News of Wednesday, 25th November 2026
યુવાનોના હક માટે રસ્તા પર ઉતાર્યા, હવે રસ્તો જ ભૂલી ગયા? ક્યાં છે ‘કોકરોચ જનતા પાર્ટી?'
શિક્ષણમંત્રીના રાજીનામાં પછી આંદોલનની ગતિ ધીમી પડીઃ યુવાનોની શક્તિ દેખાઈ, પણ સંગઠન ઊભું ન થયું : અમેરિકામાં વિપક્ષની વાપસી, ભારતમાં પડકાર કેમ?સરકાર સામે વિરોધ ઊભો કરવો અને પછી ચૂંટણીમાં રાજકીય સફળતા મેળવવી બે અલગ બાબતો છે

નવી દિલહી તા.૨૫: ભારતમાં ‘કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ થોડા જ સમયમાં કેન્દ્ર સરકાર સામે મોટું આંદોલન ઊભું હતું. નીટ પેપર લીકના મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં સુધી પહોંચેલા આ વિરોધે શરૂઆતમાં યુવાનોનું ધ્યાન ખેંચ્યું, પરંતુ હવે તેની ઓનલાઈન લોકપ્રિયતા ઘટી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે શરૂ કરાયેલું અભિયાન પણ અપેક્ષિત પરિણામ આપી શક્યું નથી. સવાલ એ છે કે જે આંદોલને સરકારને પડકાર આપી ચર્ચા જગાવી હતી, તે હવે ક્યાં છે અને તેની આગળની રણનીતિ શું છે?
CJPની શરૂઆત ૧૬ મે, ૨૦૨૬ના રોજ એક વ્યંગાત્મક ઓનલાઈન સમૂહ તરીકે થઈ હતી. માત્ર ૧૦ અઠવાડિયામાં તેણે સરકાર વિરુદ્ધ મોટું પ્રદર્શન ઊભું કર્યું, જેને ૨૦૧૪ પછીના સૌથી મોટા સરકાર વિરોધી માર્ગ આંદોલનમાંનું એક ગણાવવામાં આવ્યું. તેના દબાણ વચ્ચે ૨૫ જુલાઈએ તત્કાલીન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. જોકે, નવેમ્બર સુધીમાં આંદોલનની ઓનલાઈન લોકપ્રિયતા ઘટી ગઈ. ઓક્ટોબરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે ચલાયેલું અભિયાન પણ સફળ ન થયું. સરકારે મુખ્ય પ્રદર્શન સ્થળ પરતહી આંદોલનકારીઓએ હટાવ્યા અને તેના બે નેતાઓને જેલમાં મોકલ્યા. ત્યાર બાદ પ્રાસંગિકતા જાળવવા માટે ‘કોકરોચ ક્લબ' શરૂ કરવામાં આવ્યું જેમાં કોમેડી નાઇટ્સ યોજાય છે.
આંદોલનનું મુખ્ય લક્ષ્ય શિક્ષણમંત્રીનું રાજીનામું બની ગયું હતું. તેના બદલે આ મુદ્દાને શિક્ષણ વ્યવસ્થામાં લાંબા ગાળાના સુધારા અને વ્યાપક રાજકીય કાર્યક્રમમાં ફેરવવાની દિશામાં પૂરતું કામ થયું નહીં. ઓક્ટોબરમાં CJPએ SIR અને ‘વોટ ચોરી'ના મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી. આ રીતે શિક્ષણ અને ચૂંટણી વ્યવસ્થાના સુધારા જેવી બે અલગ માંગણીઓ માટે એક વ્યક્તિના રાજીનામાને ઉકેલ તરીકે રજૂ કરવામાં આવ્યો. રાજકીય વિશ્લેષકોના મતે, આંદોલન કોઈ વ્યાપક વિચારધારા કે નક્કર રાજકીય કાર્યક્રમ ઊભો કરી શક્યું નહીં.
