<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ચોમાસામાં ધરતી પરનું સ્વર્ગ બની જાય છે મધ્યપ્રદેશનું આ ઐતિહાસિક નગર: જહાજ મહેલથી લઈને ઇકો પોઇન્ટ સુધીનું દરેક દ્રશ્ય પ્રવાસીઓને કરી દેશે મંત્રમુગ્ધ!

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ 'માંડુ'નો ઈતિહાસ અને કુદરતી સુંદરતા અદભુત: તાજમહેલની પ્રેરણા બનેલો હોશાંગ શાહનો મકબરો અને બાજ બહાદુર-રૂપમતીની અમર પ્રેમગાથા અહીંના પથ્થરોમાં આજે પણ જીવંત છે

ધાર (મધ્યપ્રદેશ), તા.26: જો તમે આ ચોમાસામાં કુદરતી હરિયાળીની સાથે ઐતિહાસિક સ્થાપત્ય કલાનો અદભુત સંગમ જોવા માંગતા હોવ, તો ભારતના હૃદય સમાન મધ્યપ્રદેશનું 'માંડુ' (અથવા માંડવ) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વિંધ્યાચલ પર્વતમાળા પર, સમુદ્ર સપાટીથી 2,000 ફૂટની ઊંચાઈએ આવેલું આ નાનકડું શહેર ચોમાસું બેસતા જ જાણે લીલી ચાદર ઓઢી લે છે. ઈન્દોરથી માત્ર 100 કિલોમીટર દૂર આવેલું માંડુ એક સમયે વિશ્વના સૌથી સમૃદ્ધ શહેરોમાંનું એક હતું, જે આજે તેની સ્થાપત્ય કલા માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની કામચલાઉ યાદીમાં સ્થાન પામ્યું છે.
પાણીમાં તરતો 'જહાજ મહેલ' અને હિંચકા ખાતો 'હિંડોલા મહેલ'
માંડુની ઓળખ સમાન 'જહાજ મહેલ' બે કૃત્રિમ તળાવો (કૂપર અને મુંજ સાગર) વચ્ચે બનેલો બે માળનો ભવ્ય મહેલ છે. ચોમાસામાં જ્યારે આ તળાવો પાણીથી છલકાય છે, ત્યારે દૂરથી જોતા એવું લાગે છે કે કોઈ વિશાળ જહાજ પાણીમાં લંગર નાખીને ઊભું હોય! તેની બરાબર બાજુમાં આવેલો છે 'હિંડોલા મહેલ', જેનો અર્થ ઝુલા થાય છે. આ મહેલની દિવાલોને ખાસ આર્કિટેક્ચરથી એવી રીતે વળાંક આપવામાં આવ્યો છે કે તે કોઈ હિંચકા જેવો ભાસ કરાવે છે.
તાજમહેલની પ્રેરણા: ભારતની પ્રથમ આરસપહાણની ઇમારત
જ્યારે પણ સફેદ આરસપહાણ (વ્હાઇટ માર્બલ)ની વાત આવે ત્યારે લોકોના મનમાં તાજમહેલનું નામ આવે છે, પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તાજમહેલ બન્યો તે પહેલાં માંડુમાં 'હોશાંગ શાહનો મકબરો' સફેદ આરસપહાણથી તૈયાર થઈ ચૂક્યો હતો. એવું કહેવાય છે કે મુઘલ શાસક શાહજહાંએ આગ્રામાં તાજમહેલ બનાવતા પહેલાં પોતાના મુખ્ય શિલ્પી ઉસ્તાદ હમીદને આ મકબરાની ડિઝાઈન અને સ્થાપત્યનો અભ્યાસ કરવા માટે ખાસ માંડુ મોકલ્યા હતા.
જામા મસ્જિદ અને સંગીતમય પ્રેમની નગરી
અહીં આવેલી ભવ્ય 'જામા મસ્જિદ' તેના 4 મોટા અને 80 નાના ગુંબજો માટે જાણીતી છે. આ મસ્જિદનું સાઉન્ડ એન્જિનિયરિંગ એટલું અદભુત છે કે માઇક્રોફોન કે સ્પીકર વગર પણ બોલાયેલો અવાજ મસ્જિદના ખૂણે-ખૂણા સુધી સ્પષ્ટ સંભળાય છે. આ ઉપરાંત, રાગ દીપકના માસ્ટર એવા સુલતાન બાજ બહાદુર અને રાગ મલ્હારની માસ્ટર રાણી રૂપમતીનો મહેલ તથા 'રૂપમતી પેવેલિયન' પણ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. રાણી રૂપમતી આ પેવેલિયન પરથી પવિત્ર નર્મદા નદીના દર્શન કરતા હતા, જે ચોમાસામાં પૂરબહારમાં વહેતી જોવા મળે છે.
જ્યાં અવાજ 35 કિલોમીટર દૂર સુધી ગુંજે છે!
માંડુનો 'ઇકો પોઇન્ટ' પ્રવાસીઓમાં ભારે કુતૂહલ જગાડે છે. અહીં દાઈ મહેલ તરફ મોં રાખીને જો મોટેથી બોલવામાં આવે તો અવાજની એવી પ્રતિધ્વનિ (ઈકો) થાય છે કે જાણે અવાજ ગુંજી રહ્યો હોય. જૂના જમાનાની અદભુત સ્થાપત્ય શૈલીના કારણે આ અવાજનો પડઘો માઇલો દૂર સુધી સંભળાતો હોવાનું માનવામાં આવે છે.
જો તમે પણ પ્રકૃતિના ખોળે શાંતિની પળો માણવા માંગતા હોવ, તો જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન માંડુની મુલાકાત લેવાનો સમય શ્રેષ્ઠ છે, જ્યાં વિંધ્યાચલની હરિયાળી ટેકરીઓ અને ખુશનુમા હવામાન તમારી સફરને હંમેશ માટે યાદગાર બનાવી દેશે.

(4:19 PM IST)