<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ચીનમાં ગળ્‍યા પેસ્‍ટ્રી પર કીડા મૂકી વેચાઈ રહી છે આ અનોખી વાનગીઃ તસવીરો જોઈ લોકો સ્‍તબ્‍ધ

ચીનના ગુઆંગડોંગ પ્રાંતના શુન્‍ડેમાં એક રેસ્‍ટોરન્‍ટે મીઠા એગ ટાર્ટ પર તળેલા ડાઇવિગ બીટલ મૂકીને પીરસવાનું શરૂ કર્યું છે. આ પેસ્‍ટ્રીના ૩ નંગના સેટની કિંમત આશરે ૩૫૦ રૂપિયા છે. દેખાવમાં વંદા જેવો લાગતો આ કીડો પરંપરાગત ઔષધિય ગુણો માટે જાણીતો છે : હોંગકોંગથી પણ લોકો તેનો ક્રિસ્‍પી અને નમકીન સ્‍વાદ માણવા પહોંચી રહ્યા છે

ગુઆંગડોંગ,તા.૨૮: વિશ્વભરમાં પોતાની અજીબોગરીબ ખાનપાન શૈલી માટે જાણીતા ચીનમાંથી વધુ એક ચોંકાવનારો ફૂડ ટ્રેન્‍ડ સામે આવ્‍યો છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક રેસ્‍ટોરન્‍ટ દ્વારા પીરસવામાં આવતી એક ખાસ મીઠાઈ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જગાવી રહી છે. સામાન્‍ય રીતે એગ ટાર્ટ એક નરમ, મીઠી અને ક્રીમી પેસ્‍ટ્રી હોય છે, પરંતુ આ રેસ્‍ટોરન્‍ટમાં તેના ઉપર એક આખો તળેલો મોટો કીડો મૂકીને ગ્રાહકોને પીરસવામાં આવી રહ્યો છે.

ચીનના ગુઆંગડોંગ પ્રાંતના શુન્‍ડે વિસ્‍તારમાં સ્‍થિત એક સ્‍થાનિક રેસ્‍ટોરન્‍ટે આ અનોખી વાનગી શરૂ કરી છે. ઓક્‍ટોબર ૨૦૨૬ ની શરૂઆતથી આ રેસ્‍ટોરન્‍ટમાં ‘વોટર રોચ એગ ટાર્ટ' નામ આપીને તેનું સત્તાવાર વેચાણ શરૂ કરવામાં આવ્‍યું હતું.

દેખાવમાં આ કીડો વિશાળ કદના વંદા જેવો લાગતો હોવાથી પ્રથમ નજરે જોતાં જ લોકો ચોંકી ઊઠે છે. અંદરથી ક્રીમી પેસ્‍ટ્રી અને ઉપર કાળો-કથ્‍થઈ રંગનો તળેલો કીડો જોઈને શરૂઆતમાં ઘણા લોકો અણગમો વ્‍યક્‍ત કરે છે, છતાં તેની અનોખી રચનાને કારણે દુકાન પર ઉત્‍સુક લોકોની ભીડ જામી રહી છે.

રેસ્‍ટોરન્‍ટ દ્વારા આ વિચિત્ર પેસ્‍ટ્રીનું વેચાણ એક ખાસ સેટ તરીકે કરવામાં આવી રહ્યું છે. ત્રણ એગ ટાર્ટના એક સેટની કિમત ૨૮ ચીની યુઆન રાખવામાં આવી છે, જે ભારતીય ચલણ મુજબ આશરે ૩૫૦ રૂપિયા જેટલી થાય છે.

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર વાનગીની તસવીરો અને ગ્રાહકોના ટેસ્‍ટિંગ વીડિયો લાખોની સંખ્‍યામાં જોવાઈ રહ્યા છે. તેના વિચિત્ર નામ અને દેખાવના કારણે દેશ-વિદેશના ફૂડ બ્‍લોગર્સ અને યુઝર્સ તેના સ્‍વાદ અને ઘટકો વિશે જાણવા ઉત્‍સુક બન્‍યા છે.

