News of Friday, 26th June 2026
એલોન મસ્ક પછી વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર CEO બન્યા આ ભારતીય: વાર્ષિક પેકેજ ₹૭,૭૫૦ કરોડ!
કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શંખ મિત્રાએ વૈશ્વિક સ્તરે રચ્યો ઈતિહાસ : અમેરિકાની દિગ્ગજ રિયલ એસ્ટેટ કંપની 'વેલટાવર'ના ચીફ બનીને વિશ્વના મોટા-મોટા ટેક અને ફાયનાન્સ બોસને પછાડ્યા

કોલકાતા: જ્યારે પણ વિશ્વના સૌથી અમીર કે સૌથી વધુ પગાર મેળવતા સીઈઓની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે એલોન મસ્કનું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. પરંતુ, ધ વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના અહેવાલે આખી દુનિયાને ચોંકાવી દીધી છે, કારણ કે આ યાદીમાં મસ્ક પછી બીજા ક્રમે ભારતીય મૂળના શંખ મિત્રાનું નામ સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળના કોલકાતાના વતની ૪૫ વર્ષીય શંખ મિત્રા હાલમાં યુએસ સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કંપની 'વેલટાવર' (Welltower) ના સીઈઓ છે. તેમનું વાર્ષિક પેકેજ આશરે ૮૨૧ મિલિયન યુએસ ડોલર એટલે કે ₹૭,૭૫૦ કરોડ કરતા પણ વધુ છે, જે તેમને વિશ્વના બીજા સૌથી મોંઘા સીઈઓ બનાવે છે.
આ આંકડો એટલો મોટો છે કે જો ગણતરી કરવામાં આવે તો તેમનો માસિક પગાર અંદાજે ₹૬૪૫ કરોડ અને રોજની કમાણી ₹૨૧ કરોડથી વધુ થાય છે. જો કે, શંખ મિત્રાના આ જંગી પેકેજનો લગભગ ૯૯% હિસ્સો રોકડમાં નથી પરંતુ કંપનીના સ્ટોક ગ્રાન્ટ એટલે કે શેરના સ્વરૂપમાં છે. આ શેર સંપૂર્ણપણે મેળવવા માટે કંપનીએ કેટલીક કડક શરતો રાખી છે, જે મુજબ જો તેઓ ૨૦૩૧ સુધી કંપનીમાં કાર્યરત રહેશે તો તેમને અડધો ભાગ મળશે, જ્યારે બાકીનો અડધો ભાગ કંપની આગામી પાંચ વર્ષમાં ૪૫% બજાર વૃદ્ધિ (માર્કેટ ગ્રોથ) હાંસલ કરશે ત્યારે જ મળશે.
૧૯૮૧ માં જન્મેલા શંખ મિત્રાની આ સફળતા પાછળ તેમનો મજબૂત શૈક્ષણિક પાયો છે. તેમણે કોલકાતાની પ્રતિષ્ઠિત જાદવપુર યુનિવર્સિટીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ પ્રખ્યાત કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું હતું. પ્રાઇસવોટરહાઉસકૂપર્સ (PwC) થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર શંખે ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ અને સિટાડેલ જેવી અગ્રણી નાણાકીય કંપનીઓમાં મહત્ત્વના હોદ્દા સંભાળ્યા બાદ ૨૦૧૬ માં વેલ્ટાવર કંપની જોઈન કરી હતી, જ્યાં પોતાની કુશળતાના દમ પર તેઓ આજે આ વૈશ્વિક શિખરે પહોંચ્યા છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
