<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ટાઇમ્સ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) દેશમાં નંબર-1 પર બરકરાર, ગ્લોબલ લેવલે મેળવ્યો 254મો રેન્ક

સતત 11મા વર્ષે ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી બની; એશિયન સંસ્થાઓએ પણ ગ્લોબલ સ્ટેજ પર સર્જ્યો નવો ઈતિહાસ

નવી દિલ્હી : ટાઇમ્સ હાયર એજ્યુકેશન (THE) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027ની જાહેરાત થઈ ચૂકી છે. આ વૈશ્વિક રેન્કિંગમાં બેંગલુરુની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) એ ફરી એકવાર ભારતની સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા તરીકે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વૈશ્વિક સ્તરે IISc ને 254મો રેન્ક મળ્યો છે. આ વર્ષની રેન્કિંગ અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક સંસ્કરણ રહ્યું છે, જેમાં વિશ્વના 118 દેશોની કુલ 2,297 યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.


ગ્લોબલ સ્ટેજ પર ઓક્સફોર્ડનો દબદબો અને ભારતીય સંસ્થાઓનું પ્રદર્શન

વૈશ્વિક સ્તરે બ્રિટનની યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડે સતત 11મા વર્ષે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે અમેરિકાની મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) બીજા સ્થાને અને પ્રિન્સટન તથા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સંયુક્તપણે ત્રીજા સ્થાને રહી છે.

ભારતની વાત કરીએ તો, 57.0 ના કુલ સ્કોર સાથે IISc નો ડંકો વાગ્યો છે. સંસ્થાએ ખાસ કરીને 'રિસર્ચ એન્વાયર્નમેન્ટ' (સંશોધન વાતાવરણ) કેટેગરીમાં 98.0 નો ઝળહળતો સ્કોર પ્રાપ્ત કર્યો છે. જ્યારે શિક્ષણ માટે 62.1 અને રિસર્ચ ક્વોલિટી માટે 58.6 સ્કોર મેળવ્યો છે. ભારતમાં IISc પછી 'સવેથા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ' (326-350 બેન્ડ) બીજા ક્રમે અને 'શૂલિની યુનિવર્સિટી' (451-500 બેન્ડ) ત્રીજા ક્રમે રહી છે. આ ઉપરાંત જામિયા મિલિયા ઈસ્લામિયા અને KIIT યુનિવર્સિટીએ 501-550 રેન્ક બેન્ડમાં સ્થાન મેળવ્યું છે.


એશિયન યુનિવર્સિટીઝનો વધતો પ્રભાવ: યુરોપને પણ પાછળ છોડ્યું

આ વર્ષની રેન્કિંગમાં સૌથી મોટો ફેરફાર એશિયાઈ યુનિવર્સિટીઓના સતત વધતા દબદબા તરીકે સામે આવ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર એશિયા ખંડ એજ્યુકેશન રેન્કિંગમાં યુરોપથી આગળ નીકળી ગયો છે. ચીનની ત્સિંઘુઆ યુનિવર્સિટી સ્વિટ્ઝરલેન્ડની પ્રસિદ્ધ ETH જ્યુરિખને પછાડીને વિશ્વમાં 11મા ક્રમે પહોંચી ગઈ છે. આ સિવાય નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર (NUS) એ પણ વિશ્વની ટોપ-15 માં પ્રવેશ કર્યો છે. આ સાથે ઈતિહાસમાં પ્રથમ વખત વિશ્વની ટોપ-15 યુનિવર્સિટીઓમાં એશિયાની 3 સંસ્થાઓએ સ્થાન મેળવીને નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે.


વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027: વિશ્વની ટોપ-15 યુનિવર્સિટીઓ

  1. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ (યુનાઈટેડ કિંગડમ)

 

  1. મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) (યુનાઈટેડ સ્ટેટ્સ)

 

  1. પ્રિન્સટન યુનિવર્સિટી (યુનાઈટેડ સ્ટેટ્સ) (સંયુક્ત 3જો)

 

  1. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (યુનાઈટેડ સ્ટેટ્સ) (સંયુક્ત 3જો)

 

  1. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ (યુનાઈટેડ કિંગડમ)

 

  1. હાર્વર્ડ યુનિવર્સિટી (યુનાઈટેડ સ્ટેટ્સ)

 

  1. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Caltech) (યુનાઈટેડ સ્ટેટ્સ)

 

  1. ઈમ્પિરિયલ કોલેજ લંડન (યુનાઈટેડ કિંગડમ)

 

  1. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે (યુનાઈટેડ સ્ટેટ્સ)

 

  1. યેલ યુનિવર્સિટી (યુનાઈટેડ સ્ટેટ્સ)

 

  1. ત્સિંઘુઆ યુનિવર્સિટી (ચીન)

 

  1. ETH જ્યુરિખ (સ્વિટ્ઝરલેન્ડ)

 

  1. પેકિંગ યુનિવર્સિટી (ચીન)

 

  1. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા (યુનાઈટેડ સ્ટેટ્સ)

 

  1. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર (NUS) (સિંગાપોર)

(7:16 PM IST)