તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
વૃદ્ધ અને અસાધ્ય બીમારીથી પીડિત કેદીઓની સમય પહેલાં મુક્તિ માટે ત્રણ મહિનામાં સર્વગ્રાહી નીતિ ઘડવા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે પાત્રતાના માપદંડ તેમજ જેલમુક્તિની પ્રક્રિયા પારદર્શક રાખવા અને બીમારીની એકસમાન વ્યાખ્યા કરવા આપ્યા નિર્દેશ : નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીની અરજી પર સર્વોચ્ચ અદાલતનો મોટો નિર્ણય

નવી દિલ્હી: દેશની જેલોમાં બંધ અસાધ્ય બીમારીઓથી ઝઝૂમતા અને મોટી ઉંમરના કેદીઓ પ્રત્યે માનવતાવાદી અભિગમ અપનાવતા સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે ગુરુવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓ વૃદ્ધ તેમજ ગંભીર બીમારીઓથી પીડિત કેદીઓની વહેલી અથવા સમય પહેલાં મુક્તિ માટે આગામી ત્રણ મહિનાની અંદર એક સર્વગ્રાહી અને અસરકારક નીતિ તૈયાર કરે.
અરજી પર સુનાવણી દરમિયાન ખંડપીઠના મહત્વના આદેશ:
નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી (NALSA) દ્વારા સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના અથવા અસાધ્ય બીમારીથી પીડિત કેદીઓને જામીન આપવા અથવા વહેલી મુક્તિ આપવાની ન્યાયિક માંગ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો આપતા ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે નવી ઘડાનારી નીતિમાં પાત્રતા માટેના ચોક્કસ માપદંડો અને જેલમુક્તિની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટપણે નિર્ધારિત કરવામાં આવે. ખાસ કરીને 'અસાધ્ય બીમારી' કોને ગણવી તેની એકસમાન અને સુસ્પષ્ટ વ્યાખ્યા નક્કી કરવા પર અદાલતે વિશેષ ભાર મૂક્યો હતો.
રાજ્ય કાનૂની સેવા ઓથોરિટી સાથે પરામર્શ અને સરળ પ્રક્રિયા:
ચુકાદો સંભળાવતા ન્યાયમૂર્તિ સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ ચુકાદાની તારીખથી ત્રણ મહિનાની અંદર વૃદ્ધ અને અસાધ્ય બીમારીથી પીડિત કેદીઓની વહેલી અથવા સમય પહેલાં મુક્તિ માટેની સર્વગ્રાહી નીતિ બનાવીને તેને સત્તાવાર રીતે નોટિફાઈ કરવાની રહેશે. આ નીતિ સંબંધિત રાજ્ય કાનૂની સેવા ઓથોરિટી સાથે પરામર્શ કરીને જ તૈયાર કરવી જોઈએ, જેથી પાત્રતા ધરાવતા કેદીઓની સરળતાથી ઓળખ થઈ શકે અને સમગ્ર પ્રક્રિયાનું અસરકારક સંકલન સાધી શકાય. આ નીતિમાં માનવતાવાદી ધોરણે વહેલી મુક્તિ માટેની અરજીઓ દાખલ કરવા, તેની યોગ્ય તપાસ કરવા અને એક ચોક્કસ સમયમર્યાદામાં ત્વરિત નિર્ણય લેવા માટે એક પારદર્શક અને તદ્દન સરળ પ્રક્રિયા હોવી અનિવાર્ય છે.
કેન્દ્ર સરકારને ટેકનિકલ સહાય પૂરી પાડવા નિર્દેશ:
અદાલતના આદેશોનું સંપૂર્ણ અને અસરકારક રીતે પાલન થઈ શકે તે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ભૂમિકા પણ નક્કી કરી છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે તે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નીતિના અમલીકરણ માટે જરૂરી તમામ ટેકનિકલ સહાય, ડિજિટલ માળખું અને ક્ષમતાવર્ધન માટેનો પૂરતો સહયોગ પૂરો પાડે, જેથી કરીને વહીવટી સ્તરે કોઈ અવરોધ ઊભો ન થાય.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
