<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જીએસટી ટ્રિબ્‍યૂનલમાં અપીલ ફાઈલ નહીં કરી શકનાર માટે ટોકનની સુવિધા

ટોકન બન્‍યા બાદ અપીલ ૬૦ દિવસની અંદર ફાઇલ કરવાનો નિયમ લાગુ

મુંબઈ,તા.૧૪: ટેકનિકલ કારણોસર અનેક કરદાતાઓ જીએસટી ટ્રિબ્‍યૂનલમાં અપીલ ફાઇલ કરી શકતા નથી. આ કારણોસર મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્‍યા બાદ કરદાતા માટે વધુ એક રાહત આપતો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેમાં અપીલ ફાઈ લ નહીં કરી શકનાર કરદાતાએ પોર્ટલ પર ટોકન લઇ લેવાનું રહેશે.

ટોકન લીધા બાદ ૬૦ દિવસની અંદર તમામ કાગળિયા જમા કરાવવામાં આવશે તો તેની પાસેથી વધારાની ફીની પણ વસૂલાત કરવામાં આવશે નહીં. તેમજ તેની અપીલને પણ માન્‍ય ગણી લેવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે.

જીએસટી લાગુ થયાના નવ વર્ષ બાદ ટ્રિબ્‍યૂનલ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેમજ ૧૦માં વર્ષથી અપીલની સુનાવણી શરૂ થવાની છે. તે પહેલા કરદાતાએ અપીલ ફાઈલ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, પરંતુ ટેકનિકલ કારણોસર અપીલ ફાઈલ કરવામાં કરદાતાઓએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ એક મહિનાનો સમય વધારવામાં આવ્‍યો હોવા છતાં હજુ પણ અનેક કરદાતા આગામી ૩૧ જુલાઈ પહેલા અપીલ ફાઈલ કરી શકે તેવી શક્‍યતાઓ બહુ ઓછી છે. આ કારણોસર ટ્રિબ્‍યૂનલમાં અપીલ ફાઈલ નહીં કરી શકનાર પોર્ટલ પરથી ટોકન લઈ લેશે તો પણ તેની અપીલ બે મહિના સુધી દાખલ કરવા માટે છૂટ આપવામાં આવી છે.

આ માટે કરદાતાઓએ અપીલની પ્રાથમિક વિગતો સબમિટ કરીને ૩૧ જુલાઈ ૨૦૨૬ કે તે પહેલાં ટોકન જનરેટ કરી લેવાનું રહેશે. આ ઉપરાંત ટોકન જનરેટ થયા પછી સંપૂર્ણ અને ફાઈનલ અપીલ ૬૦ દિવસની અંદર ફાઈલ કરવાની રહેશે. એક કરતાં વધુ અપીલ હોય, તો પ્રત્‍યેક અપીલ માટે અલગ-અલગ ટોકન જનરેટ કરવું ફરજિયાત છે.

વિગતો ખોટી હશે તો

ટોકન રદ થશે

ટોકન જનરેટ કરતી વખતે તમામ વિગતો એકદમ સચોટ અને સાચી ભરવી જરૂરી છે. વિગતો અધુરી કે ખોટી હશે તો તે ટોકન રદ ગણવામાં આવી શકે છે. જેથી તેનું પૂરતું ધ્‍યાન રાખવામાં આવે તે જરૂરી છે. (સીએ)

(9:55 AM IST)