તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Sunday, 15th November 2026
ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગથી બોલિવૂડમાં ખળભળાટ: બિશ્નોઈ ગેંગની ધમકીઓ વચ્ચે બે દિગ્ગજ સ્ટાર્સને મળી Y-પ્લસ સુરક્ષા
જુહુમાં ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા, અમિતાભ બચ્ચન પરના કાવતરાનો પર્દાફાશ અને તુષાર કપૂર પાસે ખંડણીની માંગ બાદ મુંબઈ પોલીસ એક્શનમાં: સુરક્ષાના કારણોસર બંને સ્ટાર્સના નામ ગુપ્ત રખાયા અને પરિવારજનોને પણ સુરક્ષા કવચ પૂરું પડાયું

મુંબઈ: બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટના બાદ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગત 18 ઓક્ટોબરના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં ફૂટબોલ મેદાન પાસેથી નીકળી રહેલી ટાઈગર શ્રોફની કાર પર ત્રણ અજાણ્યા બાઈક સવારોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી રહેલી સતત ધમકીઓને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા સમીક્ષા બાદ બોલિવૂડના બે મોટા સ્ટાર્સની સુરક્ષામાં વધારો કરીને તેમને 'Y-પ્લસ' શ્રેણીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં એક સ્ટારને અગાઉ X-કેટેગરી અને બીજાને Y-કેટેગરીની સુરક્ષા હતી. સુરક્ષાના કારણોસર પોલીસે આ બંને કલાકારોના નામ અત્યંત ગુપ્ત રાખ્યા છે.
મુંબઈ પોલીસની આ સુરક્ષા સમીક્ષા માત્ર સીધી ધમકી મેળવનાર કલાકારો પૂરતી મર્યાદિત નથી, પરંતુ બિશ્નોઈ ગેંગના નિશાના પર રહેલી વ્યક્તિઓના નજીકના સંપર્કમાં રહેલા સ્ટાર્સ અને તેમના પરિવારજનોને પણ X-કેટેગરીની સુરક્ષા આપવામાં આવી રહી છે. બોલિવૂડની સુરક્ષા સામેના જોખમો ત્યારે વધુ ઘેરા બન્યા જ્યારે 14 નવેમ્બરે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પર હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવીને દિલ્હીના વિકાસ ઠાકુર અને મુંબઈના દીપક સિંહ નામના બે શાર્પશૂટરોની ધરપકડ કરી હતી, જેઓ વિદેશી ગેંગસ્ટરના ઈશારે 1984ના કથિત નિવેદનોનો બદલો લેવા હુમલાની ફિરાકમાં હતા.
આ ઉપરાંત, અભિનેતા તુષાર કપૂરને પણ અજાણ્યા શખ્સ તરફથી ધમકીભર્યો ફોન આવ્યો હતો અને તેમની પાસેથી ₹5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. એક પછી એક બની રહેલી આ ગંભીર ઘટનાઓને પગલે મુંબઈ પોલીસ હવે બોલિવૂડ સેલિબ્રિટીઓની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી. માયાનગરીમાં અંડરવર્લ્ડ અને ગેંગસ્ટરોના વધતા આતંકને ડામવા માટે તમામ કલાકારો, તેમના નિવાસસ્થાનો અને પરિવારજનોની સુરક્ષા વ્યવસ્થાનું નવેસરથી મૂલ્યાંકન કરીને પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
