તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
મલેશિયામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર થ્રોબોલ ખેલાડી અમરદીપ કુમાર આજે રાંચીના રસ્તા પર શાકભાજી વેચવા મજબૂર; દેશના ગૌરવની દુર્દશા જોઈને સોશિયલ મીડિયા પર રોષ
સરકારી નોકરી મેળવવાના અસંખ્ય સંઘર્ષો અને નિષ્ફળતા બાદ આંતરરાષ્ટ્રીય ખેલાડી આજીવિકા માટે લારી ચલાવવા બેસી ગયા; દિવાલ પર લટકતા મેડલ અને સામે શાકભાજીની લારીના દ્રશ્યોએ દેશને હચમચાવી દીધો

રાંચી : દેશનું નામ રોશન કરનાર રમતવીરોની વર્તમાન સ્થિતિ કેટલી દયનીય બની શકે છે તેનું વધુ એક હૃદયદ્રાવક ઉદાહરણ સામને આવ્યું છે. ઝારખંડની રાજધાની રાંચીમાંથી એક એવી વાયરલ પોસ્ટ સામે આવી છે જેને જોઈને કોઈપણ દેશવાસીની આંખો ભીની થઈ જાય. ભારત માટે થ્રોબોલ જેવી રમતમાં મલેશિયા જઈને ગોલ્ડ મેડલ જીતનાર અને ચાર વખત દેશનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી અમરદીપ કુમાર આજે બે સમયની રોટલી માટે રાંચીના રસ્તાઓ પર શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં અમરદીપની પાછળ દીવાલ પર દેશ માટે જીતેલા તેમના ગૌરવવંતા મેડલ લટકતા નજરે પડે છે, જ્યારે તેમની આગળ શાકભાજીનો નાનો સ્ટોલ છે. આ વિરોધાભાસી અને દર્દનાક દ્રશ્યો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે, જેને જોઈને ઇન્ટરનેટ યુઝર્સ ભારે ભાવુક બન્યા છે અને રમતવીર માટે સમર્થનનો વરસાદ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, અમરદીપે રમતગમતમાં પોતાની શાનદાર સિદ્ધિઓ હાંસલ કરવા છતાં સરકારી નોકરી મેળવવા માટે લાંબી લડત લડી હતી. સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ તકો મેળવવા માટે અસંખ્ય અરજીઓ કરવા છતાં તેમને યોગ્ય રોજગારી ન મળી, જેના કારણે અંતે પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે શાકભાજીનો વેપાર શરૂ કરવો પડ્યો. વાયરલ વીડિયોમાં તેઓ ગ્રાહકોને શાકભાજીનું વજન કરીને આપતા અને વેચતા સ્પષ્ટ નજરે પડે છે.
આ ઘટનાએ દેશભરમાં એક ગંભીર સવાલ ખડો કર્યો છે કે શું આ જ દેશના ખેલાડીઓનું ભવિષ્ય છે? જે રમતવીરો આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો તિરંગો લહેરાવીને દેશને ગૌરવ અપાવે છે, તેમને તેમની કારકિર્દીના અંતિમ દિવસોમાં અથવા યોગ્ય માર્ગદર્શનના અભાવે આ રીતે કંગાળી અને બેહાલી ભોગવવી પડે છે? આ કિસ્સો સરકારી તંત્ર અને રમતગમત બોર્ડની નિષ્ક્રિયતા પર મોટો પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
