<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સમુદ્રમાં હજારો લિટર તેલ ફેલાયું કતાર થી યુએઈ સુધી ખતરો પહોંચ્‍યો

ઈરાન પાસે ભયાનક ઓઈલ સ્‍પિલ! પર્યાવરણ માટે મોટું સંકટ

તહેરાન તા.૧૧: ઈરાનના સમુદ્રના પાણીમાં હજારો બેરલ તેલ ફેલાઈ ગયું છે અને યુએન દ્વારા આ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. સંયુક્‍ત રાષ્ટ્રએ તેને પર્યાવરણીય કટોકટી તરીકે વર્ણવ્‍યું છે. નિષ્‍ણાંતોના મત અનુસાર આ તેલનું લીકેજ જૂની પાઇપલાઇન અથવા યુદ્ધ જેવી પરિસ્‍થિતિઓ સાથે જોડાયેલ હોઈ શકે છે. તેલ ધીરે ધીરે કતાર અને યુએઈ તરફ જઈ રહ્યું છે.

સંયુક્‍ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે જો પરિસ્‍થિતિનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તે એક મોટું પર્યાવરણીય સંકટ બની શકે છે. રવિવારે સવારે ૧૧ વાગ્‍યાની આસપાસ નવું તેલ છલકાયેલું જોવા મળ્‍યું. તે આશરે ૧૨ થી ૨૦ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું હોઈ શકે છે. અગાઉ છલકાયેલ તેલ લગભગ ૬૫ ચોરસ કિલોમીટર સુધી ફેલાયું હતુ. યુએનનો અંદાજ છે કે તેમાં હજારો બેરલ ક્રૂડ ઓઈલ હોઈ શકે છે. આ છલકાવ ચાર દિવસમાં કતારના પાણીમાં પહોંચી શકે છે અને ૧૩ દિવસમાં યુએઈના અલ મિર્ફા ક્ષેત્ર નજીકના દરિયાકાંઠે પહોંચી શકે છે.

ઈરાને આ ઘટના માટે વિદેશી જહાજોને દોષી ઠેરવ્‍યા છે. ઈરાનના બુશેહર પ્રાંતના સંસદ સભ્‍ય જાફર પોરબાઘાનીએ દાવો કર્યો હતો કે યુરોપિયન ટેન્‍કરોએ તેલ અને ગટરના પાણીને સમુદ્રમાં છોડ્‍યા હતા. વિન્‍ડવર્ડ એઆઈ અનુસાર, લીકેજ ક્રૂડ ઓઈલ હોવાનું જણાય છે, જહાજો દ્વારા વપરાતું ઈંધણ નહીં. એવું માનવામાં આવે છે કે તે પાઇપલાઇન નિષ્‍ફળતા અથવા જહાજથી જહાજ પર તેલ ટ્રાન્‍સફર દરમિયાન ખામીને કારણે થયું છે. યુએનના નિષ્‍ણાંત ડો. કવેહ મદનીએ જણાવ્‍યું હતું કે. આ તેલ ગળતરના કારણ પર સતત દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે સમજાવ્‍યું કે તેલનો પટ્ટો ખાર્ગ ટાપુની દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. જો તે મોટો થાય છે, તો તેનો અર્થ એ છે કે જૂની પાઇપલાઇન અથવા ઊર્જા પ્રણાલીમાંથી મોટું લીકેજ થયું હોઈ શકે છે.

ડો. મદનીએ જણાવ્‍યું હતું કે જો તેલ વસ્‍તીવાળા વિસ્‍તારોમાં પહોંચે છે, તો દરિયાઈ પાણીના શુદ્ધિકરણ પ્‍લાન્‍ટ બંધ કરવા પડી શકે છે. જોકે, હાલમાં જોખમ ઓછું માનવામાં આવે છે. મદનીએ જણાવ્‍યું હતું કે જે વિસ્‍તારમાં તેલ છલકાયું છે ત્‍યાં મોટી સંખ્‍યામાં પાઇપલાઇનો અને તેલ સંબંધિત માળખાકીય સુવિધાઓ છે. ડો. કાવેહ મદનીએ નોંધ્‍યું છે કે, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ઈરાન માટે આ સિસ્‍ટમો જાળવવાનું મુશ્‍કેલ બન્‍યું છે. પર્સિયન ગલ્‍ફમાં ખૂબ જ ધીમો પ્રવાહ છે, તેથી તેલ પ્રદૂષણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. ડો. મદનીએ યાદ કર્યું કે ગલ્‍ફ યુદ્ધ અને ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન તેલ છલકાયું હતુ જેના કારણે દરિયાઈ જીવન, માછીમારી, દરિયાકાંઠાના વિસ્‍તારો અને પાણી શુદ્ધિકરણ પ્‍લાન્‍ટ પર અસર પડી હતી.

(11:08 AM IST)