગયા હતા, રોડ પરના વીજળીના થાંભલા નમી પડ્યા હતા અને સ્થાનિક થીમ પાર્ક તેમજ ટોલ પ્લાઝાને વ્યાપક નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર આ ભયાનક દ્રશ્યોના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્થાનિક ગરમીના કારણે આ તીવ્ર વાવાઝોડું ઉત્પન્ન થયું હતું. કમ્યુલોનિમ્બસ વાદળો જમીનથી ૩ કિલોમીટરથી લઈને ૧૮ કિલોમીટરની ઊંચાઈ સુધી બની શકે છે અને તેમાં ઉપરની તરફ હવાનો પ્રવાહ (જેને અપડ્રાફટ કહે છે) અત્યંત વેગીલો હોય છે. આ શક્તિશાળી અપડ્રાફટે જમીન પરની ઢીલી માટી અને ધૂળને ઉપર તરફ ખેંચી લીધી હતી, જેના કારણે હવામાં ઘુમાવદાર ખંભા જેવી આકૃતિ બની ગઈ હતી અને તે ડસ્ટ ડેવિલ કે સેન્ડ સ્પાઉટ જેવો નજારો આપતી હતી
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
