તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
દક્ષિણના રાજકારણમાં 'થલાપતિ'નો વિજય સૂર્યોદય: ૬૦ વર્ષના દ્રવિડ શાસનનો અંત આણી સી. જોસેફ વિજયે સંભાળ્યું તમિલનાડુનું સુકાન
જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં જનમેદની વચ્ચે સુપરસ્ટારે મુખ્યમંત્રી પદના લીધા શપથ: રાહુલ ગાંધી સહિતના દિગ્ગજોની હાજરીમાં ૯ મંત્રીઓએ પણ લીધા શપથ, રાજ્યમાં નવા યુગનો પ્રારંભ

ચેન્નાઈ: તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. ટીવીકે (TVK) ના વડા અને સુપરસ્ટાર સી. જોસેફ વિજયે રાજ્યના ૯મા મુખ્યમંત્રી તરીકે ભવ્ય સમારોહમાં શપથ ગ્રહણ કર્યા છે. છેલ્લા ૫૯ વર્ષથી રાજ્યના રાજકારણ પર પ્રભુત્વ ધરાવતા ડીએમકે અને એઆઈએડીએમકેના યુગનો અંત લાવી વિજયે માત્ર બે વર્ષ પહેલાં બનાવેલી પાર્ટી સાથે સત્તાના શિખરે પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.
વિજયની પાર્ટી ટીવીકે ૧૦૮ બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, જેને સાથી પક્ષોના ટેકા સાથે કુલ ૧૨૦ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રીની સાથે જ ૯ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં વેંકટરામન, રાજ મોહન અને અદ્વ અર્જુન જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં સત્તારૂઢ ડીએમકેને ૫૯ અને એડીએમકેને ૪૭ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે, જે રાજ્યમાં ત્રીજા મોરચાની મજબૂત સ્વીકૃતિ દર્શાવે છે.
નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ પ્રસંગે સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. શપથ બાદ વિજયે જનતાનો આભાર માનતા રાજ્યના સર્વાંગી વિકાસની ખાતરી આપી હતી. દક્ષિણ ભારતના આ મોટા રાજકીય પરિવર્તનથી હવે સમગ્ર દેશની નજર તમિલનાડુની નવી સરકારની કામગીરી અને તેમની ભાવિ રણનીતિ પર ટકેલી છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
