તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
અયોધ્યા, વારાણસી અને મથુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
૪ નવેમ્બરે કોર્ટના સત્તાવાર સરનામે આવેલા સંદેશામાં ૨૭ નવેમ્બર સુધી ચેતવણી અપાઈ છે. ન્યાયિક અધિકારીના પત્ર બાદ બોમ્બ સ્ક્વોડ સક્રિય થઈ છે અને તમામ સંવેદનશીલ સ્થળોએ સઘન વાહન ચેકિંગ તેમજ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે

વારાણસીઃ તા.૫: સમગ્ર દેશમાં હાલ દિવાળી, ધનતેરસ અને છઠ પૂજા જેવા પવિત્ર તહેવારોની ભવ્ય ઉજવણી ચાલી રહી છે અને બજારો રોશનીથી ઝળહળી રહ્યા છે. આ ઉત્સવના માહોલમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો ગંભીર પ્રયાસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ત્રણ મહત્વપૂર્ણ શહેરોને નિશાન બનાવીને બોમ્બ વિસ્ફોટ કરવાની ગર્ભિત ધમકી આપતો એક સંદેશ મળ્યો છે. આ ચોંકાવનારી માહિતી સામે આવતાં જ ઉત્તર પ્રદેશ પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.
જ્યારે સામાન્ય નાગરિકો ખરીદી અને ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે રાજ્યની કાયદો-વ્યવસ્થાને પડકાર ફેંકવામાં આવ્યો છે. પોલીસ વહીવટીતંત્રે માહિતી મળતાં જ ત્રણેય શહેરોના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક સુરક્ષા કવચ ગોઠવી દીધું છે. જાહેર સ્થળો, બજારો અને પ્રવેશ દ્વારો પર અતિરિક્ત પોલીસ દળો તહેનાત કરીને બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ ગંભીર કાવતરાની વિગતો ગઈકાલે ૪ નવેમ્બરના રોજ બપોરે આશરે ૧૨ વાગ્યેને ૨૫ મિનિટે સામે આવી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સત્તાવાર આઈડી પર એક અજાણ્યા નામેથી મોકલાયેલા આ સંદેશમાં અત્યંત ભડકાઉ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં દિવાળીની રાતથી લઈને ૨૭ નવેમ્બર સુધી શ્રેણીબદ્ધ ધડાકા કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ સંદેશામાં અલગતાવાદી નારેબાજી અને કેટલાક પ્રતિબંધિત સંગઠનોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે શહેરોની શાળાઓ અને પવિત્ર ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે.
ન્યાયિક અધિકારીએ આ ગંભીર બાબતની નોંધ લઈને જરાય વિલંબ કર્યા વિના કડક પગલાં લીધા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીયૂષ ત્રિપાઠીએ આ સમગ્ર મામલે તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને સત્તાવાર પત્ર લખીને વાકેફ કર્યા હતા. તેમણે ન્યાય પરિસરની સુરક્ષા તાબડતોબ વધારવા અને પ્રવેશ તથા નિકાસ દ્વારો પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવવા ભારપૂર્વક જણાવ્યું હતું.
ન્યાયિક પત્ર મળતાંની સાથે જ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સક્રિય થઈ ગઈ હતી. વિશેષ બોમ્બ નિરોધક દસ્તાને બોલાવીને સમગ્ર પરિસર, ચેમ્બર્સ અને આસપાસના ખુલ્લા વિસ્તારોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ વિશેષ ટીમ આગામી ઘણા દિવસો સુધી આ સંકુલમાં જ તહેનાત રહેશે જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. બીજી તરફ સાયબર ક્રાઈમ સેલે આ સંદેશ ક્યાંથી ઓરિજિનેટ થયો તે શોધવા માટે ડિજિટલ તપાસ તેજ કરી દીધી છે.
અધિકારીઓએ પરિસરમાં પ્રવેશતા દરેક વાહન અને પ્રત્યેક નાગરિકનું મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિગ કરવાનો આદેશ આપ્યો છે. નગર કોતવાલી અને કેન્ટ પોલીસ સ્ટેશનના જવાનોએ સંવેદનશીલ કેમ્પસની આસપાસ મોરચો સંભાળી લીધો છે. શહેરી વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો સાથે સઘન રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિગ શરૂ કરી દેવામાં આવ્યું છે. નાગરિકોને કોઈપણ ભય વગર તહેવાર માણવા અપીલ કરવાની સાથે શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તુરંત કંટ્રોલ રૂમને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. (૪૧.૯)
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
