તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
પતિના લફરાથી કંટાળેલી પત્નીએ ૧૩ લાખની સોપારી આપી
ગોંદિયા હત્યાકાંડમાં મોનાનો ગંદો ખેલ ઉઘાડો પડ્યો : પત્ની સહિત કૂલ ચાર આરોપીઓને આ મામલામાં અરેસ્ટ

ગોંદિયા,તા.૨૦: મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં થયેલી સનસનીખેજ વર્ષા તુરકર હત્યાકાંડની ગુચવણ પોલીસે ઉકેલી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે પુણે એરપોર્ટ પર એર ઈન્ડિયામાં કામ કરનારી વર્ષા ધર્નુલાલ તુરકરની હત્યા કથિત એક્સ્ટ્રા મેરિટલ અફેર સાથે જોડાયેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યાકાંડ પાછળ પતિના પ્રેમ સંબંધનું કાવતરું છે. પત્નીએ ૧૩ લાખ રુપિયાની સોપારી આપીને પતિની કથિત ગર્લફ્રેન્ડને મોતને ઘાટ ઉતારી દીધી. પત્ની સહિત કૂલ ચાર આરોપીઓને આ મામલામાં અરેસ્ટ કર્યા છે, જ્યારે બે હાલમાં પણ ફરાર છે. આ ઘટના ૧૪ નવેમ્બરની સાંજે સાડા પાંચ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે ગોંદિયા જિલ્લાના દવનીવાડા પોલીસ વિસ્તારના બોંડરાની જંગલમાં થઈ હતી. ચાકૂથી હુમલો કરી આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આ હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે છ વિશેષ ટીમોની રચના કરી હતી. સત્ય સુધી પહોંચવા માટે પોલીસની ટીમોએ સતત ચાર દિવસ સુધી સઘન તપાસ કરી હતી. તિરોડા, ખૈરલાંજી, વારાસિવની અને બાલાઘાટથી ગોંદિયા આવતા રસ્તાઓ પર લગાવવામાં આવેલા આશરે ૨૦૦ CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ટેકનિકલ તપાસ અને બાતમીદારો પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ શંકાસ્પદ આરોપીઓ સુધી પહોંચી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નિતેશ અગ્રવાલની પત્ની મોના અગ્રવાલ તેના પતિ અને વર્ષા તુરકર વચ્ચે ચાલી રહેલા પ્રેમસંબંધથી ખૂબ જ નારાજ હતી. આ સંબંધનો અંત લાવવા માટે તેણે વર્ષાને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેણે પોતાના ઘરની નજીક રહેતા કુણાલ કુંભલકરના માધ્યમથી શાહરુખ ખાન પઠાણનો સંપર્ક કર્યો હતો અને હત્યા કરવા માટે ૧૩ લાખ રૂપિયાની સોપારી નક્કી કરી હતી.
ગોંદિયાના પોલીસ અધિક્ષક ગોરખ ભામરેના નેતૃત્વમાં કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ હવે પોલીસ ફરાર બે અન્ય આરોપીઓની પણ સઘન શોધખોળ કરી રહી છે, જેથી સમગ્ર કાવતરાની બાકી કડીઓ જોડી શકાય.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
