<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

માટી અને ચૂનાથી બનેલું આ ઘર ગરમીમાં ઠંડુંને ઠંડીમાં ગરમ રહે છે

એકદમ દેશી સ્‍ટાઇલમાં બનેલા આ પાકા ઘરનું વિજ્ઞાન સમજવા અને સ્‍ટડી કરવા માટે મોટા આર્કિટેક્‍ટ્‍સ પણ મુલાકાત લે છે

સીતાપુર,તા.૫: મોટા ભાગે માટીમાંથી બનેલું કાચું ઘર ઇકો-ફ્રેન્‍ડ્‍લી ઇફેક્‍ટ આપતું હોય છે. જોકે ઉત્તર પ્રદેશનના સીતાપુરમાં એક પાકું મકાન છે જે મજબૂત હોવાની સાથે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્‍ડ્‍લી છે. દ્વિજેન્‍દ્રનાથ નામના ભાઈનું આ ઘર છે જે ગરમીમાં ઠંડું રહે છે અને ઠંડીમાં ગરમ રહે છે. એ ઘરને નામ આપવામાં આવ્‍યું છે સૂર્ય છાયા. આ મકાનમાં સામાન્‍ય કરતાં ત્રીજા ભાગનાં સિમેન્‍ટ અને લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. આ ઘરની દીવાલો સ્‍થાનિક માટીમાંથી બનાવવામાં આવી છે અને એને મજબૂતી આપવા માટે ચૂનો ભેળવાયો છે. દીવાલો અને બારીબારણાંની ગોઠવણ એવી છે કે ગરમ હવા આપમેળે આરપાર નીકળી જાય છે. બારીઓમાં જાળી ગોઠવવામાં આવી છે જેથી કુદરતી પ્રકાશ રહે છે. બે વર્ષ પહેલાં આ ઘર બનાવવામાં આવેલું. બારી-બારણાંઓની દિશા અને સાઇઝને કારણે ઘરમાં કુદરતી પવન અને પ્રકાશ એટલો રહે છે કે વીજળીનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે. માટીમાંથી બનેલા આ ઘરની છત પર ૧૭,૦૦૦ લીટર પાણી ભરી શકાય એવડી મોટી ટાંકી બનાવવામાં આવી છે. ટાંકીનો આકાર પણ મટકા જેવો છે જેથી પાણીનું પ્રેશર એક જગ્‍યા પર ન આવે. એકદમ દેશી સ્‍ટાઇલમાં બનેલા આ પાકા ઘરનું વિજ્ઞાન સમજવા અને સ્‍ટડી કરવા માટે મોટા આર્કિટેક્‍ટ્‍સ પણ મુલાકાત લે છે.

(9:56 AM IST)