News of Thursday, 22nd October 2026
સ્પેનમાં રાજકીય રેલી સામે હજારો લોકોનો વિરોધ: પોલીસ સાથે અથડામણ: વોક્સ પક્ષના નેતા સાન્તિયાગો અબાસ્કલના કાર્યક્રમ સામે ઉગ્ર પ્રદર્શન: બેની ધરપકડ, એક ડઝનથી વધુને ઈજા

મેડ્રિડ, તા. ૨૨ : સ્પેનના આ કોરુન્યા શહેરમાં વોક્સ પક્ષના નેતા સાન્તિયાગો અબાસ્કલના કાર્યક્રમ સામે હજારો લોકો એકત્ર થયા હતા. વિરોધપ્રદર્શન દરમિયાન પોલીસ અને કેટલાક પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી. બેની ધરપકડ કરવામાં આવી હતી.
સ્પેનના ગેલિસિયા પ્રદેશના આ કોરુન્યા શહેરમાં બુધવારે રાજકીય તણાવ વચ્ચે હિંસક અથડામણોની ઘટના બની હતી.
દક્ષિણપંથી વોક્સ પક્ષના નેતા સાન્તિયાગો અબાસ્કલના કાર્યક્રમ સામે વિદ્યાર્થી સંગઠનો સહિત વિવિધ જૂથોએ વિરોધપ્રદર્શનનું આયોજન કર્યું હતું. સ્થાનિક અહેવાલો મુજબ અંદાજે ૪ હજાર લોકો શહેરના મારિયા પિતા ચોકમાં એકત્ર થયા હતા.
કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ કેટલાક વિરોધીઓએ પોલીસ તરફ ઇંડાં અને અન્ય વસ્તુઓ ફેંકતાં પરિસ્થિતિ તંગ બની હતી.
પોલીસે ભીડને વિખેરવાની કાર્યવાહી કરી હતી. ઘટનામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને એક ડઝનથી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચ્યાના અહેવાલો છે.
બપોર બાદ પોલીસ કાર્યવાહી સામે ફરી વિરોધપ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન પણ કેટલાક પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
રાજકીય ધ્રુવીકરણ વચ્ચે બનેલી આ ઘટનાએ સ્પેનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા, વિરોધ કરવાના અધિકાર અને પોલીસ કાર્યવાહી અંગે ચર્ચા જગાવી છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