રેસ્‍ટોરન્‍ટના માલિક પેનના જણાવ્‍યા મુજબ આ કીડો ઘરોમાં જોવા મળતો ગંદકીવાળો વંદો નથી. તે પાણીમાં રહેતો એક ખાસ પ્રકારનો ‘ડાઇવિગ બીટલ' છે, જે ખાવા માટે સંપૂર્ણપણે સલામત ગણાય છે.

દક્ષિણ ચીનના કેટલાક પરંપરાગત વિસ્‍તારોમાં આવા જળચર જીવડાંને તળીને ખાવાનો જૂનો ઈતિહાસ રહ્યો છે. આ ઉપરાંત પરંપરાગત ચીની ચિકિત્‍સામાં પણ આ બીટલનો ઔષધ તરીકે ઉપયોગ થતો આવ્‍યો છે.

સ્‍થાનિક લોકમાન્‍યતા મુજબ આ કીડો ત્‍વચા અને કિડનીના સ્‍વાસ્‍થ્‍ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ તે રક્‍ત પરિભ્રમણ સંબંધિત કેટલીક તકલીફોમાં રાહત આપતો હોવાનું કહેવાય છે, જોકે આ આરોગ્‍યલક્ષી દાવાઓને સમર્થન આપવા માટે હજુ પૂરતા આધુનિક વૈજ્ઞાનિક પુરાવા જરૂરી છે.

રેસ્‍ટોરન્‍ટના સંચાલકે જણાવ્‍યું કે આ વાનગી તૈયાર કરવા માટે ખાસ પ્રકારની રાંધણ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. સૌપ્રથમ આ કીડાઓને સ્‍વચ્‍છ પાણીમાં સાફ કરીને તેમની કુદરતી વાસ દૂર કરવામાં આવે છે.

ત્‍યારબાદ યોગ્‍ય તાપમાને તેને તેલમાં ડીપ ફ્રાય કરવામાં આવે છે જેથી તે સંપૂર્ણપણે ક્રિસ્‍પી અને કુરકુરા બની જાય. તળતી વખતે તેના પાંખોના મૂળ આકારને અકબંધ રાખવામાં આવે છે જેથી ગ્રાહકોને તેનો મૂળ અસલ લુક મળી શકે.

તળેલા કીડાને ગરમ એગ ટાર્ટની કસ્‍ટર્ડ સપાટી પર ગોઠવીને પીરસવામાં આવે છે. રેસ્‍ટોરન્‍ટ માલિકના મતે મીઠા ક્રીમી ટાર્ટ સાથે આ કીડાનો સ્‍વાદ ક્રિસ્‍પી પોટેટો ચિપ્‍સ જેવો થોડો નમકીન અને કુરકુરો લાગે છે, જે ગળ્‍યા અને ખારા સ્‍વાદનું અનોખું મિશ્રણ પૂરું પાડે છે.

આ વિચિત્ર ફૂડ કોમ્‍બિનેશનને લઈને ફૂડ લવર્સ વચ્‍ચે બે ભાગ પડી ગયા છે. કેટલાક લોકો તેને જોઈને જ મોં ફેરવી લે છે, જ્‍યારે સાહસિક ખાણીપીણીના શોખીનો તેનો સ્‍વાદ માણવા માટે ખૂબ ઉત્‍સુક બન્‍યા છે.

રિપોર્ટ અનુસાર ગુઆંગઝોઉ અને હોંગકોંગ જેવા આસપાસના મોટા શહેરોમાંથી પણ યુવાનો ખાસ આ વાનગીનો ટેસ્‍ટ કરવા શુન્‍ડે પહોંચી રહ્યા છે. રેસ્‍ટોરન્‍ટના સંચાલક અનુસાર દરરોજ આ અનોખા એગ ટાર્ટના સરેરાશ ૨૦ જેટલા સેટ સરળતાથી વેચાઈ જાય છે.

કેટલાક યુઝર્સ તેને દક્ષિણ ચીનની પરંપરાગત ખાદ્ય સંસ્‍કૃતિનું નવું આધુનિક સ્‍વરૂપ ગણાવી રહ્યા છે. જોકે આ વાનગી તેના સ્‍વાદ કરતાં તેના વિચિત્ર દેખાવને કારણે વધારે પબ્‍લિસિટી મેળવી રહી છે

(9:57 AM IST)