<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી એ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ઘોર વિશ્વાસઘાત, ભાજપ અને આરએસએસની રાજકીય લૂંટના કારણે પહેલીવાર કોઈ મંદિર લૂંટાયું - કોંગ્રેસ નેતા અશોક ગહેલોતનો પ્રહાર

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં કરોડોના આર્થિક કૌભાંડના આક્ષેપો સાથે સમગ્ર ટ્રસ્ટને તાત્કાલિક ભંગ કરવા માંગ : ચંપત રાય અને અનિલ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધી ધરપકડ કરવાની તથા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ સાથે તપાસ કરાવવા ગુજરાત કોંગ્રેસની આક્રમક રજૂઆત

અમદાવાદ: અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય "રાજીવ ગાંધી ભવન" ખાતે આયોજિત એક વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે કેન્દ્ર સરકાર અને ભાજપ-આરએસએસ (BJP-RSS) પર આકરા પ્રહારો કર્યા છે. અખબારી યાદી અનુસાર, અશોક ગહેલોત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેઓ આ પત્રકાર વાર્તામાં પણ ઉપસ્થિત રહ્યા હતા. અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી એ માત્ર કોઈ સામાન્ય આર્થિક કૌભાંડ નથી, પરંતુ આ દેશના અને દુનિયાના કરોડો રામભક્તોની આસ્થા, વિશ્વાસ અને ધાર્મિક લાગણીઓ સાથે થયેલો ઘોર વિશ્વાસઘાત છે. ભગવાન શ્રીરામના નામે દેશભરના ગરીબો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓએ પોતાની મહેનતની કમાણી, બચત અને દાગીના ફાળા સ્વરૂપે આપ્યા હતા, જે હવે ભાજપ અને સંઘ પરિવારની રાજકીય લૂંટનો ભોગ બન્યો છે. દેશના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મંદિર આરએસએસ અને ભાજપના સીધા નિયંત્રણમાં આવ્યું અને તે લૂંટાઈ ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈના મૌન સામે સવાલો: પીએમઓ (PMO) ની ભૂમિકા અંગે આક્ષેપ:

પત્રકાર પરિષદમાં અશોક ગહેલોતે સીધો સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સીધી દેખરેખ હેઠળ થઈ હતી, અને તેના વહીવટી માળખા સહિત સર્વોચ્ચ નિમણૂકોમાં વડાપ્રધાન કાર્યાલય (PMO) ની સક્રિય ભૂમિકા રહી છે, તો આ કૌભાંડની મુખ્ય જવાબદારી કોણ લેશે? આટલા ગંભીર આક્ષેપો અને તથ્યો સામે આવ્યા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આ આખા પ્રકરણ પર મૌન કેમ સેવી રહ્યા છે? જો બધું જ બરાબર અને પારદર્શક હતું, તો ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા કેમ સ્વીકારવામાં આવ્યા? આ રાજીનામા જ દર્શાવે છે કે મામલો વહીવટી ભૂલનો નથી પરંતુ અતિ મોટા કૌભાંડનો છે. કેન્દ્રની ડબલ એન્જિન સરકાર માત્ર નાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને મોટી માછલીઓને બચાવવા માટે લીપાપોતી કરી રહી છે.

 

અયોધ્યાની મહંત પરંપરા દૂર કરી સંઘનો કબજો, કરોડોના અંધાધૂંધ ખર્ચની તપાસ શરૂ:

