News of Saturday, 4th July 2026
અમરનાથ યાત્રામાં રજીસ્ટ્રેશન વિના ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓથી વહીવટીતંત્રની ચિંતા વધી
ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશનમાં ૭ થી ૮ દિવસનું વેઇટિંગ આવતા ભક્તોમાં ભારે રોષ: પૈસા ખૂટી પડવાની ભીતિ

જમ્મુ/શ્રીનગર: અમરનાથ યાત્રા શરૂ થતાં જ રજીસ્ટ્રેશન વિના જમ્મુ-કાશ્મીર પહોંચેલા હજારો શ્રદ્ધાળુઓએ શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો કર્યો છે. તત્કાળ રજીસ્ટ્રેશન માટે ભક્તોને ૭ થી ૮ દિવસ પછીનું ટોકન મળતા ભારે અસંતોષ વ્યાપી ગયો છે. સુરક્ષા, રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે, ત્યારે શ્રાઈન બોર્ડે એડવાન્સ રજીસ્ટ્રેશન વિના યાત્રા પર ન આવવા અપીલ કરી છે.
અમરનાથ યાત્રા શરૂ થતા જ રજીસ્ટ્રેશન વિના જમ્મુ પહોંચેલા હજારો શ્રદ્ધાળુઓ તંત્ર માટે માથાનો દુખાવો બન્યા છે. શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર માટે સુરક્ષા, આવાસ અને ભોજન વ્યવસ્થા મોટો પડકાર બની છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ દરરોજ યાત્રાળુઓનો ક્વોટા નક્કી હોવાથી, દરેકને તાત્કાલિક મંજૂરી આપવી શક્ય નથી.
ભક્તોનો આક્ષેપ છે કે તત્કાળ રજીસ્ટ્રેશન માટે ૭ થી ૮ દિવસ પછીનું ટોકન અપાઈ રહ્યું છે. આટલા દિવસો રોકાવવા તેમની પાસે પૂરતા નાણાં નથી. ઓન સ્પોટ રજીસ્ટ્રેશનના ભરોસે આવેલા શ્રદ્ધાળુઓ હવે તંત્રની નિષ્ફળતાનો આક્ષેપ કરી રહ્યા છે. મોડી રાત સુધી કતારોમાં ઊભા રહેવા છતાં રજીસ્ટ્રેશન ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, અમરનાથ શ્રાઈન બોર્ડે સ્પષ્ટતા કરી છે કે એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો જ યાત્રાએ આવવું. તત્કાળ રજીસ્ટ્રેશનની સુવિધા મર્યાદિત હોવાથી, આટલા મોટા ધસારાને પહોંચી વળવું અશક્ય છે. બેંકો અથવા ઓનલાઈન માધ્યમથી એડવાન્સ બુકિંગ કરાવીને જ દર્શનાર્થે આવવા તાકીદ કરવામાં આવી છે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
