તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થતાં હજારો મુસાફરો ફસાયા: મુશ્કેલીઓ હળવી કરવા રેલવે દ્વારા બડગામ અને કટરા વચ્ચે ખાસ સ્પેશિયલ ટ્રેન શરૂ!
ઉધમપુર અને રામબન વિસ્તારમાં ભારે વરસાદ, ભૂસ્ખલન તથા રસ્તાના સમારકામ કામગીરીને કારણે NH-44 પર વાહનોની અવરજવર ઠપ; હાઇવે પૂર્વવત ન થાય ત્યાં સુધી ટ્રેન સેવા ચાલુ રહેશે

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરને જોડતી મુખ્ય જીવાદોરી સમાન જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર ભારે વરસાદ અને કુદરતી આપત્તિના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ઉધમપુર જિલ્લાના સમરોલી વિસ્તારમાં દાવલ પુલ પાસે રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જ્યારે રામબન પંથકમાં સતત વરસાદને કારણે મોટા પ્રમાણમાં ભૂસ્ખલન અને ખડકો પડવાની ઘટનાઓ બની છે. રસ્તો કાદવ અને લપસણો બની જવાથી મુસાફરોની સુરક્ષા જોખમાઈ છે, જેના પગલે વહીવટીતંત્ર દ્વારા હાઇવે પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મુસાફરોના પ્રચંડ ધસારાને પહોંચી વળવા રેલવેનું મોટું પગલું
હાઇવે બંધ થવાના કારણે શ્રીનગર અને માતા વૈષ્ણો દેવી કટરા રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે બડગામ અને કટરા વચ્ચે એક વિશેષ ટ્રેન દોડાવવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ ટ્રેન બડગામથી બપોરે ૧ વાગ્યે ઉપડીને શ્રીનગર, બનિહાલ અને સાંગલદાન થઈને સાંજે ૪:૨૦ વાગ્યે કટરા પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે આ ટ્રેન કટરાથી સાંજે ૫:૦૫ વાગ્યે ઉપડીને રાત્રે ૮:૩૦ વાગ્યે બડગામ પરત ફરશે.
હાઇવે પૂર્વવત ન થાય ત્યાં સુધી સેવા રહેશે યથાવત
પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી હાઇવે સંપૂર્ણપણે સાફ અને સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી NH-44 પર મુસાફરી કરવાનું ટાળવું. રેલવે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જમ્મુ-શ્રીનગર હાઇવે પર સામાન્ય વાહનવ્યવહાર પૂર્વવત શરૂ નહીં થાય, ત્યાં સુધી આ વિશેષ ટ્રેન સેવા મુસાફરોની સુવિધા માટે નિયમિતપણે કાર્યરત રહેશે, જેથી ફસાયેલા નાગરિકોને મોટી રાહત મળી શકે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
