તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
ગાયક શ્રી બ્રારને પતાવી દેવાની ધમકી: બાબા સિદ્દીકી હત્યાકાંડના આરોપી ઝીશાન અખ્તરે ઓડિયો મોકલી ₹૫ કરોડની ખંડણી માંગી
૫ કરોડ આપો નહીંતર સીધા ઉપરની ટિકિટ બુક કરાવી લો : પાકિસ્તાની કનેક્શન ધરાવતા ગેંગસ્ટરની ધમકીથી પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ભારે ફફડાટ

મોહાલી: પ્રખ્યાત પંજાબી સિંગર અને ગીતકાર શ્રી બ્રાર (સાચું નામ પવનદીપ સિંહ બ્રાર) પાસે ₹૫ કરોડની જંગી ખંડણી માંગવામાં આવી છે. પૈસા ન ચૂકવવા પર તેમને જાનથી મારી નાખવાની સીધી ધમકી મળી છે. આ સનસનાટીભરી ધમકી પાછળ એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના કુખ્યાત આરોપી અને હાલ વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટર ઝીશાન અખ્તરનું નામ સામે આવ્યું છે. ઝીશાન હાલમાં પાકિસ્તાની આતંકવાદી શહઝાદ ભટ્ટીની ગેંગ સાથે મળીને ભારત વિરોધી અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કથિત ઓડિયો સંદેશમાં ગાયકને અત્યંત ક્રૂર શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. ધમકી આપનારે સ્પષ્ટ કહ્યું છે કે જો ₹૫ કરોડ નહીં મળે, તો શ્રી બ્રારે "ઉપર (મોત) ની ટિકિટ બુક કરાવી લેવી પડશે." જોકે, પોલીસ હજુ આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતાની તપાસ કરી રહી છે. આ ગંભીર મામલે ગાયક શ્રી બ્રાર અથવા તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે નિવેદન બહાર આવ્યું નથી.
વર્ષ ૨૦૧૬માં "પ્રિન્સ ઓફ પટિયાલા" ગીતથી કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી બ્રાર આજે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. યુટ્યુબ પર ૨૦ લાખ (૨ મિલિયન) થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ ધરાવતા શ્રી બ્રારનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત "તુન વી દેયાંગે" ભારે હિટ રહ્યું છે. પંજાબી ગાયકો પર અગાઉ થયેલા હુમલાઓને જોતાં આ નવી ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને સિંગરની સુરક્ષા વધારવા માટે કવાયત શરૂ કરાઈ છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
