તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ભયાનક દૂર્ઘટનામાં બચી ગયેલા-દાઝી ગયેલા તાલાલાના ફોૈજી, મેંદરડાની છાત્રા સહિત ૩ને રાજકોટ ખસેડાયા
બીજી ખાનગી બસના ડ્રાઇવર તાલાલાના નાગરાજભાઇ રાળાએ અનેક મુસાફરોને બચાવ્યાઃ તે બંને પગમાં દાઝી જતાં સારવારમાં: હાથ-પગમાં દાઝેલી વિધી જુનાગઢમાં બીસીએનો અભ્યાસ કરે છેઃ તેણે કહ્યું-અચાનક ધડાકો સંભળાયો, હું નીચેની બર્થમાં જાગતી હતી, બહાર ભડકો જોયો અને જીવ બચાવી ભાગીઃ બંગાળ ફરજ બજાવતાં સૈનિક નરેન્દ્રભાઇ રાઠોડ રજામાં વતન આવ્યા, અમદાવાદથી તાલાલા જવા સ્લીપર કોચમાં બેઠા હતાં: મોટા ભાગના મુસાફરો સુતા હતાં ત્યારે ભયંકર ઘટના બની ગઇ

રાજકોટ તા. ૧૪: ચોટીલાના સાંગાણી ગામ નજીક મોડી રાતે દોઢ વાગ્યે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં ડામર ભરેલા ડમ્પર પાછળ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ ધડાકાભેર અથડાયા બાદ બસમાં આગ ભભૂકી ઉઠતાં જોતજોતમાં બસ અગનગોળો બની જતાં મુસાફરોની ચીસો ગાજી ઉઠી હતી. આ અગનગોળો બની ગયેલી બસમાં ચાર મુસાફરો ભડથું થઇ ગયા હતાં. જ્યારે દસ મુસાફરોને ઇજા થઇ હતી અને દાઝી ગયા હતાં. જે પૈકી ચારને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં એક મેંદરડાની છાત્રા, તાલાલાના ફોૈજી, તાલાલાના યુવાન સામેલ છે. છાત્રાએ ઘટનાની વિગતો આપતાં કહ્યું હતું કે મારી સીટી નીચેની બર્થમાં હતી, પણ નીંદર આવી નહોતી એટલે જાગતી હતી. અચાનક ધડાકો થતાં ગભરાઇને જાગી ગઇ હતી. ભડકો જોતા જ જીવ બચાવીને બધા બસના દરવાજા તરફ ભાગ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ ચોટીલાના સાંગણી પાસે સર્જાયેલા આ ગમખ્વાર ગોઝારા અકસ્માતમાં દાઝી ગયેલા-ઇજા પામનારા મુસાફરો પૈકીના ૩ને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં જુનાગઢના મેંદરડામાં રહેતી વિધીબેન પ્રવિણભાઇ પટોડીયા (ઉ.વ.૧૮), તાલાલામાં રહેતાં અને ભારતીય સૈન્યમાં ફરજ બજાવતાં નરેન્દ્રભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) તથા તાલાલાના સાંગોદરામાં રહેતાં અને ખાનગી બસનું ડ્રાઇવીંગ કરતાં નાગરાજભાઇ બાવનભાઇ રાળા (ઉ.વ.૩૦)નો સમાવેશ થાય છે. આ ત્રણેય હાથ-પગના ભાગે દાઝી ગયા હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા છે. જ્યારે એક મુસાફર ઓપીડી સારવાર લઇ જતાં રહ્યા હતાં.
વિધીબેન પટોડીયા-પટેલ બે ભાઇની એક જ મોટી બહેન છે. તેના પિતા ગેરેજ ચલાવે છે. વિધીબેન જુનાગઢની કોલેજમાં બીસીએનો અભ્યાસ કરે છે. તેણી અમદાવાદ વેકેશનમાં માસીના ઘરે રોકાવા માટે ગઇ હતી. પરત મેંદરડા આવવા તે રાતે અમદાવાદથી મધુરમ્ ટ્રાવેલ્સની સ્લીપર કોચ લક્ઝરી બસમાં બેઠી હતી. તેને નીચેની બર્થ મળી હતી. તેની સાથે તેના જ ગામના એક મહિલા પણ હતાં. જે અમદાવાદથી મેંદરડા આવવા બસમાં બેઠા હતાં. જેઓ ઉપરની બર્થમાં હતાં. વિધીબેને કહ્યું કે-રાતે અચાનક ધડાકો થયો અને જોરદાર થડકો આવતાં મુસાફરો ગભરાઇને જાગી ગયા હતાં. બસ ભટકાઇ ગઇ હોઇ અચાનક ભડકો થવા માંડતા અમે બધા જીવ બચાવવા માટે દરવાજા તરફ ભાગ્યા હતાં. હું નીચેની બર્થમાં અને દરવાજાથી નજીક હોઉ ઝડપથી બહાર નીકળી ગઇ હતી. જો કે આગને કારણે બંને હાથ અને બંને પગમાં હું દાઝી ગઇ હતી. અમારા ગામના માજીનું શું થયું તે ખબર નથી.
જ્યારે તાલાલાના નરેન્દ્રભાઇ રાઠોડ બંગાળ ખાતે ફોૈજી તરીકે ફરજ બજાવે છે. તેઓ રજા પર વતન આવ્યા હોઇ અમદાવાદથી તાલાલા જવા માટે સ્લીપર કોચમાં બેઠા હતાં. તેમણે કહ્યું હતું કે પાંત્રીસથી વધુ મુસાફરો કદાચ બસમાં હતાં. ઘટના બની ત્યારે હું સુતો હતો. અચાનક ધડાકો થયા બાદ આગ લાગી ગઇ હતી. હું ડ્રાઇવર સીટની બરાબર પાછળ જ હોઉ તરત જ બહાર નીકળી ગયો હતો. બીજા મુસાફરોને બચાવવા પ્રયાસ કર્યો હતો.
જ્યારે ત્રીજા વ્યક્તિ નાગરાજભાઇ રાળા ખાનગી બસનું ડ્રાઇવીગ કરે છે. તે બંને પગના તળીયામાં દાઝી ગયા છે. નાગરાજભાઇએ કહ્યું કે-હું મારી બસ લઇને નીકળ્યો ત્યારે આ અકસ્માત સર્જાયો હોઇ જેથી હું મદદ કરવા માટે ગયો હતો. મુસાફરોને બીજા લોકોની મદદથી બસમાંથી બહાર કાઢયા હતાં. જેના કારણે હું દાઝી ગયો હતો. અન્ય એક મુસાફરને સામાન્ય ઇજા થઇ હોઇ તે પ્રાથમિક સારવાર લઇ જતાં રહ્યા હતાં. રાજકોટ સારવારમાં ખસેડાયેલા ત્રણેયની નોંધ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને કરાવી હતી
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
