News of Saturday, 17th October 2026
અજિત પવારના પ્લેન ક્રેશની દુર્ઘટના પાછળ ખુલી ત્રણ વર્ષ જૂની કડી: મુંબઈ એરપોર્ટ પર સર્જાયેલા વિમાન અકસ્માત મામલે AAIBના ચોંકાવનારા ખુલાસા
ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા વચ્ચે પાઇલટોની ગફલત બની હતી અકસ્માતનું કારણ; VSR વેન્ચર્સ કંપનીની તાલીમ અને આંતરિક વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો

મુંબઈ : મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનાના મામલે ચર્ચામાં આવેલી 'વીએસઆર વેન્ચર્સ' (VSR Ventures) કંપનીના વિમાન સાથે સપ્ટેમ્બર ૨૦૨૩માં મુંબઈ એરપોર્ટ પર થયેલી ગંભીર દુર્ઘટનાને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના અંતિમ તપાસ અહેવાલમાં આ પ્લેન ક્રેશના વાસ્તવિક અને સંભવિત કારણો રજૂ કરવામાં આવ્યા છે, જેણે ઉડ્ડયન ક્ષેત્રે હડકંપ મચાવી દીધો છે.
એએઆઈબીના અહેવાલ અનુસાર, ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ બનેલી આ ઘટનામાં વીએસઆર વેન્ચર્સ દ્વારા સંચાલિત લિયરજેટ વિમાન વિશાખાપટ્ટનમથી મુંબઈની નોન-શેડ્યૂલ પેસેન્જર ફ્લાઇટ પર હતું. આ વિમાનમાં બે પાઇલટ સહિત કુલ આઠ લોકો સવાર હતા. મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદ અને ઓછી દૃશ્યતા (લો વિઝિબિલિટી) હોવા છતાં પાઇલટોએ વિમાનને ઉતારવાનો દુર્આગ્રહ રાખ્યો હતો.
તપાસમાં ખુલાસો થયો છે કે ખરાબ હવામાનમાં વિમાનને યોગ્ય રીતે નિયંત્રિત ન કરી શકાવાના કારણે તે ઓછી ઊંચાઈએ એરોડાયનેમિક સ્ટોલનો ભોગ બન્યું હતું અને તેનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. વિમાન રનવે-૨૭ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તે સ્થિર અભિગમ જાળવી શક્યું નહોતું અને શરૂઆતમાં ડાબી બાજુ તથા બાદમાં જમણી તરફ સરકવા લાગ્યું હતું. ઓટોપાઈલટ બંધ થયાના આશરે ૪૦ સેકન્ડ બાદ કોકપિટમાં સ્ટોલની ચેતવણીઓ વાગી હતી અને અંતે વિમાન ટેક્સીવેના ઇન્ટરસેક્શન નજીક કાચા વિસ્તારમાં જઈને અટક્યું હતું. સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં સવાર તમામ આઠ લોકોને ગંભીર ઈજાઓ થવા છતાં સમયસર સારવાર મળવાથી જીવ બચી ગયો હતો.
આ અકસ્માત પાછળ માત્ર પાઇલટોની ભૂલ જ નહીં, પરંતુ વીએસઆર વેન્ચર્સ કંપનીની તાલીમ અને આંતરિક તપાસ વ્યવસ્થાની ગંભીર ખામીઓ પણ જવાબદાર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પાયલટોની નિયમિત પુનઃતાલીમ અને સિમ્યુલેટર કસરતોમાં કટોકટીની પરિસ્થિતિઓ ચકાસવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. આ ઉપરાંત, મુંબઈ એરપોર્ટ પરના સંચાલન સમયના પ્રતિબંધો પહેલાં લેન્ડિંગ પૂરું કરવાની ઉતાવળે પણ પાઇલટોના નિર્ણયને પ્રભાવિત કર્યો હોવાનું સામે આવ્યું છે. વિમાનના બંને એન્જિન સામાન્ય રીતે કામ કરતા હોવાથી ટેકનિકલ ખામીને બદલે માનવીય ભૂલો અને વ્યવસ્થાકીય લાપરવાહી મુખ્ય કારણ બન્યા હતા.
આ તપાસ અહેવાલ એટલા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ જ કંપનીનું બીજું લિયરજેટ વિમાન ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ બારામતીમાં ક્રેશ થયું હતું, જેમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. મુંબઈની આ જૂની દુર્ઘટના સાથે અજિત પવારના પ્લેન ક્રેશની કડીઓ પણ જોડાયેલી જોવા મળી રહી છે.
આ ગંભીર મામલે એએઆઈબીએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને નોન-શેડ્યૂલ અને જનરલ એવિએશન કંપનીઓના પાઇલટોના તાલીમ રેકોર્ડની વિશેષ તપાસ કરવા કડક ભલામણ કરી છે. આ ઉપરાંત, અસ્થિર અભિગમ વખતે ગો-અરાઉન્ડ ફરજિયાત કરવા, સ્ટોલમાંથી બહાર નીકળવાની તાલીમ આપવા અને જાળવણીના રેકોર્ડ્સને સુધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
