News of Wednesday, 22nd April 2026
લોકશાહી સામે ખતરો: EDની તપાસમાં 'દાદાગીરી' બદલ સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીની આકરી ઝાટકણી કાઢી
મુખ્યમંત્રીનું તપાસમાં સીધું હસ્તક્ષેપ કરવું એ બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન છે: સુપ્રીમ કોર્ટે કહ્યું- "આવું તો આંબેડકર સાહેબે પણ વિચાર્યું નહીં હોય" : આઈ-પીએસી (I-PAC) કેસમાં બંગાળ સરકારને ભારે ફટકાર

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ત્યારે ભૂકંપ આવી ગયો જ્યારે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીના વલણ સામે લાલ આંખ કરી. જાન્યુઆરીમાં I-PAC ના સહ-સ્થાપક પ્રતીક જૈનના નિવાસસ્થાને જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા પડી રહ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી પોતે ત્યાં પહોંચી ગયા હતા. આ ઘટનાને ગંભીર ગણાવતા જસ્ટિસ પીકે મિશ્રા અને એનવી અંજારિયાની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી ચાલુ તપાસમાં દખલ કરી શકે નહીં. આ પ્રકારનું વર્તન લોકશાહી વ્યવસ્થા માટે અત્યંત ખતરનાક સંકેત છે." કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા ઉમેર્યું કે બંધારણના ઘડવૈયા ડો. બી.આર. આંબેડકરે પણ કદાચ કલ્પના નહીં કરી હોય કે ભવિષ્યમાં કોઈ સત્તારૂઢ મુખ્યમંત્રી આ રીતે તપાસ એજન્સીઓના કામમાં અવરોધ ઊભો કરશે.
આ વિવાદની જડ જાન્યુઆરીમાં પડેલા એ દરોડા છે, જ્યાં ED મની લોન્ડરિંગ અને કોલસા કૌભાંડના પુરાવા શોધી રહી હતી. કેન્દ્રીય એજન્સીનો ગંભીર આરોપ છે કે મમતા બેનર્જી માત્ર ત્યાં હાજર જ નહોતા થયા, પરંતુ 100 થી વધુ પોલીસકર્મીઓ સાથે મળીને મહત્વના દસ્તાવેજો, લેપટોપ અને મોબાઈલ ફોન પણ પોતાની સાથે લઈ ગયા હતા. સુનાવણી દરમિયાન ED વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબતને 'મોબોક્રસી' (ભીડતંત્ર) ગણાવીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યું કે આ માત્ર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ નથી, પરંતુ એક વ્યક્તિગત પદનો દુરુપયોગ છે જે આખા તંત્રને જોખમમાં મૂકે છે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને મેનકા ગુરુસ્વામીએ બચાવ કરતા કહ્યું કે ED જેવી સરકારી એજન્સીઓ મૂળભૂત અધિકારોનો દાવો કરીને સીધી સુપ્રીમ કોર્ટમાં આવી શકે નહીં. તેમણે આ દરોડાને રાજકીય કિન્નાખોરી ગણાવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલોને ફગાવી દેતા કહ્યું કે તેઓ બંગાળની જમીની હકીકત અને સામાજિક-રાજકીય વાસ્તવિકતાથી અજાણ નથી. આગામી સમયમાં જ્યારે બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટની આ કડક ટિપ્પણી મમતા સરકાર માટે મોટી મુશ્કેલી અને કાયદાકીય પડકાર સાબિત થઈ શકે છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
