<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

ચંબાની પહાડીઓમાં કાળનો પંજો: બરફાચ્છાદિત સચ પાસ પર કાર ખીણમાં ખાબકતાં બેંગલુરુના ૨ પરિવારના ૮ સભ્યોના મોત

ડલહૌજીથી ફરવા નીકળેલી પ્રવાસીઓની ટેક્સી લપસીને ઊંડી ખાઈમાં પડી; પ્રશાસન અને સ્થાનિકો દ્વારા માનવ સાંકળ રચીને ભારે જહેમતે મૃતદેહો બહાર કઢાયા

ચંબા (હિમાચલ પ્રદેશ), ૩૧ મે: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડલહૌજીથી બરફાચ્છાદિત સચ પાસ જોવા નીકળેલા બેંગલુરુના બે પ્રવાસી પરિવારોની શેરિંગ ટેક્સી બૈરાગઢ ચેકપોસ્ટ નજીક ખરાબ હવામાન અને બરફના કારણે નિયંત્રણ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં બે માસૂમ બાળકો અને સ્થાનિક ડ્રાઇવર સહિત કુલ ૮ પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે વધુ એક વ્યક્તિ ગુમ હોવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મૃતકોની ઓળખ ટેક્સી ચાલક વિશ્વાસ, અરવિંદ ચંદ્રાકર, તેમના પત્ની પ્રાચી, પુત્રો દર્શ (૮) અને અક્ષાદ (૧૧) તેમજ પી.જી. કાર્તિકેયન, તેમના પત્ની મણિમાલા અને પુત્ર નંદન તરીકે થઈ છે. આ બંને પરિવારો ડલહૌજીથી સાથે ફરવા નીકળ્યા હતા. અકસ્માત એટલા અંતરિયાળ વિસ્તારમાં થયો હતો કે ઘનઘોર અંધકાર અને સંદેશાવ્યવહારના અભાવે સ્થાનિક પોલીસને શનિવારે છેક સાંજે તેની જાણ થઈ શકી હતી.
ભૌગોલિક મુશ્કેલીઓ, અતિશય ઠંડી અને રાત્રિના અંધકારને કારણે વહીવટીતંત્ર શનિવારે રાત્રે રાહત કામગીરી શરૂ કરી શક્યું નહોતું. જે બાદ, આજે રવિવારે સવારે સ્થાનિક બૈરાગઢ સમિતિના સભ્યો અને ગ્રામજનો માનવતાના ધોરણે પોલીસની મદદે આવ્યા હતા. ભારે હિમવર્ષા વચ્ચે સવારે ૮ વાગ્યાથી સ્થાનિક લોકો અને વહીવટીતંત્રે દોરડાની મદદથી જોખમી 'હ્યુમન ચેઇન' (માનવ સાંકળ) બનાવીને ખીણમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું મુશ્કેલ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.
આ અકસ્માત પાછળ પહાડી રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતી વખતે થતી નાની બેદરકારી અને કુદરતી પરિબળો જવાબદાર હોવાનું મનાય છે. તીસા અને બૈરાગઢ પોલીસની સંયુક્ત પ્રાથમિક તપાસ મુજબ, કાં તો ડ્રાઇવરને વહેલી સવારે ઊંઘનું જોકું આવી ગયું હોઈ શકે છે અથવા રસ્તા પર જમેલા લપસણા બરફના કારણે ટાયર સ્લિપ થઈ ગયા હોવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત વાહનની બ્રેક ફેઈલ થવા જેવી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના પાસા પર પણ ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
હાલ વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને પંચનામાની કાયદાકીય પ્રક્રિયા માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે પ્રવાસીઓના વતન બેંગલુરુ ખાતે તેમના સંબંધીઓને સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા આગામી સમયમાં આ જોખમી વળાંક પર સાઇન બોર્ડ મૂકવા અને પ્રવાસીઓની સુરક્ષા માટે બરફીલા રસ્તાઓ પર રાત્રિ પ્રવાસ નિયંત્રિત કરવા જેવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

(10:56 AM IST)