<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

TMC કાઉન્સિલરની એરપોર્ટ પર 'પિસ્તોલ-કારતૂસ' સાથે ધરપકડ: ૭ મહિના સુધી પોલીસને થાપ આપનાર અમીરુલ શેખ આખરે જેલના સળિયા પાછળ!

એરપોર્ટ સ્કેનરમાં બેગમાંથી મેગેઝિન અને ૬ જીવતા કારતૂસ ઝડપાયા હતા: દસ્તાવેજો બતાવવાના નામે સમય માંગ્યો પણ ક્યારેય ડોક્યુમેન્ટ્સ રજૂ ન કર્યા, પોલીસે આખરે 'આર્મ્સ એક્ટ' હેઠળ દબોચ્યો

કોલકાતા: તા.૦૬ પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના પુજાલી મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર ૧૪ ના તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના કાઉન્સિલર અમીરુલ શેખ ઈસ્લામની હથિયારધારા (Arms Act) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ૭ મહિના જૂના આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ દ્વારા વારંવારની નોટિસ છતાં સહકાર ન આપતા આખરે બુધવારે કાર્યવાહી કરવામાં આવી હતી.
એરપોર્ટ પરથી શરૂ થયો હતો વિવાદ
ઘટનાની વિગતો મુજબ, ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ અમીરુલ શેખ કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફ્લાઈટ પકડવા જઈ રહ્યા હતા. ચેકિંગ દરમિયાન સ્કેનર મશીનમાં તેમની બેગમાં શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ હતી. તપાસ કરતા બેગમાંથી ગનનું મેગેઝિન અને ૬ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. તે સમયે કાઉન્સિલરે દાવો કર્યો હતો કે તેમની પાસે હથિયારનું લાયસન્સ છે, પરંતુ અત્યારે દસ્તાવેજો સાથે નથી. તેમણે ખાતરી આપી હતી કે તેઓ ટૂંક સમયમાં પોલીસ પાસે ડોક્યુમેન્ટ્સ જમા કરાવશે.
પોલીસે આપ્યો લાંબો દોર, પણ અંતે પાંજરે પુરાયો
એરપોર્ટ પર માત્ર મૌખિક આશ્વાસન આપીને છૂટી ગયેલા અમીરુલ શેખે સાત મહિના વીતી જવા છતાં એક પણ દસ્તાવેજ રજૂ કર્યો નહોતો. પોલીસ દ્વારા વારંવાર રીમાઇન્ડર મોકલવામાં આવ્યા છતાં તેમણે તપાસ એજન્સીઓ સમક્ષ હાજર થવાનું ટાળ્યું હતું. આ મામલે વિપક્ષોએ પણ આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષના વગદાર નેતા હોવાને કારણે પોલીસ તેમને જાણીજોઈને છાવરી રહી છે. જોકે, તપાસ અધિકારીઓએ જણાવ્યું કે પૂરતો સમય આપ્યા બાદ પણ દસ્તાવેજો ન મળતા નવી FIR દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.
રાજકીય ગરમાવો વધ્યો
ડાયમંડ હાર્બર સબ-ડિવિઝન હેઠળ આવતી આ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરની ધરપકડથી બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. હથિયારના લાયસન્સ વગર કારતૂસ લઈને ફરવું એ ગંભીર ગુનો હોવાથી પોલીસે કડક કલમો લગાવી છે. હવે જોવાનું એ રહેશે કે કાઉન્સિલર પાસે ખરેખર લાયસન્સ છે કે પછી તે માત્ર તપાસને ગેરમાર્ગે દોરવા માટે જૂઠું બોલી રહ્યા હતા.

(5:56 PM IST)