તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
“૧૨ વર્ષ સુધી તારીખો જ આપતા રહ્યા અને મારી દીકરી મરી ગઈ”: દિલ્હી AIIMS ની ઘોર બેદરકારી સામે માતા-પિતાના આક્રંદથી સન્નાટો; ન્યાયની માંગ
હૃદય રોગથી પીડાતી ૧૬ વર્ષીય તન્વીનું સર્જરી વિના નિધન; PMO માં ફરિયાદ કરવા છતાં તબીબોએ સર્જરી ના કરી હોવાનો પિતાનો ગંભીર આરોપ

નવી દિલ્હી : દેશની સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ગણાતી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૧૪ વર્ષથી હૃદયની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલી ૧૬ વર્ષીય તન્વીનું ઓપરેશન ન થવાને કારણે મંગળવારે અવસાન થયું છે. બાળકીના પિતા મુકેશ પરિયાણીએ હોસ્પિટલના તબીબો પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેમની દીકરીને માત્ર તારીખો જ આપવામાં આવી અને જાણીજોઈને ઓપરેશન ટાળવામાં આવ્યું, જેના કારણે તેને જીવ ગુમાવવો પડ્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ સૌપ્રથમ ૧૦ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ તન્વીને લઈને AIIMS ની OPD માં આવ્યા હતા. એક વર્ષ સુધી વિવિધ તપાસ કર્યા બાદ તેમને સર્જરી માટે બ્લડ અને પૈસા જમા કરાવવા કહેવાયું હતું, જે તેમણે એપ્રિલ ૨૦૧૪ માં જમા કરાવી દીધા હતા. તેમ છતાં, ઓપરેશનની તારીખો સતત આગળ ઠેલવવામાં આવી હતી. કંટાળીને પરિવારે વડાપ્રધાન કાર્યાલય (PMO) માં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ પાછી ખેંચવાનું દબાણ અને તબીબોની બેદરકારી
પિતા મુકેશ પરિયાણીનો ચોંકાવનારો આરોપ છે કે PMO માં ફરિયાદ કર્યા બાદ ડૉક્ટરે તેમને બોલાવ્યા તો ખરા, પરંતુ સ્પષ્ટ કહી દીધું કે જ્યાં સુધી ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ઓપરેશન કરવામાં નહીં આવે. ૨૦૧૫ થી લઈને ૨૦૨૫ સુધી પરિવાર સતત હોસ્પિટલના ચક્કર કાપતો રહ્યો, અનેક પ્રકારના ટેસ્ટ કરાવતો રહ્યો, પરંતુ સર્જરી ક્યારેય કરવામાં આવી નહીં. અંતે ૨૦૨૬ માં તબીબોએ એવું કહીને હાથ ઊંચા કરી દીધા કે બાળકી દવાઓથી જ ઠીક થઈ જશે.
પુત્રીને ગુમાવ્યા બાદ માતા ભાવિકા પરિયાણીએ ભારે હૃદયે આક્રંદ કરતા કહ્યું, "મારી દીકરી હૃદયની દર્દી હતી અને ડોક્ટરોની ઘોર બેદરકારીએ તેનો જીવ લીધો છે." પીડિત પરિવારે સરકાર અને ઉચ્ચ સત્તાધીશો પાસે તપાસની માંગ કરી છે અને દોષિત ડોક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ન્યાય આપવાની અપીલ કરી છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
