તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળેલા ઇથોપિયામાં કિડનેપ થયેલા ત્રણ ગુજરાતીઓનો વિદેશ મંત્રાલયે સુરક્ષિત બચાવ કર્યો
એક પણ રૂપિયો ખંડણી આપ્યા વિના મહેસાણા અને ગાંધીનગરના ત્રણ નાગરિકોનો વતન વાપસી; એજન્ટોની જાળમાં ફસાયેલા ત્રણેય મુસાફરો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા

અમદાવાદ: ગેરકાયદે માર્ગે અમેરિકા જવાની ઘેલછામાં ઇથોપિયા ખાતે બંધક બનાવાયેલા ગુજરાતના ત્રણ નાગરિકોને એક પણ રૂપિયો ખંડણી ચૂકવ્યા વિના વિદેશ મંત્રાલય અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનથી સુરક્ષિત છોડાવી લેવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે ૩ વાગ્યે મુંબઈ એરપોર્ટ પર ઉતરેલા ત્રણેય મુસાફરોનું તેમના પરિવારજનો સાથે ભાવુક મિલન થયું હતું. મહેસાણાના વડસ્મા ગામના રૂત્વિક જંસારી, અમદાવાદ રહેતા મમતા ચાવડા અને ગાંધીનગરની મયૂરી નામના આ ત્રણેય સંબંધીઓને અમેરિકા મોકલવાના નામે સ્થાનિક એજન્ટોએ ઇથોપિયામાં આંતરરાષ્ટ્રીય કિડનેપિંગ ગેંગની જાળમાં ફસાવ્યા હતા, જેમને ભારતીય દૂતાવાસના સમયસરના હસ્તક્ષેપથી મુક્ત કરાવી ભારત પરત લાવવામાં આવ્યા છે.
મળેલી વિગતો અનુસાર, આ ત્રણેય મુસાફરોએ અમેરિકા જવા માટે મહેસાણા અને વડોદરાના એજન્ટો સાથે પ્રતિ વ્યક્તિ રૂ. ૭૫ લાખનો સોદો કર્યો હતો, જેમાંથી રૂ. ૭૦ લાખ જેટલી રકમ અગાઉથી ચૂકવી દેવામાં આવી હતી. ૨૦ સપ્ટેમ્બરના રોજ ભારત છોડ્યા બાદ ૨૨ સપ્ટેમ્બરથી ઇથોપિયા પહોંચીને આ ત્રણેય ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક એજન્ટે તેમને બંધક બનાવી પરિવારો પાસે મુક્તિ માટે વધુ રૂ. ૧ કરોડની ખંડણી માંગી હતી, જેથી ગભરાયેલા પરિવારે મહેસાણા પોલીસનો સંપર્ક કર્યો હતો.
ઘટનાની ગંભીરતા જોઈ મહેસાણા પોલીસે તાત્કાલિક ભારત સરકારના વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. ભારતીય દૂતાવાસ અને સ્થાનિક તપાસ એજન્સીઓના સંકલનથી રાજદ્વારી દબાણ ઉભું કરીને અપહરણકારોના સિકંજામાંથી ત્રણેયને મુક્ત કરાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મુક્તિ માટે પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની ખંડણી રકમ ચૂકવવામાં આવી નથી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મમતા ચાવડાએ અગાઉ પણ અમેરિકાના લીગલ વિઝા મેળવવા અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. તેના પતિ છ મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હોવાથી તેણે ગેરકાયદે માર્ગ પસંદ કર્યો હતો. હાલમાં લાંઘણજ પોલીસ મથકે ગુનો નોંધીને આ સમગ્ર ચક્રવ્યૂહ રચનારા સ્થાનિક એજન્ટો સામે કાનૂની સિકંજો કસવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતીઓ કબૂતરબાજી (ગેરકાયદે ઇમિગ્રેશન) ના ડંકી રૂટ પર પોતાના જીવ જોખમમાં મૂકે તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં પણ કેનેડા-અમેરિકા બોર્ડર કે સેન્ટ્રલ અમેરિકાના જંગલોમાં ગુજરાતી પરિવારો ફસાવાના અને જીવ ગુમાવવાના ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે.
હાલમાં ત્રણેય નાગરિકો હેમખેમ પોતાના વતન પહોંચી જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસે નાગરિકોને વિદેશ જવા માટે એજન્ટોની નકલી લાલચમાં ન આવવા અને માત્ર કાયદેસરના વિઝા માર્ગો જ અપનાવવા અપીલ કરી છે, જ્યારે ફરાર એજન્ટોને ઝડપી પાડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
