<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

રેલવે સ્ટેશન પર નાસ્તો કરીને રેપર ફેંકતા પહેલાં ૧૦૦ વાર વિચારજો: સ્વચ્છતાના નિયમો તોડ્યા તો ખિસ્સું થશે ખાલી, ₹૨,૦૦૦ સુધીના દંડની નવી જોગવાઈ!

ભારતીય રેલવેએ ૨૦૧૨ના નિયમોમાં કર્યો કડક સુધારો : પ્લેટફોર્મ, ટ્રેનના ડબ્બા કે રેલ પરિસરમાં કચરો ફેંકનાર સામે થશે આકરી કાર્યવાહી

રાંચી:  ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે હવે ખાવા-પીવાની વસ્તુઓના રેપર, પ્લાસ્ટિક બોટલ કે કચરો ગમે ત્યાં ફેંકવાની ટેવ ધરાવતા મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી વખતે કે મુસાફરી દરમિયાન જો તમે પરિસરમાં કચરો ફેંકશો, તો ભારે આર્થિક ફટકો પડી શકે છે. રેલવે બોર્ડે સ્ટેશન અને ટ્રેન પરિસરમાં સ્વચ્છતા સાથે ચેડાં કરતી પ્રવૃત્તિઓ માટેના દંડની રકમમાં ધરખમ વધારો કરવાનો આકરો નિર્ણય લીધો છે. હવે મુસાફરોએ સ્ટેશનો અને ટ્રેનમાં સ્વચ્છતા પ્રત્યે વધુ સભાન રહેવું પડશે.

અત્યાર સુધી રેલવે સ્ટેશનો કે ટ્રેનોમાં કચરો ફેંકવા બદલ ₹૧૦૦ થી ₹૫૦૦ સુધીનો સામાન્ય દંડ આકારવામાં આવતો હતો. પરંતુ, નવી સુધારેલી વ્યવસ્થા હેઠળ હવે આ દંડની રકમ વધારીને સીધી ₹૨,૦૦૦ સુધી કરી દેવામાં આવી છે. રેલવે મંત્રાલયે ભારતીય રેલવે (રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) નિયમો, ૨૦૧૨માં રેલવે અધિનિયમ, ૧૯૮૯ની કલમ ૬૦ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ આ અંગેનું નોટિફિકેશન જારી કર્યું હતું. આ કડક પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને શિક્ષા કરવાનો નહીં પરંતુ તેમનામાં સ્વચ્છતા પ્રત્યે આત્મસાત જાગૃતિ લાવવાનો અને મુસાફરોને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાનો છે.

રેલવે બોર્ડે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જારી કરેલા વ્યાપારી પરિપત્ર દ્વારા તમામ ઝોનલ રેલવેને આ નવા અને કડક નિયમોનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા આદેશ આપ્યો છે. આ અંતર્ગત સ્ટેશનો પર મોટા પોસ્ટરો, ટ્રેનના ડબ્બાઓમાં નોટિસ તેમજ રેડિયો, ટીવી, જાહેર જાહેરાતો અને અખબારો દ્વારા મુસાફરોને સતર્ક કરવામાં આવશે. આ ઉપરાંત, વસૂલાયેલા દંડની રકમનું પ્રોપર હિસાબ-કિતાબ રાખવા માટે સ્થાનિક સ્તરે ખાસ અધિકારીઓ પણ નિયુક્ત કરાશે અને ચીફ કોમર્શિયલ મેનેજર દ્વારા રેલવે બોર્ડને આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવામાં આવશે.

(6:38 PM IST)