<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

અંબાણીને પછાડી TikTok ના સ્થાપક બન્યા એશિયાના બીજા સૌથી ધનિક : અદાણી હજુ પણ નંબર વન

એક નાનકડા એપાર્ટમેન્ટથી સફર શરૂ કરનાર ચીની એન્જિનિયર ઝાંગ યિમિંગે $92.8 બિલિયનની સંપત્તિ સાથે ભારતીય દિગ્ગજ મુકેશ અંબાણીને ત્રીજા સ્થાને ધકેલ્યા

મુંબઈ: વૈશ્વિક ટેકનોલોજી અને બિઝનેસની દુનિયામાં એક નવો ઈતિહાસ રચાયો છે. શોર્ટ વીડિયો પ્લેટફોર્મ TikTok ના સર્જક અને બાઈટડાન્સ (ByteDance) કંપનીના સ્થાપક ઝાંગ યિમિંગે એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં મોટો ઉલટફેર કરીને ભારતના અબજોપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. લેટેસ્ટ ફોર્બ્સ રેન્કિંગ અનુસાર, ઝાંગ યિમિંગ હવે $92.8 બિલિયનની અસાધારણ નેટવર્થ સાથે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી $86.9 બિલિયનની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને સરકી ગયા છે. જોકે, આ યાદીમાં ભારતનો દબદબો હજુ પણ યથાવત છે, કારણ કે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી $117.4 બિલિયનની અધધ સંપત્તિ સાથે એશિયામાં નંબર વનના તાજ પર બિરાજમાન છે.

ઝાંગ યિમિંગની આ સફળતા કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. કોઈ મોટા બિઝનેસ બેકગ્રાઉન્ડ વગર, એક સામાન્ય પરિવારમાં જન્મેલા ઝાંગે સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને શરૂઆતના દિવસોમાં એક સાધારણ ટેક કર્મચારી તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓ એક નાના એપાર્ટમેન્ટમાં રહીને રાત-દિવસ કામ કરતા હતા. તેમનો મૂળભૂત વિચાર એ હતો કે ઇન્ટરનેટ માત્ર માહિતી આપવાનું સાધન નથી, પરંતુ તે યુઝર્સની પસંદ-નાપસંદને સમજી શકે તેવું સ્માર્ટ હોવું જોઈએ. આ વિચાર સાથે તેમણે વર્ષ 2012માં બાઈટડાન્સની સ્થાપના કરી અને સૌપ્રથમ 'ટાઉટિયાઓ' નામની ક્રાંતિકારી ન્યૂઝ એપ બનાવી, જે દરેક યુઝરને તેના રસ પ્રમાણે અલગ-અલગ ન્યૂઝ ફીડ બતાવતી હતી.

ન્યૂઝ એપની આ ધમાકેદાર સફળતા બાદ ઝાંગે વીડિયો કન્ટેન્ટ તરફ નજર દોડાવી અને જન્મ થયો 'TikTok' નો, જેણે સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાના સમીકરણો બદલી નાખ્યા. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા દિગ્ગજો જ્યારે લાંબી પોસ્ટ પર નિર્ભર હતા, ત્યારે ટીકટોકે શોર્ટ વીડિયોનો એવો ક્રેઝ જગાડ્યો કે આજે મેટા (Meta) જેવી વૈશ્વિક કંપનીઓએ પણ પોતાના પ્લેટફોર્મ પર 'Reels' જેવા ફીચર્સ લાવીને ટિકટોકના ટ્રેન્ડને ફોલો કરવો પડ્યો છે. ભલે ભારતમાં સુરક્ષાના કારણોસર TikTok પર પ્રતિબંધ હોય, પરંતુ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આ એપની લોકપ્રિયતા અને તેના અલ્ગોરિધમના જાદુએ ઝાંગ યિમિંગને આજે વિશ્વના સૌથી સફળ અને અમીર ટેક લીડર્સની યાદીમાં મોખરે લાવી દીધા છે.

(5:50 PM IST)