<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

સાંસદ પપ્‍પુ યાદવના પરિવારને બોમ્‍બથી ઉડાવવાની ધમકી

 

પટણાઃ બિહારના પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્‍પુ યાદવને મૂકેશ મિશ્રાના નામે મોતની ધમકી મળી છે. એક વ્‍યક્‍તિએ તેમને ગોળી મારીને તેમના આખા પરિવારને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી સાંસદની સત્તાવાર વેબસાઇટ pappuyadav.org ના ફરિયાદ પોર્ટલ પર પોસ્‍ટ કરવામાં આવી હતી.

આ મામલે પપ્‍પુ યાદવ તરફથી નવી દિલ્‍હી જિલ્‍લા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. લોકસભા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્‍પુ યાદવે દિલ્‍હીના ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસને પત્ર લખીને તેમની સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમને અને તેમના પરિવાર સામે મળેલી ધમકીઓ અંગે તાત્‍કાલિક એફઆઇઆર નોંધવાની માંગ કરી છે.

પત્રમાં તેમણે આરોપીની તાત્‍કાલિક ધરપકડ કરવા અને પોતાના અને તેમના પરિવાર માટે સુરક્ષા વધારવાની પણ માંગ કરી છે. ફરિયાદમાં બિહારના મધુબનીમાં એક સરનામું સાથે મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી અને આધાર નંબરનો સમાવેશ થાય છે.

(3:42 PM IST)