<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

દેશમાં ઔધોગિક અકસ્‍માતમાં રોજ ત્રણ કામદારોના મોત

૧૦ ટકા ફેક્‍ટરીમાં જ સેફટી પોલિસીઃ દેશમાં છેલ્‍લા ૧૫ દિવસમાં બે ફેક્‍ટરીઓમાં થયેલા અકસ્‍માતમાં ૪૯ મજૂરોના મોત થયા : વર્ષ ૨૦૨૩ સુધીમાં કુલ ૩,૩૪,૦૦૦ ફેક્‍ટરીઓ નોંધાયેલી હતી, જેમાં ૧૯.૧ મિલિયનથી વધુ કામદારોને રોજગારી

 

નવી દિલ્‍હી તા.૨૨: દેશમાં છેલ્‍લા ૧૫ દિવસમાં બે ફેક્‍ટરીઓમાં થયેલા અકસ્‍માતમાં ૪૯  મજૂરોના મોત થયા છે. જેના લીધે ફેક્‍ટરીઓની હાલત અને મજૂર સુરક્ષાના મુદ્દા પર અનેક સવાલો ઉભા થયા છે. તેમજ ડિરેક્‍ટર જનરલ ઓફ ફેક્‍ટરી એડવાન્‍સ એન્‍ડ લેબર ઇન્‍સ્‍ટિટ્‍યૂટના આંકડાઓ મુજબ દેશના દરરોજ ત્રણ મજૂરોના અકસ્‍માતમાં મોત થાય છે. તેમજ દેશની ૧૦  ટકા ફેક્‍ટરીમાં જ સેફટી પોલિસી અમલી છે. જ્‍યારે કામદારોની સુરક્ષા માટે જવાબદાર એવા સેફટી ઓફિસર માત્ર બે ટકા ફેક્‍ટરીમાં જ છે.

જોકે, શ્રમ મંત્રાલય સાથે સંકળાયેલી સંસ્‍થા ડિરેક્‍ટર જનરલ ઓફ ફેક્‍ટરી એડવાન્‍સ એન્‍ડ લેબર ઇન્‍સ્‍ટિટ્‍યૂટ પાસે   ૨૦૨૩ સુધીનો ડેટા ઉપલબ્‍ધ છે. આ ડેટા અનુસાર વર્ષ ૨૦૨૩ સુધીમાં કુલ ૩,૩૪,૦૦૦ ફેક્‍ટરીઓ નોંધાયેલી હતી, જેમાં ૧૯.૧ મિલિયનથી વધુ કામદારો રોજગારી આપતા હતા.

FASLI રિપોર્ટ દર્શાવે છે કે ૨૦૨૩ દરમિયાન ફેક્‍ટરી સંબંધિત અકસ્‍માતોમાં ૧,૦૯૦ કામદારોએ પોતાના જીવ ગુમાવ્‍યા. આ આંકડાના આધારે, દરરોજ સરેરાશ ત્રણ કામદારો મૃત્‍યુ પામ્‍યા. આ મૃત્‍યુ ઉપરાંત, ફરજ પરના વિવિધ અકસ્‍માતોનો ભોગ બન્‍યા પછી ૨,૯૪૯ કામદારો ઘાયલ થયા હતા.તેમજ વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન  કુલ ૧૧,૧૦૮ ફેક્‍ટરી કામદારો મૃત્‍યુ પામ્‍યા છે. આ આંકડા દર્શાવે છે કે  દર વર્ષે સરેરાશ ૧,૧૦૦ કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

જેમાં મિકેનકલી મશીનરીને કારણે ૧૨૩૧ કામદારોએ પોતાના જીવ ગુમાવ્‍યા હતા. જે મશીન સલામતી અને તાલીમનો અભાવ દર્શાવે છે. આગમાં ૯૫૬ કામદારોના મોત થયા, જ્‍યારે વિસ્‍ફોટોમાં ૯૨૪  લોકો માર્યા ગયા, અને વિદ્યુત અકસ્‍માતોમાં ૮૮૫  લોકો માર્યા ગયા. આ દર્શાવે છે કે ફેક્‍ટરીઓમાં ફાયર સેફટી  અને ઈલેકટ્રિક સેફટી હજુ પણ મહત્‍વપૂર્ણ ચિતાઓ છે.

આ જ અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે મોટાભાગની ફેક્‍ટરીઓમાં કામદારો દયનીય પરિસ્‍થિતિમાં કામ કરી રહ્યા છે. ૩,૩૪,૦૦૦ રજિસ્‍ટર્ડ ફેક્‍ટરીઓમાંથી, ફક્‍ત ૬૫૯૨ માં સલામતી અધિકારીઓ કાર્યરત છે, અને ફક્‍ત ૪૨૨૨ ફેક્‍ટરીઓમાં તબીબી અધિકારીઓ છે. વધુમાં, ફક્‍ત ૩૪,૪૫૦  ફેક્‍ટરીઓમાં કોઈપણ પ્રકારની સલામતી નીતિ છે. વધુમાં, ફક્‍ત ૨૨૭૨  ફેક્‍ટરીઓમાં સ્‍થળ પર કટોકટી યોજના છે. આનો અર્થ એ થાય કે જો ફેક્‍ટરીમાં કોઈ અકસ્‍માત થાય, તો કામદારો માટે જગ્‍યા ખાલી કરવી અત્‍યંત મુશ્‍કેલ બનશે.(૩૮.૧૧)

(9:34 AM IST)