તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ભક્તોની આસ્થાને લૂંટીને ‘ટીનુ ગેંગ' અબજોપતિ બનીઃ ચોરીના પૈસાથી ખરીદી જમીનો અને લક્ઝરી ગાડીઓ!
અયોધ્યા રામ મંદિર ચોરીમાં સનસનાટીભર્યો ખુલાસો નકલી રસીદ બુકના આધારે ભકતોના પૈસા લૂંટયા

અયોધ્યા, તા.૮: રામ મંદિરના નામે દાનમાં મળતી રકમના કૌભાંડમાં પોલીસે હાથ ધરેલી તપાસમાં એક ચોંકાવનારો ભાંડાફોડ થયો છે, જેમાં મુખ્ય સૂત્રધાર ટીનુ યાદવ અને તેની ટોળકીએ નકલી રસીદ બુક છપાવીને રામભક્તો સાથે કરોડોની છેતરપિંડી આચરી હોવાનું અને તે પૈસાથી પત્નીઓના નામે જમીનો-મકાનો અને લક્ઝરી ગાડીઓ ખરીદી હોવાનું બહાર આવ્યું છે.
પ્રભુ શ્રી રામના ભક્તોની અતૂટ શ્રદ્ધા સાથે ખિલવાડ કરનાર એક ખૂબ જ શાતિર ટોળકીનો અયોધ્યા પોલીસે પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ કૌભાંડનો મુખ્ય આરોપી રામાશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ, અવિનાશ શુક્લા અને તેમના સાથીદારો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નામે આબેહૂબ નકલી રસીદ બુક રાખતા હતા. જ્યારે પણ દેશ-વિદેશથી કોઈ શ્રદ્ધાળુ મોટું દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરતો, ત્યારે આ ગેંગ સત્તાવાર ટ્રસ્ટને બદલે પોતાની નકલી રસીદ પધરાવી દેતી હતી. આ નકલી રસીદના કારણે ભક્તોને જરાય શંકા નહોતી જતી અને દાનની આખી રકમ સીધી આ ઠગોના ખિસ્સામાં સરકી જતી હતી.
પોલીસના સકંજામાં આવેલા આ આરોપીઓની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે સાંભળીને ખુદ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. આ કાળી કમાણીના જોરે આરોપીઓ રાતોરાત અમીર બની ગયા હતા. ટોળકીના સભ્ય અનુકુલે દાનના પૈસાથી પોતાના માટે નવી ડિઝાયર કાર ખરીદી લીધી હતી અને સ્કોર્પિયો ગાડીનું બુકિંગ પણ કરાવી દીધું હતું. તો બીજી તરફ અન્ય આરોપી લવકુશે રામલલાના પૈસાથી પોતાની પત્ની સુપ્રિયા મિશ્રાના નામે કિંમતી જમીન ખરીદી હતી, જેના પર હાલમાં ત્રણ માળનું આલીશાન મકાન ચણાઈ રહ્યું છે. આ સિવાય ૧૪ કોસી પરિક્રમા રૂટ પર પણ કૌભાંડના પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે.
અયોધ્યા પોલીસ હવે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પકડાયેલા તમામ ગુનેગારોની બેંક વિગતો, લોકર અને છુપાયેલી અસ્કયામતોની ઊંડી તપાસ કરી રહી છે. મુખ્ય આરોપી અવિનાશ શુક્લા પાસેથી ગુનામાં વપરાયેલું વાહન જપ્ત કરવામાં આવ્યું છે. કાયદાના રક્ષકો હવે આ તમામ ઠગોની બેનામી મિલકતો પર બુલડોઝર ફેરવવાની અને ખાતાઓ સીઝ કરવાની કડક કાનૂની કાર્યવાહી તરફ આગળ વધી રહ્યા છે. આ ઘટનાને પગલે અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને પણ માત્ર સત્તાવાર કાઉન્ટર અથવા ડિજિટલ માધ્યમથી જ દાન આપવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
