News of Thursday, 16th July 2026
સોનમ વાંગચુકની તબિયતને કારણે દેશભરમાં ભારે ચિંતાનો માહોલ: કોમેડિયન સમય રૈનાએ પણ વાંગચુકના સમર્થનમાં ભાવુક પોસ્ટ કરી
સમય રૈના, સોનાક્ષી સિંહા, અનુરાગ કશ્યપ અને રાખી સાવંત સહિત અનેક સેલેબ્સે તેમના સમર્થનમાં અવાજ ઉઠાવી સરકારને સંવાદ શરૂ કરવાની અપીલ કરી

લદ્દાખના જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળ આજે 19મા દિવસમાં પ્રવેશી ચૂકી છે. સોનમ વાંગચુકના સતત ઘટી રહેલા વજન અને કથળતી જતી તબિયતને કારણે સમગ્ર દેશમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ દેશના મોટા સેલેબ્સ પણ તેમની આ ગંભીર સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે અને સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાએ તાજેતરમાં સોનમ વાંગચુકના સમર્થનમાં એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં વાંગચુકની એક તસવીર મૂકવામાં આવી છે, જેમાં તેઓ શારીરિક રીતે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. સમય રૈનાએ આ ફોટો સાથે એક ભાવુક કેપ્શન લખતા જણાવ્યું કે, "હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે સોનમ વાંગચુક જલ્દી સ્વસ્થ થાય અને સરકાર સાથે સકારાત્મક વાતચીત દ્વારા આ સમગ્ર મામલાનો સુખદ અંત આવે." આ સાથે તેણે એક ઉદાસી વ્યક્ત કરતું સેડ ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પણ આ ગંભીર મુદ્દા પર સરકારની શાંતિ સામે આકરી નારાજગી વ્યક્ત કરી છે. સોનાક્ષીએ કહ્યું કે, હવે તે દેશની આવી પરિસ્થિતિ પર મૌન રહી શકે તેમ નથી. તેમણે ઉમેર્યું કે સોનમ વાંગચુક દેશના યુવાનોના ભવિષ્ય માટે છેલ્લા 18-19 દિવસથી અન્નનો ત્યાગ કરીને બેઠા છે, છતાં સરકાર તરફથી કોઈ તેમની તરફ જોઈ રહ્યું નથી કે નથી કોઈ સત્તાવાર ચર્ચા કરવા તૈયાર. જો તેમના સ્વાસ્થ્યને કંઈ પણ નુકસાન થશે, તો તેની જવાબદારી કોની રહેશે?
જાણીતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પણ સરકારના વલણની આકરી ટીકા કરી છે. તેમણે બુધવારે સોનમ વાંગચુકની ભૂખ હડતાળને સંપૂર્ણ સમર્થન આપતા કહ્યું કે હવે બધી હદ વટાવી રહી છે. આ ઉપરાંત, આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને પણ ચિંતા વ્યક્ત કરી વાંગચુકને પોતાની ભૂખ હડતાળ પૂરી કરવા માટે અંગત અનુરોધ કર્યો છે.
પોતાના અંદાજ માટે જાણીતી સેલિબ્રિટી રાખી સાવંતે પણ આ બાબતે સંવેદનશીલતા દાખવી છે. તેણે જણાવ્યું કે તે સોનમ વાંગચુકની હેલ્થને લઈને ઘણી ચિંતિત છે અને તે પોતે દિલ્હીના જંતર-મંતર જશે અને ત્યાં રૂબરૂ મળીને વાંગચુકની ભૂખ હડતાળ પૂરી કરાવવાનો પ્રયત્ન કરશે.
નોંધનીય છે કે, સોનમ વાંગચુકે ગત 28 જૂનના રોજ પોતાની આ ભૂખ હડતાળ શરૂ કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર તેમની અત્યંત નબળી શારીરિક સ્થિતિની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેમનું વજન ખૂબ જ ઘટી ગયું છે, તેમ છતાં તેઓ પોતાના નિર્ણય પર મક્કમ છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સાંભળીને સત્તાવાર વાર્તાલાપ શરૂ નહીં કરે, ત્યાં સુધી તેઓ આ આંદોલન ચાલુ રાખશે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