જાદવપુર યુનિવર્સિટીના રાજનીતિશાષાના પ્રોફેસર અબ્દુલ મતીનના મતે, CJP રાજકીય માંગણીઓને વ્યાપક વિચારધારા અને કાર્યક્રમમાં ફેરવવામાં નિષ્ફળ રહી. તેમના કહેવા પ્રમાણે, આ આંદોલન કદાચ લોકોનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. જોકે, યુવાનોએ એ બતાવ્યું કે સરકારને વાતચીત માટે તૈયાર કરવા રસ્તા પર ઉતરવું જરૂરી બની શકે છે. તેઓ આંદોલનને કોઈ રાજકીય પક્ષ કે લાંબા સમય સુધી ટકી રહે તેવી સંગઠિત ચળવળને બદલે એક ચોક્કસ રાજકીય ક્ષણ તરીકે જુએ છે. મતીનના મતે, માત્ર શિક્ષણમંત્રીનું રાજીનામું મોટો બદલાવ નહોતો, પરંતુ યુવાનોની એકતાએ સરકારને પડકાર આપી શકવાની તેમની ક્ષમતા દર્શાવી હતી.
CJPની સરખામણી બાંગ્લાદેશ અને નેપાળનાં જનરેશન-ઝેડ આંદોલનો સાથે કરવામાં આવી હતી. ત્યાં યુવા આંદોલનોએ સત્તા પરિવર્તનમાં ભૂમિકા ભજવી, જ્યારે ભારતમાં ઘ્થ્ભ્નું આંદોલન શિક્ષણમંત્રીના રાજીનામા સુધી મર્યાદિત રહ્યું. બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવનારા યુવા આંદોલનમાંથી બનેલી નેશનલ સિટિઝન પાર્ટીને ફેબ્રુઆરી ૨૦૨૬ની ચૂંટણીમાં માત્ર છ બેઠકો અને આશરે ત્રણ ટકા મત મળ્યા હતા. આ ઉદાહરણ દર્શાવે છે કે સરકાર સામે વિરોધ ઊભો કરવો અને પછી ચૂંટણીમાં રાજકીય સફળતા મેળવવી બે અલગ બાબતો છે. ભારતમાં ભાષા, જાતિ અને પ્રાદેશિક ઓળખના કારણે યુવાનો એક જ રાજકીય ઓળખ હેઠળ સંગઠિત થવામાં મુશ્કેલી અનુભવે છે. રાજકીય વિશ્લેષક આસિમ અલીના મતે, આ ઓળખો ઘણીવાર યુવાનોને એકબીજાની સામે પણ ઊભા કરી શકે છે.
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની વાપસીની શરૂઆત ન્યૂયોર્કના મેયરપદની ચૂંટણીથી થઈ હતી. ઝોહરાન મમદાનીયે મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સામાન્ય લોકો, ખાસ કરીને કામદાર વર્ગને સંગઠિત કર્યો. તેમની આ રણનીતિએ ૨૦૨૪ની ચૂંટણી પછી નિષ્ક્રિય બનેલી ડેમોક્રેટિક પાર્ટીને ફરી સક્રિય કરવામાં મદદ કરી. બીજી તરફ, લેખક દેવાશીષ રોય ચૌધરીના મતે, ભારતીય રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો અભાવ છે. પક્ષો ઉપરથી નીચે સુધી ચાલે છે અને ઘણી જગ્યાએ વંશવાદી નેતૃત્વ જોવા મળે છે. તેમના મતે, ભારતમાં મમદાની જેવા બળવાખોર નેતાને પક્ષની ટિકિટ મળવી પણ મુશ્કેલ બની શકે છે, કારણ કે ઉમેદવારોની પસંદગી મોટાભાગે પક્ષના શક્તિશાળી નેતાઓના હાથમાં હોય છે. પરિણામે નવા વિચારો, નવા નેતૃત્વ અને સામાજિક જોડાણો માટે પક્ષોની અંદર પૂરતી જગ્યા ઊભી થતી નથી.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
