<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

આ વખતે પણ દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે આવશે પડતર દિવસ: જાણો ધનતેરસ, બેસતું વર્ષ અને લાભ પાંચમના મુહૂર્ત

આગામી નવરાત્રિ અને દિવાળીના તહેવારોને લઈને અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે જ્યોતિષીય તિથિના ગણિત મુજબ આ વખતે દિવાળી બાદ સોમવતી અમાસે પડતર દિવસ રહેશે.

અમદાવાદ : આસો નવરાત્રિ પર્વ નજીક આવતા જ રાજ્યભરમાં તહેવારોનો માહોલ જામવા લાગ્યો છે ત્યારે આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષ (બેસતા વર્ષ) વચ્ચે સોમવતી અમાસના કારણે એક પડતર દિવસ આવવાનો વિશેષ સંયોગ સર્જાયો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારોમાં તિથિનું વિશેષ મહત્વ હોય છે, જેને પગલે આગામી ૮ નવેમ્બરે દિવાળી અને ૧૦ નવેમ્બરે નૂતન વર્ષ ઉજવાશે જ્યારે વચ્ચે ૯ નવેમ્બરે પડતર દિવસ રહેશે.

 

તહેવારોની શ્રૃંખલાની વિગતો મુજબ, ૨૯ ઓક્ટોબરે કરવાચોથ અને ૧ નવેમ્બરે રવિપુષ્ય નક્ષત્રનો શુભ યોગ સર્જાશે. ત્યારબાદ ૫ નવેમ્બરના રોજ વાકબારસ, ૬ નવેમ્બરે ધનતેરસ અને ૭ નવેમ્બરે કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. ૮ નવેમ્બરને રવિવારના રોજ દિવાળી પર્વ પર ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનના વિશેષ કાર્યક્રમોનું આયોજન થશે.

 

દિવાળીના બીજા દિવસે એટલે કે ૯ નવેમ્બરને સોમવારના રોજ સોમવતી અમાસ હોવાથી આ દિવસ પડતર દિવસ તરીકે રહેશે. શાસ્ત્રોક્ત પરંપરા મુજબ પડતર દિવસના દિવસે મોટાભાગના પરિવારો દ્વારા કોઈ શુભ કે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.

 

ત્યારબાદ ૧૦ નવેમ્બરને મંગળવારે વિક્રમ સંવતનું નૂતન વર્ષ પ્રારંભ થશે અને ૧૧ નવેમ્બરે બુધવારે ભાઈબીજનો પર્વ ઉજવાશે. જ્યારે તહેવારોનો વિશેષ દિવસ ગણાતી લાભ પાંચમ ૧૪ નવેમ્બરને શનિવારના રોજ આવશે. વર્ષ ૨૦૨૨ માં પણ ખંડગ્રાસ સૂર્યગ્રહણને કારણે આવો જ તિથિ સંયોગ જોવા મળ્યો હતો.

 

દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મહાનગરોની બજારોમાં દશેરા બાદ ખરીદીનો ધમધમાટ જોવા મળશે. આ સાથે જ મુખ્ય મંદિરોમાં પણ દીપોત્સવ અને રોશનીથી વિશેષ સુશોભન કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

 

નૂતન વર્ષ અને દેવ દિવાળી બાદથી જ રાજ્યમાં લગ્નસરા સહિતના અન્ય તમામ શુભ મુહૂર્તો પણ શરૂ થઈ જશે. તહેવારોની આ સીઝનમાં કાપડ, જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં મોટો વેપાર થવાની વેપારીઓ આશા રાખી રહ્યા છે.

(9:03 PM IST)