કોંગ્રેસ નેતાએ સંઘી વ્યવસ્થા પર આક્ષેપ કરતાં કહ્યું કે, રામ મંદિર આંદોલન માટે લડનારા અયોધ્યાના મૂળ સંતો અને મહંત પરંપરાને જાણીજોઈને દૂર રાખવામાં આવી છે જેથી આરએસએસ મંદિર પર સંપૂર્ણ કબજો કરી શકે. ચંપત રાયને હટાવીને હવે આરએસએસના પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી કૃષ્ણમોહનને નવા મહાસચિવ બનાવી દેવાયા છે, જેમના પર આખા પ્રકરણને દબાવી દેવાના આરોપો લાગ્યા છે. હાલમાં એસઆઇટી (SIT) દ્વારા રામ મંદિરના મોટા આયોજનોના ખર્ચની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ યોજાયેલી પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે ₹૧૧૩ કરોડ ખર્ચાયા હતા, જેમાં ૮૦૦૦ અતિથિઓ આવ્યા હતા. આ સિવાય ૨૫ નવેમ્બર ૨૦૨૫ના ધ્વજારોહણ કાર્યક્રમ પાછળ ₹૧૦.૧૨ કરોડનો ધૂમ ખર્ચ કરાયો છે. મંદિરમાં નકલી રસીદો ફાડવી, રોકડ ચઢાવાનો હિસાબ ન રાખવો અને નાણાકીય ગેરરીતિઓના ગંભીર આરોપો લાગ્યા છે, જેમાં ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીની સર્વોચ્ચ જવાબદારી હોવા છતાં તેઓ પણ નિવેદનો આપી રહ્યા છે, જ્યારે વિશેષ આમંત્રિત સભ્ય ગોપાલ રાવ (ગોપાલ નગરકોટે)ને હટાવવા અંગે ભારે વિરોધાભાસ પ્રવર્તી રહ્યો છે. ભાજપ-આરએસએસ પર માત્ર રામ મંદિર જ નહીં, પરંતુ ઉત્તરાખંડના પ્રખ્યાત શ્રી બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલા તાજેતરના દાન કૌભાંડ અંગે પણ આંગળી ચિંધવામાં આવી છે.

વર્તમાન ટ્રસ્ટ ભંગ કરી નવું ટ્રસ્ટ રચવા અને ફોરેન્સિક ઓડિટ કરાવવા કોંગ્રેસની મુખ્ય માંગણીઓ:

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા આ પત્રકાર પરિષદના માધ્યમથી કેન્દ્ર સરકાર સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ તાત્કાલિક ધોરણે પૂરી કરવા આહ્વાન કરવામાં આવ્યું છે:

  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના તત્કાલીન મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા તેમજ આ કૌભાંડમાં સામેલ તમામ પ્રભાવશાળી વ્યક્તિઓ વિરુદ્ધ તુરંત એફઆઈઆર (FIR) દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવે.

  સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ની સીધી દેખરેખ હેઠળ કરાવવામાં આવે.

  વર્તમાન વિવાદિત ટ્રસ્ટને તાત્કાલિક અસરથી ભંગ કરવામાં આવે અને તેના સ્થાને દેશના પ્રતિષ્ઠિત ધર્માચાર્યો, સંતો, ગણમાન્ય નાગરિકો અને વહીવટી નિષ્ણાતોની બનેલી એક નવી અને સંપૂર્ણ પારદર્શક સમિતિ કે ટ્રસ્ટનું ગઠન થાય.

  શ્રી રામ મંદિર માટે અત્યાર સુધી પ્રાપ્ત થયેલા તમામ પ્રકારના સરકારી અને બિનસરકારી ફાળા, રોકડ ચઢાવા, જમીનની ખરીદી અને વિવિધ ઉત્સવોના ખર્ચાઓનું કોઈ સ્વતંત્ર એજન્સી પાસે સઘન 'ફોરેન્સિક ઓડિટ' કરાવી તેનો સત્તાવાર અહેવાલ દેશની જનતા સમક્ષ જાહેર કરવામાં આવે.

 

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત આ મહત્વની પત્રકાર પરિષદમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના મંત્રી ઋત્વિક મકવાણા, પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, દિનેશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા ડિપાર્ટમેન્ટના કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, મીડિયા ડિપાર્ટમેન્ટના કો-કન્વીનર હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(7:56 PM IST)