તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
આજે 18 મે - ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ નિમિત્તે ગુજરાતના મ્યુઝિયમ્સ બન્યા વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર, વડાપ્રધાનના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરતા અત્યાધુનિક સંગ્રહાલયો ઈતિહાસને ટેકનોલોજી સાથે જોડી નવી પેઢીને આપી રહ્યા છે અનોખો અનુભવ
*લોથલની હડપ્પીય સંસ્કૃતિથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, કોબાના જૈન આરાધના કેન્દ્રથી ભૂજના સ્મૃતિવન સુધી, ગુજરાતના મ્યુઝિયમ્સ હવે માત્ર સંગ્રહ નહીં પણ ‘જીવંત અનુભવ’ બન્યા, યુનેસ્કોએ સ્મૃતિવનને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં આપ્યું સ્થાન

ગાંધીનગર, તા. 18 : ઈતિહાસ જ્યારે પથ્થરોમાંથી બોલવા લાગે અને ભૂતકાળ જ્યારે વર્તમાનની આંખોમાં આંખ પરોવીને વાત કરે, ત્યારે સમજવું કે તમે કોઈ મ્યુઝિયમમાં છો. દર વર્ષે 18 મેના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ નિમિત્તે ગુજરાત તેના સમૃદ્ધ ઈતિહાસને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે દુનિયા સમક્ષ ભવ્ય રીતે પ્રસ્તુત કરી રહ્યું છે.
ગુજરાત હંમેશા કલા અને સંસ્કૃતિનું પ્રણેતા રહ્યું છે. વડોદરાનું ‘બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી’ હોય કે ભાવનગરનું ‘બાર્ટન મ્યુઝિયમ’, આ સ્થળો દાયકાઓથી આપણી ઓળખ સાચવીને બેઠા છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે મ્યુઝિયમની વ્યાખ્યા બદલી નાખી છે. હવે મ્યુઝિયમ માત્ર જોવા માટે નથી, પણ તે ‘અનુભવ’ કરવા માટે પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને વિશિષ્ટ મ્યૂઝિયમોના નિર્માણ થકી ગુજરાત સાકાર કરી રહ્યું છે.
મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ગાંધીનગર ખાતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અત્યાધુનિક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં હજારો વર્ષ જૂની હસ્તપ્રતો, પ્રાચીન સિક્કાઓ અને જૈન સંસ્કૃતિની દુર્લભ કલાકૃતિઓનું ડિજિટાઈઝેશન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર સંશોધન અને જ્ઞાનનું વૈશ્વિક કેન્દ્ર બનશે.
ભૂજ ખાતેનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય વર્ષ 2001ના ભૂકંપના પીડિતોની સ્મૃતિમાં 470 એકરમાં બનેલું ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. અહીં વિશાળ મિયાવાકી જંગલ, 50 ચેકડેમ અને 12,932 પીડિતોના નામની તકતીઓ કંડારવામાં આવી છે. ખાસ થિયેટરમાં ધ્રુજારી, ધ્વનિ અને પ્રકાશના સંયોજનથી ભૂકંપનો જીવંત અનુભવ કરાવાય છે. આ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સ્થાન મળ્યું છે.
ગાંધીનગર સ્થિત દાંડી કુટિર મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક મ્યુઝિયમ છે. 41 મીટરનો શંકુ આકારનો સફેદ ગુંબજ મીઠાના ઢગલાનું પ્રતીક છે, જે 1930ની ઐતિહાસિક દાંડીકૂચની યાદ અપાવે છે. અહીં 3D મેપિંગ, હોલોગ્રાફી અને 360 ડિગ્રી પ્રોજેક્શન જેવી ટેકનોલોજી દ્વારા ગાંધીજીનું જીવનચરિત્ર દર્શાવાયું છે.
કેવડિયા, નર્મદા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત ઑડિઓ-વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો છે. સાથે જ આદિવાસી સંસ્કૃતિ અને પ્રાદેશિક વારસાને પણ વણી લેવાયો છે. લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ 5000 વર્ષ જૂના ભારતના સમુદ્રી વ્યાપાર અને હડપ્પન સંસ્કૃતિને જીવંત કરવા નિર્માણાધીન છે. અહીં 14 ગેલેરીઓ, કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન અને ચાર ભવ્ય થીમ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. વડનગરનું પ્રેરણા અને પુરાતત્વીય મ્યુઝિયમ ભારતની પ્રાચીન નગરરચનાની અદભુત ઝાંખી કરાવે છે.
હવે ગુજરાતના મ્યુઝિયમ્સ માત્ર કાચની પેટીઓ પૂરતા સીમિત નથી. અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલી રોબોટિક ગેલેરી અને એક્વેટિક ગેલેરીમાં મુલાકાતીઓ VR અને AR દ્વારા ઈતિહાસ અને વિજ્ઞાનને માણી શકે છે. આગામી સમયમાં સુરત અને જામનગર જેવા શહેરોમાં પણ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો વિકસાવવાની નેમ છે. સાબરમતી આશ્રમ અને દાંડી કુટિર જેવા સ્થાનો શાળાઓ અને કોલેજો સાથે જોડાઈને નવી પેઢીને રસપ્રદ રીતે સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા સમજાવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની આ વર્ષની થીમ “સાંસ્કૃતિક, સામાજિક અને ભૌગોલિક મતભેદો વચ્ચે સંવાદ, સમાવેશ અને શાંતિને પ્રોત્સાહન” રાખવામાં આવી છે. સરકારના અવિરત પ્રયાસો અને નાગરિકોની જાગૃતિ જ ગુજરાતના આ ભવ્ય ભૂતકાળને ઉજ્જવળ ભવિષ્ય સુધી લઈ જશે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
