News of Friday, 8th May 2026
"લાડકી બહેન માટે પૈસા છે, પણ નિરાધાર બાળકોનું શું?": બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો, બાળ સુરક્ષામાં બેદરકારી બદલ આકરા સવાલો
બાળ દીઠ માત્ર 2,000 રૂપિયાની સહાય 'અત્યંત અપૂરતી': કોર્ટે કહ્યું- ચૂંટણીલક્ષી યોજનાઓ પાછળ કરોડોનો ધુમાડો, પણ અવાજ વગરના બાળકોની સુરક્ષા રામ ભરોસે?

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે બાળ કલ્યાણ અને સુરક્ષાના મુદ્દે મહારાષ્ટ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા રાજ્યની પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. લાતુરના એક ચિલ્ડ્રન હોમ (બાળ ગૃહ) માટે ફંડિંગની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, "તમે 'મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના' જેવી લોકપ્રિય યોજનાઓ હેઠળ છૂટા હાથે નાણાં વહેંચી રહ્યા છો, પરંતુ રક્ષણની જરૂર હોય તેવા અસહાય બાળકોનું શું?"
સુનાવણી દરમિયાન સામે આવ્યું કે રાજ્ય સરકાર ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકો માટે દર મહિને માત્ર 2,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ નજીવી રકમમાંથી 1,500 રૂપિયા બાળકની સંભાળ અને ભરણપોષણ માટે અને 500 રૂપિયા વહીવટી ખર્ચ માટે ફાળવવામાં આવે છે. કોર્ટે આ રકમને 'અત્યંત અપૂરતી' ગણાવતા પ્રશ્ન કર્યો હતો કે આટલી ઓછી રકમમાં બાળકના પોષણ, શિક્ષણ અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કેવી રીતે શક્ય છે?
હાઈકોર્ટની બેન્ચે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, બાળ સુરક્ષા અને કલ્યાણ એ રાજ્યની સર્વોચ્ચ બંધારણીય જવાબદારી છે. માત્ર ચૂંટણીલક્ષી ગણતરીઓને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવી અને જે બાળકોનો કોઈ અવાજ નથી તેમને અવગણવા તે શાસનની નિષ્ફળતા દર્શાવે છે. જજ સાહેબે વધુમાં ઉમેર્યું કે, જાહેર ભંડોળની વહેંચણીમાં બંધારણના સમાનતાના સિદ્ધાંતને ભૂલવો જોઈએ નહીં.
કોર્ટે ચેતવણી આપી છે કે જો બાળ કલ્યાણ માટેના માળખાગત સુવિધાઓની અવગણના ચાલુ રહેશે, તો તેના લાંબા ગાળે ગંભીર સામાજિક પરિણામો આવી શકે છે. સરકારને આ બાબતે ગંભીરતા દાખવવા અને બાળ ગૃહો માટે પૂરતી ગ્રાન્ટ અને કર્મચારીઓના પગારની યોગ્ય વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં ચાલી રહેલી 'રેવડી સંસ્કૃતિ' સામે કોર્ટની આ ટકોરે રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા જગાડી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
