તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
આ ગામ વેચવાનું છે... તરસ્યા ગ્રામજનોએ ઠેર ઠેર બેનર લગાવ્યા
બોર્ડ લગાવવાનો હેતુ સરકારનું ધ્યાન અમારી સમસ્યા તરફ દોરવાનો છેઃ સરપંચ : સરકાર પાસે વર્ષોથી માગ થઈ રહી છે કે પાણીની સમસ્યાનો ઉકેલ કાઢવામાં આવે

સોલાપુર તા.૨૯: ખેતરમાં ધૂળ ઊડી રહી છે, કૂવા કોરા કટાક છે અને પાણીના એક એક ટીપા માટે ગામના લોકો તડપી રહ્યાં છે. આ સ્થિતિથી પરેશાન થઈને ગામના દરેક લોકો અહીંથી નીકળવા માગે છે. સરકાર પાસે વર્ષોથી માગ થઈ રહી છે કે પાણીની સમસ્યાનો ઉકેલ કાઢવામાં આવે, પરંતુ સમસ્યા વધતી જઈ રહી છે. એવામાં ગામના લોકોએ ગામને વેચવા કાઢ્યું છે. ગામને વેચવા માટે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. વાત થઈ રહી છે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુલશી ગામની. ૭ હજારની વસ્તી ધરવતા આ ગામમાં પીવાના પાણીની એટલી સમસ્યા છે કે, વર્ષોથી ટેન્કરના ભરોસે લોકો જીવન પસાર કરી રહ્યા છે. ગામમાં ટેન્કર આવતા જ લાઇનો લાગી જાય છે. જેથી જરૂરિયાતનું પાણી મળી શકે.
દાયકાઓથી સરકારી યોજનાઓ બનાવવામાં આવી રહી છે અને અનેક વાયદાઓ પણ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી આ ગામની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. અહીં સીના-માઢા સિચાઈ યોજના માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામ આગળ વધ્યું નથી. આવી સ્થિતિમાં ગામના લોકો સતત પાણીના ટેન્કરો પર નિર્ભર છે.
તુલશી ગામના સરપંચ શરદ મોરેએ જણાવ્યું હતું કે, ‘‘ગામમાં દર વર્ષે પાણીની સમસ્યા રહે છે. ગામની નજીકથી જ સીના-માઢા યોજનાને મંજૂરી મળી છે, પરંતુ અમને તેનો કોઈ લાભ મળી રહ્યો નથી. આ બોર્ડ લગાવવાનો હેતુ સરકારનું ધ્યાન અમારી સમસ્યા તરફ દોરવાનો છે.''
ગામના લોકોએ પાણીની માગણી માટે ૧૪ સપ્ટેમ્બરે ભૂખ હડતાળ પણ કરી હતી. આ ઉપરાંત એક દિવસ માઢા તાલુકા કચેરી પર થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને ‘થાળી નાદ વિરોધ પ્રદર્શન' નામ આપવામાં આવ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે જો તેમની સમસ્યાનું સમાધાન નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
સરપંચ શરદ મોરેએ જણાવ્યું કે, છેલ્લા ૨૬ વર્ષથી આ નહેરનું કામ અટવાયેલું છે. જો આ નહેર ગામ સુધી પહોંચી જાય તો પાણીની સમસ્યા હંમેશા માટે દૂર થઈ શકે છે. ગ્રામજનોનું કહેવું છે કે તેઓ પહેલેથી જ પાણીના ટેન્કરો પર નિર્ભર છે. આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો હોવાથી મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.
ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે, જલ જીવન મિશન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી ગામને તેનો કોઈ લાભ મળ્યો નથી. પાણીની અછતને કારણે ગામમાં ખેતી થઈ રહી નથી. લોકો પશુઓ પણ પાળી શકતા નથી. એટલું જ નહીં, સ્થિતિ એવી બની ગઈ છે કે ગામના યુવાનો લગ્ન વિના રહી જાય છે. પાણીની સુવિધા ન હોય તેવા ગામમાં કોઈ પોતાની દીકરીના લગ્ન કરવા તૈયાર નથી. શરદ મોરેનો દાવો છે કે ગામમાં આશરે ૩૫૦ યુવાનો કુંવારા છે. પાણીની સમસ્યાને કારણે કોઈ પણ પરિવાર પોતાની દીકરીના લગ્ન અહીં કરવા તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં કૃષ્ણા ખીણ વિકાસ નિગમ દ્વારા સીના-માઢા સિચાઈ યોજના મારફતે તુલશી ગામને પાણી આપવાની વાત કરવામાં આવી હતી. જોકે, આ જાહેરાત બાદ પણ ગામમાં પાણીની સમસ્યા યથાવત છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
