<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

એર ઈન્ડિયામાં છટણીનો કોઈ ખતરો નથી, પરંતુ કર્મચારીઓને હવે ખર્ચ પર કાપ મૂકવો પડશે: મધ્ય પૂર્વના યુદ્ધની એરલાઇન્સ પર ગંભીર અસર

પગાર વધારો પાછો ઠેલાયો: સીઈઓ કેમ્પબેલ વિલ્સને 'લેઝર શાર્પ ફોકસ' સાથે બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે કર્મચારીઓને આપ્યો આદેશ

નવી દિલ્હી:  ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સ કંપની એર ઈન્ડિયાએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આર્થિક દબાણ હેઠળ હોવા છતાં તેના કર્મચારીઓને મોટી રાહત આપી છે. શુક્રવારે મળેલી એક ટાઉનહોલ મીટિંગમાં કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) રવિન્દ્ર કુમાર જીપીએ ખાતરી આપી હતી કે કંપની અત્યારે કોઈ છટણી (layoffs) કરવાની યોજના ધરાવતી નથી. આ સમાચારથી લાખો કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
જોકે, આર્થિક ભારણ ઘટાડવા માટે કંપનીએ કેટલાક કડક પગલાંની પણ જાહેરાત કરી છે. રવિન્દ્ર કુમારે જણાવ્યું કે અનિશ્ચિત આર્થિક સ્થિતિને કારણે કર્મચારીઓના વાર્ષિક પગાર વધારાને (Increment) ઓછામાં ઓછા એક ક્વાર્ટર એટલે કે ત્રણ મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે, પાછલા નાણાકીય વર્ષનો વેરિયેબલ પે અને પ્રમોશનની પ્રક્રિયા અગાઉના પ્લાન મુજબ જ ચાલુ રહેશે.
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં આપણે ખર્ચ પર 'લેઝર શાર્પ ફોકસ' રાખવું પડશે. તેમણે બિનજરૂરી ખર્ચાઓ સ્થગિત કરવા, સર્વિસના દરો ફરીથી વાટાઘાટો કરીને ઘટાડવા અને બિન-જરૂરી ખરીદીઓને પાછી ઠેલવા માટે આદેશ આપ્યો છે. વિલ્સને સ્પષ્ટપણે કહ્યું કે કોઈપણ પ્રકારનો બગાડ કે લીકેજ સાંખી લેવામાં આવશે નહીં.
મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે એરલાઇન્સ સેક્ટર પર બેવડો માર પડ્યો છે. એક તરફ એરસ્પેસ પર પ્રતિબંધોને કારણે ફ્લાઇટના રૂટ લાંબા થયા છે, તો બીજી તરફ વિમાનના ઈંધણ (Jet Fuel) ના ભાવમાં ધરખમ વધારો થયો છે. એર ઈન્ડિયા હાલમાં તેના આધુનિકીકરણ અને નફાકારકતા વધારવાના મહત્વકાંક્ષી પ્લાન પર કામ કરી રહી છે, ત્યારે આ વૈશ્વિક સંકટ તેના માટે મોટો પડકાર બનીને ઉભું થયું છે.

(7:01 PM IST)