તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
યુરોપમાં વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો : એક જ દિવસમાં આશરે ૨૦ ફ્લાઇટને નિશાન બનાવાતા ખળભળાટ
ફ્રાન્સ, ઇટાલી અને બલ્ગેરિયામાં લડાકુ વિમાનો દોડાવાયા : ત્રણ વિમાનોના માર્ગ બદલાયા, મુસાફરોને ઉતારી તપાસ : તમામ વિમાનો સુરક્ષિત, બોમ્બ મળ્યા નહીં : ધમકીઓ પાછળ કોણ છે તે અંગે તપાસ

લંડન, તા. ૬ : યુરોપના અનેક દેશોમાં ગુરુવારે વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં હવાઈ સુરક્ષા તંત્ર દોડતું થયું હતું. શરૂઆતમાં ૧૫ ફ્લાઇટને ધમકી મળ્યાના અહેવાલ હતા, પરંતુ મોડેથી મળેલી વિગતો મુજબ આશરે ૨૦ વિમાનોને નિશાન બનાવાયાં હતાં. ફ્રાન્સ, ઇટાલી અને બલ્ગેરિયાના લડાકુ વિમાનોને સુરક્ષા માટે મોકલવામાં આવ્યાં હતાં. અનેક વિમાનોની સઘન તપાસ થઈ હતી. કોઈ વિમાનમાંથી વિસ્ફોટકો મળ્યા નથી.
યુરોપમાં સતત ત્રીજા દિવસે બોમ્બની ધમકીઓના કારણે હવાઈ મુસાફરીમાં ભારે વિક્ષેપ સર્જાયો છે. ગુરુવાર, તા. ૫ નવેમ્બરે આયર્લેન્ડ, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, રોમાનિયા, ઓસ્ટ્રિયા અને બેલ્જિયમ સહિત વિવિધ દેશોને જોડતી ફ્લાઇટોને ધમકીઓ મળી હતી.
આયર્લેન્ડના ડબ્લિનથી રોમ જઈ રહેલા એર લિંગસના વિમાનને ફ્રાન્સના એવ્રુ લશ્કરી હવાઈ મથકે ઉતારવામાં આવ્યું હતું. વિમાનમાં ૧૫૧ મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા. ફ્રાન્સનાં લડાકુ વિમાનોએ તેને સુરક્ષા આપી હતી.
બલ્ગેરિયાના સોફિયા જઈ રહેલી રાયનેરની મેડ્રિડ અને કોપનહેગનથી આવતી ફ્લાઇટોને સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું હતું. લંડનથી આવતી ફ્લાઇટને પ્લોવદિવ ખાતે ઉતારવામાં આવી હતી. હેલસિંકીથી રોમ આવતી ફિનએરની ફ્લાઇટને ઇટાલીનાં લડાકુ વિમાનોએ સુરક્ષા આપી હતી.
મિલાનથી વોર્સો જતી વિઝ એરની ફ્લાઇટને વિયેના તરફ વાળવામાં આવી હતી. રોમાનિયાના બુકારેસ્ટમાં એક વિમાનના ૧૮૨ મુસાફરો અને સાત ક્રૂ સભ્યોને ઉતારી તપાસ હાથ ધરાઈ હતી. ચેક રિપબ્લિકના પ્રાગ પહોંચતાં ચાર વિમાનોની પણ વિસ્ફોટકો માટે તપાસ કરવામાં આવી હતી.
આ સપ્તાહ દરમિયાન આવી ૨૦થી વધુ ખોટી ધમકીઓની ઘટનાઓ નોંધાઈ છે. વિમાનો સલામત ઊતર્યાં હોવા છતાં મુસાફરોમાં ભય ફેલાયો છે. યુરોપમાં તાજેતરના સાઇબર હુમલાઓ અને આ ધમકીઓ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઊઠ્યા છે. જોકે આ ઘટનાઓ પાછળ રશિયા, ઈરાન કે અન્ય કોઈ દેશનો હાથ હોવાના પુરાવા જાહેર થયા નથી.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
