દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની મેગા રેલીને પગલે કડક સુરક્ષા, છાવણીમાં ફેરવાઈ રાજધાની
ઈન્ડિયા ગઠબંધનના મહાશક્તિ પ્રદર્શનને લઈને સીસીટીવી કેમેરા અને ચાર હજાર પોલીસ જવાનો તૈનાત, લાખો લોકો જોડાવાનો દાવો

દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે આજે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ દ્વારા યોજાનારી મેગા રેલીને પગલે સમગ્ર દિલ્હીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રવિવારે સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વરિષ્ઠ નેતાઓની મહત્ત્વની બેઠક બાદ રાજકીય ગરમાવો વધી ગયો હતો. હરિયાણા સહિત પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો રામલીલા મેદાન તરફ કૂચ કરી રહ્યા છે.
આ રેલીમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા ૧૦ લાખ લોકોની ઉપસ્થિતિનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ આશરે ૭૦ હજાર લોકો જમા થવાની શકયતા છે. સુરક્ષા વ્યવસ્થાને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને સ્પેશિયલ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે પોતે રામલીલા મેદાનની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
શાંતિ અને કાયદો જાળવવા માટે સમગ્ર વિસ્તારમાં ૪,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ડીસીપી સેન્ટ્રલ રોહિત રાજબીરના જણાવ્યા મુજબ, સુરક્ષા મોનિટરિંગ માટે ૨૦૦થી ૨૫૦ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, આયોજકો દ્વારા ઊભા કરાયેલા કંટ્રોલ રૂમ સાથે મળીને દિલ્હી પોલીસ પળેપળની હિલચાલ પર નજર રાખી રહી છે.
વિપક્ષના આ શક્તિ પ્રદર્શન પર દેશભરની નજર ટકેલી છે ત્યારે સભા સ્થળે કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ ટૂંક સમયમાં મંચસ્થ થશે. આગામી કલાકોમાં રેલી દરમિયાન નેતાઓના ભાષણો અને વિપક્ષી એકતાના સંદેશ પરથી દેશના રાજકારણની આગળની દિશા નક્કી થશે. શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સતત હાઈ એલર્ટ પર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
