તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 12th September 2026
એશિયન ગેમ્સ પહેલાં ભારતીય રમતજગતમાં ભારે ખળભળાટ: વુશુ ઍથ્લીટ દિવ્યાંશી ચૌધરીનો ટીમમાંથી કાઢી મુકાતાં આત્મહત્યાનો આક્રોશ, સત્તાના દુરુપયોગના આપ્યા ગંભીર આક્ષેપો
અંતિમ ઘડીએ નામ કાપીને અર્જુન એવોર્ડી રોશિબીના દેવીને સ્થાન અપાતાં વિવાદ ઉગ્ર બન્યો: માનસિક અને શારીરિક સતામણીનો આરોપ લગાવી ૧૮ વર્ષીય ખેલાડી સોશિયલ મીડિયા પર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી

નવી દિલ્હી : ૧૯મી સપ્ટેમ્બરથી જાપાન ખાતે શરૂ થઈ રહેલી આગામી એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલાં જ ભારતીય ખેલોત્સવની છાવણીમાં એક અત્યંત ચોંકાવનારો અને દુઃખદ વિવાદ સામે આવ્યો છે. ભારતની ૧૮ વર્ષીય ઉભરતી વુશુ ખેલાડી દિવ્યાંશી ચૌધરીએ છેલ્લી ઘડીએ જાપાન જનારી ભારતીય ટીમમાંથી તેને અન્યાયી રીતે બહાર કરી દેવામાં આવતાં પોતાનો જીવ ટૂંકાવી લેવાની ગંભીર ધમકી આપી છે. દિવ્યાંશીનો એક ૯ મિનિટનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર દેશના રમતગમત ક્ષેત્રમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, ૬૦ કિલો સૅન્ડા કૅટેગરી માટે દિવ્યાંશીને જૂન મહિનામાં જ ટીમમાં પસંદ કરીને જર્સી પણ આપી દેવામાં આવી હતી. પરંતુ ૧૧ સપ્ટેમ્બરના રોજ અચાનક અપડેટ કરાયેલી યાદીમાં તેના સ્થાને પૂર્વ એશિયન ગેમ્સની સિલ્વર મેડલિસ્ટ અને અર્જુન એવોર્ડી રોશિબીના દેવીને સામેલ કરી દેવાઈ હતી. સોશિયલ મીડિયા પર પોતાની હૃદયદ્રાવક વ્યથા ઠાલવતા દિવ્યાંશીએ આરોપ લગાવ્યો હતો કે તેને કોઈ પણ કારણ આપ્યા વિના કે ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કરવાનો મોકો આપ્યા વિના જ ટીમમાંથી ફેંકી દેવામાં આવી છે. તેણે વધુમાં ઉમેર્યું કે શ્રીનગરમાં યોજાયેલા નેશનલ કેમ્પ દરમિયાન તેની સતત માનસિક અને શારીરિક સતામણી કરવામાં આવી હતી અને તેને ઈજાગ્રસ્ત કરવાનો પણ પ્રયાસ થયો હતો.
બીજી તરફ, વુશુ ફેડરેશને આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તબીબી તપાસ દરમિયાન દિવ્યાંશીને સાથળ અને ઘૂંટણના સ્નાયુઓમાં ગંભીર ઈજા હોવાનું સામે આવ્યું હતું. જોકે, દિવ્યાંશીના કોચ અશોક ગૌતમે ફેડરેશનના આ દાવોને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે દિવ્યાંશીની ઈજા સામાન્ય હતી અને તે છેલ્લા એક વર્ષની તમામ ટ્રાયલ્સમાં સતત પ્રથમ ક્રમાંકે રહીને નંબર-વન ઍથ્લીટ બની છે.
કોચે વધુમાં ઉમેર્યું હતું કે રોશિબીના દેવી સિલેક્શન ટ્રાયલમાં દિવ્યાંશી સામે હારી ચૂકી હતી અને તે ચોથા નંબરે આવી હતી. આમ છતાં, પોતાની પહોંચ અને સત્તાનો દુરુપયોગ કરીને ફેડરેશન અને ખેલ મંત્રાલય પર દબાણ લાવીને દિવ્યાંશીનું નામ કાપી પોતાનું નામ ઘુસાડવામાં આવ્યું છે. હાલમાં ૧૮ વર્ષની યુવા ખેલાડીની આવી આઘાતજનક સ્થિતિ અને સિલેક્શનમાં થયેલી કથિત ગેરરીતિ સામે આવતાં જ સોશિયલ મીડિયા પર વુશુ ફેડરેશન વિરુદ્ધ વિરોધનો સૂર ઘેરો બન્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ ઉઠી છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
