News of Sunday, 10th May 2026
દુનિયાના ફેંકી દીધેલા કપડાંનું ‘કબરસ્તાન’ બન્યું ભારતનું આ શહેર: ફાસ્ટ ફેશનના નામે પાણીપતના લાખો કામદારોના ફેફસામાં ઠલવાઈ રહ્યું છે ‘ઝેર’, રહેવાસીઓ ચૂકવી રહ્યા છે મોટી કિંમત!
અમેરિકા-જાપાનનો કચરો ઉત્તર ભારતમાં લાવીને બનાવાય છે ધાબળા અને કાર્પેટ; રક્ષણાત્મક સાધનો વિના રાસાયણિક વરાળ અને ધૂળ વચ્ચે કામ કરતા મજૂરો કેન્સર અને અસ્થમાના શિકાર

પાણીપત, તા.૦૯: તમે જે કપડાં ‘જૂના’ ગણીને ફેંકી દો છો, તે ક્યારેય ગાયબ થતા નથી. હકીકતમાં, યુએસ, યુકે અને જાપાન જેવા દેશોમાંથી રિજેક્ટ થયેલા કપડાંનો દરિયો ટ્રકો ભરીને ઉત્તર ભારતના પાણીપત શહેરમાં ઠલવાય છે. ‘ટેક્સટાઈલ સિટી’ તરીકે ઓળખાતું આ શહેર આજે ફાસ્ટ ફેશન માટે દુનિયાનું અંતિમ સ્ટેશન બની ગયું છે. કાગળ પર આ રિસાયક્લિંગ પ્રક્રિયા પર્યાવરણ માટે વરદાન લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં તે અહીંના લાખો કામદારો અને પર્યાવરણ માટે ‘ધીમું ઝેર’ સાબિત થઈ રહી છે.
શ્વાસમાં ઉતરે છે કાપડના બારીક કણો
પાણીપતના અંધારિયા રિસાયક્લિંગ યુનિટ્સમાં હજારો કામદારો માસ્ક કે ગ્લોવ્સ વિના દિવસ-રાત કપડાંના ઢગલામાંથી બટનો અને ઝિપર્સ અલગ કરે છે. મશીનો જ્યારે કાપડને કાપે છે, ત્યારે હવામાં બારીક ફાઈબરના કણો ઉડે છે, જે કામદારોના શ્વાસમાં જઈને ફેફસાંને કાયમી નુકસાન (ફાઈબ્રોસિસ) પહોંચાડે છે. દાયકાઓથી અહીં કામ કરતા ‘રાજેશ’ (નામ બદલ્યું છે) જેવા મજૂરો સતત ઉધરસ અને શ્વાસની તકલીફથી પીડાય છે. છતાં, પેટનો ખાડો પૂરવા માટે તેમની પાસે આ ઝેરી હવા શ્વાસમાં લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
કેમિકલનો કહેર અને રંગીન ગંદુ પાણી
માત્ર હવા જ નહીં, પણ પાણીપતનું પાણી પણ હવે જોખમી બની ગયું છે. કાપડને બ્લીચ કરવા અને રંગવા માટે વપરાતા અત્યંત જલદ રસાયણો કોઈ પણ જાતના શુદ્ધિકરણ વિના ખુલ્લી ગટરોમાં વહાવી દેવામાં આવે છે. કામદારો ઉઘાડા હાથે આ એસિડિક કેમિકલ્સ સંભાળે છે, જેના કારણે તેમની ત્વચા પર ભયાનક ફોલ્લા પડી જાય છે. આ ઝેરી પાણી જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહ્યું છે. નજીકના ગામોમાં ૧૫ વર્ષ પહેલાં જે રોગો અજાણ્યા હતા, ત્યાં આજે કેન્સર, એલર્જી અને અસ્થમાના કેસોમાં ધરખમ વધારો થયો છે.
જવાબદારીનો અભાવ અને અનિશ્ચિત ભવિષ્ય
આ હાઈપ્રોફાઈલ રિસાયક્લિંગ ઉદ્યોગ મોટે ભાગે અનૌપચારિક ક્ષેત્ર પર ચાલે છે. અહીં કામદારોને કોઈ વીમો કે તબીબી સહાય મળતી નથી. ઉદ્યોગપતિઓ કામદારો પર દોષારોપણ કરે છે કે તેઓ માસ્ક પહેરતા નથી, જ્યારે નિષ્ણાતો માને છે કે સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ફળતાને કારણે આખું શહેર ‘ગેસ ચેમ્બર’ બની રહ્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) માં હાલમાં અનેક અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી જમીની સ્તરે કોઈ મોટું પરિવર્તન આવ્યું નથી.
દુનિયાની ફેશનને ‘નવું જીવન’ આપવાના આ ખેલમાં પાણીપતના ગરીબ મજૂરો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. જો વૈશ્વિક સપ્લાય ચેઇન અને સ્થાનિક તંત્ર જાગશે નહીં, તો ‘કાપડ શહેર’ તરીકેની પાણીપતની ઓળખ કાયમ માટે ‘ઝેરી શહેર’માં ફેરવાઈ જશે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
