તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 19th September 2026
મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં થાણે પોલીસનો સન્સનાટીભર્યો ખુલાસો: માત્ર ૮,૦૦૦ રૂપિયાની લાલચમાં જૂતાના તળિયામાં છુપાવીને પ્રશ્નપત્રો બહાર ચોરાયા!
૩,૫૦૦ પાનાની ચાર્જશીટમાં ૧૮ આરોપીઓ સામે ગુનો નોંધાયો: આગ્રાની પ્રિન્ટિંગ પ્રેસમાંથી સુરક્ષાકર્મીઓની નજર ચૂકવી ચારેય સેટ ચોરનાર માસ્ટરમાઇન્ડ બ્રિજેન્દ્ર ગુપ્તા સહિત ૧૬ની ધરપકડ

મુંબઈ : મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક પ્રકરણમાં એક અત્યંત ચોંકાવનારી અને સુરક્ષા વ્યવસ્થાના છિદ્રો ખુલ્લા પાડતી વિગતો સામે આવી છે. થાણે પોલીસે ભિવંડી કોર્ટમાં દાખલ કરેલી લગભગ ૩,૫૦૦ પાનાની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે કે, આંતરરાજ્ય રેકેટના મુખ્ય સૂત્રધારોએ આગ્રા સ્થિત પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓને માત્ર ૮,૦૦૦ રૂપિયા અને જમીનના પ્લોટની લાલચ આપીને પ્રશ્નપત્રોની ચોરી કરાવી હતી. કર્મચારીઓએ સિક્યોરિટી ગાર્ડ્સથી બચવા માટે પ્રશ્નપત્રોને ઘડી વાળીને પોતાના જૂતાના તળિયામાં છુપાવી દીધા હતા અને તેને બહાર સુધી પહોંચાડ્યા હતા.
આ કેસની વિગતો મુજબ, આગ્રાની માહિમ પેટ્રોન પ્રાઇવેટ લિમિટેડ પ્રિન્ટિંગ પ્રેસને TET પરીક્ષાના અતિ ગુપ્ત પ્રશ્નપત્રો છાપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ૧૫ થી ૧૭ જૂનની વચ્ચે પ્રેસના બે વર્તમાન અને એક ભૂતપૂર્વ કર્મચારીએ સુરક્ષાકર્મીઓની નજર ચૂકવીને ચારેય સેટ ચોરી લીધા હતા. સિક્યોરિટી ટીમે માત્ર કપડાંની તપાસ કરી પરંતુ જૂતા ચેક કરવાનું ભૂલી જતાં આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ૨૮ જૂને યોજાનારી પરીક્ષાના બરાબર એક દિવસ પહેલાં જ ભિવંડીના કોનગાંવ વિસ્તારમાંથી પોલીસે છટકું ગોઠવીને મૂળ પ્રશ્નપત્રો સાથે શંકાસ્પદોની અટકાયત કરી આખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.
બિહારમાંથી મૂળ પ્રશ્નપત્ર મળ્યું, ૧૬ આરોપીઓ જેલહવાલે
પોલીસે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ભૂતપૂર્વ કોચિંગ શિક્ષક બ્રિજેન્દ્ર ગુપ્તાની ઓળખ કરી છે, જે અગાઉ ઓડિશામાં પણ પેપર લીકના કેસમાં સંડોવાયેલો હતો. ચાર્જશીટમાં કુલ ૧૮ આરોપીઓના નામ સામેલ કરાયા છે, જેમાંથી ગુપ્તા સહિત ૧૬ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે અશોક સો અને પ્રકાશ મિસાલ નામના બે સાગરીતો હજુ પણ ફરાર છે. પોલીસે બિહારમાં ગુપ્તાના સંબંધીના ઘરેથી ચોરાયેલા મૂળ પ્રશ્નપત્રો જપ્ત કર્યા છે અને નાણાકીય વ્યવહારોના ટેકનિકલ પુરાવા આધારે આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
